વાયુસેનાના અકાઉન્ટ વિભાગના અધિકારીની પત્ની અને પુત્રની ડંબેલ્સથી હત્યા, CCTVનું ડીવીઆર પણ ચોરી ગયો હત્યારો
દિલ્હી: વાયુસેનામાં અકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવી રહેલા અધિકારીનાં પુત્ર અને પત્નીની ડંબેલ્સથી હુમલો કરી હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ આરોપી CCTVની DVR પણ સાથે લઈ ગયો. આ ગંભીર ઘટના દેશની રાજધાની દિલ્હીની છે.
દિલ્હીના પાલમ ગામમાં વાયુસેનામાં હિસાબનીસ તરીકે ફરજ બજાવતા એક અધિકારી શ્રીકૃષ્ણ સ્વરૂપે 7 વાગ્યે પોલીસને ફોન કરીને આ ઘટના વિશે જાણ કરી કે તેમના ઘરે તેમની 52 વર્ષની પત્ની બબીતા અને 27 વર્ષના પુત્ર ગૌરવની ખૂબ જ ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી તો ઘરમાં બબીતા અને ગૌરવનો મૃતદેહ જમીન પર લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો. ઘટનાસ્થળ પાસે લોહીથી રંગાયેલું એક ડંબેલ મળ્યું. પોલીસને શંકા છે કે હત્યારાએ હત્યા કરવા આ જ ડંબેલનો ઉપયોગ કર્યો હશે.
કોરોનાથી સાજા થયા બાદ કસરત માટે ડંબેલ્સ ખરીદ્યાં હતાં
શ્રીકૃષ્ણ સ્વરૂપે જણાવ્યું હતું કે તેમની પત્ની કોરોના સંક્રમિત થઇ હતી. રિકવરી થયા પછી કસરત કરવા માટે ડંબેલ્સ ખરીદ્યાં હતાં. જ્યારે તેઓ નોકરી પરથી ઘરે પરત આવ્યા ત્યારે તેમણે પત્ની અને પુત્રના મૃતદેહ જોયા હતા. ત્યાર પછી પોલીસને જાણકારી આપવામાં આવી હતી. પરિવારને શંકા છે કે લૂંટનો વિરોધ કરવા પર હત્યા કરવામાં આવી છે, કારણ કે ઘરની તિજોરી ખુલ્લી હતી અને સામાન અસ્થવ્યસ્થ પડ્યો હતો. હત્યારો જતી વખતે ઘરના સીસીટીવીનું DVR પણ સાથે લઇ ગયો છે. પોલીસે ડબલ મર્ડરનો કેસ નોંધી હત્યારાની શોધમાં આગળની તપાસ હાથ ધરી છે.