વડોદરામાં ધો-9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ સ્કૂલેથી ઘરે આવી ગળેફાંસો ખાધો, પરિવારનું હૈયાફાટ રૂદન

વડોદરા શહેરના ગાજરાવાડી ગોમતીપુરામાં રહેતી ધો-9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. વિદ્યાર્થિનીએ કયા કારણોસર આપઘાત કરી લીધો તે અંગે પાણીગેટ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પાણીગેટ પોલીસે લાશનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી છે.

પરિવારનો રડવાનો અવાજ સાંભળી પડોશીઓ દોડી આવ્યા

ગોમતીપુરામાં ગમગીની ફેલાવી દેનાર આ બનાવની વિગત એવી છે કે, ઝલક આશિષભાઇ પાંડે(ઉં.14) વડોદરા શહેરની શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલયમાં ધોરણ-9માં અભ્યાસ કરતી હતી. આજે બપોરે 1 વાગે સ્કૂલેથી આવ્યા બાદ કોઇક કારણસર ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બપોરે ઘરે આવેલા પરિવારને દીકરી ઝલકને ફાંસો ખાધેલી હાલતમાં જોતા સ્તબ્ધ થઇ ગયા હતા અને આક્રંદ કર્યું હતું. પરિવારનો રડવાનો અવાજ સાંભળી પડોશીઓ તેમજ વિસ્તારના લોકો દોડી ગયા હતા.

પોલીસ તપાસમાં આપઘાતનું કારણ બહાર આવશે

દરમિયાન આ બનાવ અંગેની જાણ પાણીગેટ પોલીસને કરવામાં આવતા કાફલો સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. બીજી બાજુ પોલીસે ઝલક પાંડેએ કયા કારણોસર આપઘાત કરી લીધો છે. તે અંગેની માહિતી મેળવવા પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. પરિવારના નિવેદનો અને પોલીસની ઝીણવટભરી તપાસ બાદ ઝલકના આપઘાતનું ચોક્કસ કારણ બહાર આવશે.

પિતાના હૈયાફાટ રૂદને વિસ્તારમાં સન્નાટો પાથરી દીધો

પાણીગેટ પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઝલકના પિતા વાઘોડિયાની જાણીતી કેબલ કંપનીમાં નોકરી કરે છે. દીકરી ઝલકે આપઘાત કરી લેતા પિતાના હૈયાફાટ રૂદને વિસ્તારમાં સન્નાટો પાથરી દીધો હતો.

કિશોરીએ આપઘાત કર્યો હતો

3 દિવસ પહેલા વડોદરાના ગોત્રી રોડ સ્થિત યશ કોમ્પલેક્ષ પાસે આવેલ રણછોડ પાર્કમાં રહેતી ઉર્વશી સુથાર (ઉં.16 )તેના પરિવાર સાથે રહેતી હતી. સોમવારે તેણીએ રાત્રિના સમય દરમિયાન અગમ્ય કારણોસર મકાનના ઉપલા માળે જઈ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ લક્ષ્મીપુરા પોલીસને કરવામાં આવી હતી. તુરંત જ પોલીસ બનાવ સ્થળે આવી પહોંચ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીએ આપઘાત કર્યો

આ પહેલા વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાનગી ટ્રસ્ટની હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી ફાલ્ગુનીબેન રત્નાભાઇ રાજપૂત(ઉ.25)એ સગાઇ થયા બાદ જાતે ઇન્જેક્શન મારી આત્મહત્યા કરી લીધી હતી. રહસ્યમય સંજોગોમાં ફાલ્ગુની બેને પોતાની જાતે જ દવાનું ઇન્જેક્શન લઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ વારસીયા પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ કરતા ફાલ્ગુની રાજપૂતે લીધેલા ઇન્જેક્શન તેમજ દવાની બોટલ મળી આવતા કબજે લીધી હતી.

error: Content is protected !!