વડોદરામાં રમતાં રમતાં 2 વર્ષનું માસૂમ બાળક 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યું, અને પછી…

વડોદરામાં રમતાં રમતાં 2 વર્ષનું માસૂમ બાળક 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યું, અને પછી…

વડોદરા શહેરના સરસિયા તળાવ પાસે રમતાં રમતાં બે વર્ષનું બાળક અરુણ માવી 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યું હતું, જેને પગલે ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે JCBની મદદથી ખાડો ખોદીને બાળકને સહીસલામત રીતે બહાર કાઢ્યું હતું અને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. આમ, બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો.

પરિવારે દોડધામ કરી મૂકી
મૂળ દાહોદ જિલ્લાના લીમખેડાના અંબા ગામના શ્રમજીવી પરિવાર વડોદરામાં રહે છે. આ પરિવારનું બે વર્ષનું બાળક અરુણ મહેશભાઈ માવી રમતાં રમતાં આજે 10 ફૂટ ઊંડા ખાડામાં પડી જતાં બુમરાણ મચી ગઈ હતી અને પરિવારજનોએ દોડધામ કરી મૂકી હતી. આ બનાવને પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. જ્યારે પોલીસ અને દાંડિયાબજાર તેમજ પાણીગેટ ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

રેસ્ક્યૂ-ઓપરેશનમાં JCBની મદદ લેવાઈ
વડોદરાના સરસિયા તળાવ પાસે આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો કે જૂના શિવજીના મંદિર પાસે એક બાળક ઊંડા ખાડામાં પડી ગયું છે, જેથી ફાયરબ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બાળકને રેસ્ક્યૂ કરવાની કામગીરી શરૂ કરી હતી.

ખાડો સાંકડો હોવાથી બાળકને રેસ્ક્યૂ કરવામાં ફાયરબ્રિગેડને ખૂબ જ મુશ્કેલી પડી હતી. ફાયરબ્રિગેડે બાજુમાં જ JCBની મદદથી બીજો ખાડો ખોદવાનું શરૂ કર્યું હતું. જોતજોતાંમાં જ ખાડો ખોદીને બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું અને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું.

લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં
ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ દોડી ગઈ હતી. બાળક ખાડામાં પડી ગયાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં. ફાયરબ્રિગેડે બાળકને સહીસલામત રીતે બહાર કાઢતાં લોકોએ ફાયરબ્રિગેડની કામગીરીનાં વખાણ કર્યાં હતાં.

ખાડો ખુલ્લો કોણે મૂક્યો?
માસૂમ બાળકને ખાડાનો ખ્યાલ ન આવે એ સ્વાભાવિક છે, પણ આવો ઊંડો અને સાંકડો ખાડો કોણે ખુલ્લો મૂકી દીધો એ પણ મોટો સવાલ છે. એને પગલે સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ જોવા મળ્યો હતો.