પેટ્રોલમાં 7 પૈસા ભાવ વધતાં વાજપેયીજીએ આ રીતે વિરોધ કર્યો હતો, હવે વિપક્ષે મોદી સરકારને ઘેરી

દાઝ્યા પર ડામ સમાન દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં હાલનો વિપક્ષ સરકારને મોંઘવારી મુદ્દે ઘેરવામાં નિષ્ફળ નીવડ્યો છે. પણ, વર્ષ 1973માં ઇન્દિરા ગાંધી સરકારે પેટ્રોલના ભાવમાં 7 પૈસાનો વધારો કરતાં વિપક્ષે તેનો જોરદાર વિરોધ કર્યો હતો.

જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જોકે, આ જ વીડિયો વિપક્ષ શેર કરી મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યું છે. 1973માં પેટ્રોલનો ભાવ આકાશને આંબી રહ્યો હતો. જેથી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ઇન્દિરા સરકાર દ્વારા કરાયેલાં પેટ્રોલના ભાવ વધારાથી નારાજ થયા હતા.

જેનો વિરોધ કરવા વાજપેયીજી તેમના સાથી સાથે બળદગાડું લઈને સંસદ પહોંચ્યા હતાં. આ ઉપરાંત કેટલાક સાંસદો સાયકલ લઈને પણ સંસદ પહોંચ્યા હતા. જોકે, વાજપેયીજીના આ વીડિયોને અત્યારે કોંગ્રેસના શશી થરુર અને તૃણમુલ કોંગ્રેસના ડેરેક ઓબ્રાયન સહિતના નેતાઓ શેર કરીને ભાજપની કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં મોટાભાગના રાજ્યમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા કરતાં વધારે છે. રાજસ્થાન. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, જમ્મુ કાશ્મીર, ઓડિશા અને તામિલનાડુંના શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ગયું છે.

મેટ્રો શહેરની વાત કરીએ તો મુંબઈ અને ચેન્નઈમાં પણ પેટ્રોલનો ભાવ 100 રૂપિયા કરતાં વધારે છે જ્યારે દિલ્હી અને કોલકાતામાં પેટ્રોલ 100 રૂપિયાની નજીક પહોંચી ગયું છે.

error: Content is protected !!