યુવરાજ સિંહની ધરપકડ:સોશિયલ મીડિયા પર યુઝવેન્દ્ર ચહલ અંગે જાતિગત ટિપ્પણી કરવાના કેસમાં યુવરાજ સિંહની ધરપકડ,
અનુસૂચિત જાતિ સામે અપમાનજનક ટિપ્પણી કરવાને લગતા એક કેસમાં ક્રિકેટર યુવરાજ સિંહની પોલીસે રવિવારે ધરપકડ કરી હતી. હરિયાણાના હિસાર જિલ્લાના હાંસીમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે તેને ઔપચારિક રીતે જામીન પર છોડવામાં આવ્યો છે. યુવરાજ પર આરોપ છે કે તેણે ગયા વર્ષે રોહિત શર્મા સાથે લાઈવ ચેટમાં યુઝવેન્દ્ર ચહલની જાતિ અંગે અપમાનજનક ટિપ્પણી કરી હતી.
હાંસી પોલીસના DSP વિનોદ શંકરે જણાવ્યું હતું કે ક્રિકેટર યુવરાજ સિંહને કેસની તપાસમાં સામે કરવા માટે ધરપકડ કરવામાં આવી. અગાઉ પણ તેમને બે વખત તપાસમાં સામેલ કરવામાં આવ્યા છે. પોલીસે હાઈકોર્ટના આદેશ પર કામ કર્યું છે અને યુવરાજને બેલ બોન્ડ પર છોડવામાં આવ્યો છે.
પોલીસે યુવરાજનો મોબાઈલ જપ્ત કર્યો પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વર્ગ વિશેષ ટિપ્પણી કરવાના કેસમાં પુરાવા મેળવવા માટે પોલીસે યુવરાજનો મોબાઈલ જપ્ત કરી લીધો છે. હાંસી પોલીસ હવે યુવરાજ સિંહ સામે કોર્ટમાં ચલણ રજૂ કરશે. ત્યારબાદ યુવરાજને વિશેષ કોર્ટમાં નિયમિતપણે જામીન હાંસલ કરવા પડશે. યુવરાજને હિસારમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર અધિનિયમ હેઠળ સ્થાપિત વિશેષ કોર્ટમાં નિશ્ચિત તારીખે હાજર થવું પડશે. જો ગુનો સાબિત થશે તો તેને 5 વર્ષ સુધીની સજા થઈ શકે છે.
સિક્યુરિટી અને વકીલ લઈ પહોંચ્યો હતો યુવરાજ યુવરાજ હાઈકોર્ટના આદેશ બાદ તપાસમાં સામેલ થવા માટે હિસાર પહોંચ્યો હતો. તેની સાથે સુરક્ષા કર્મચારી સહિત 4-5 સ્ટાફના લોકો અને વકીલ ચંડીગઢથી અહીં પહોંચ્યા હતા. કેટલાક કલાકની કાર્યવાહી અને પૂછપરછ બાદ યુવરાજ ચંડીગઢ રવાના થઈ ગયો હતો.
યુવરાજને VIP ટ્રીટમેન્ટ આપવાનો આરોપ આ કેસમાં ફરિયાદકર્તા રજત કલ્સને આરોપ લગાવ્યો છે કે હરિયાણા પોલીસે યુવરાજ સિંહને VIPની માફક ટ્રીટ કર્યો હતો. પોલીસ કર્મચારી તેની સાથે સેલ્ફી ખેંચાવતા હતા. એક આરોપી સાથે થતા વ્યવહારથી અલગ તેને ગેઝેટેડ ઓફિસરની મેસમાં જ્યુસ અને સ્નેક્સ પણ આપવામાં આવ્યા. આ સાથે જાણી જોઈને આ માહિતી મીડિયાથી દૂર રાકવામાં આવી. ફરિયાદકર્તાએ આ કેસમાં યુવરાજને જે વચગાળાના જામીન આપવાના પંજાબ હરિયાણા હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે યુવરાજ સિંહે ગયા વર્ષે ઈન્સ્ટાગ્રામ પર યુઝવેન્દ્ર ચહલ સાથે વીડિયો ચેટિંગ સમયે દલીત સમાજ માટે અપમાનજક ટિપ્પણી કરી હતી. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.