અકસ્માતમાં મૃત્યુ પામેલા 7 વર્ષીય બાળકના પિતાએ કહ્યું-‘નેતાના પુત્ર સામે સખત કાર્યવાહી નહીં થાય તો હું આપઘાત કરીશ’

વડોદરા: વડોદરાના માંજલપુર સ્મશાન રોડ પર શનિવારે રાત્રે થયેલા હિટ એન્ડ રન કેસમાં અકસ્માત કરનારો યુવાન દેવુલ ફૂલબાજે RSPના નેતા ઘનશ્યામ ફૂલબાજેનો દીકરો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે, ત્યારે મૃતક બાળક કવિશના પિતા રાજેશભાઇ પટેલે પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે માંજલપુર સ્મશાન નજીક એક જીપના ચાલકે અમારા સ્કૂટરને ટક્કર મારતાં મારા પુત્ર કવિશનું મોત નીપજ્યું હતું. જીપ ચલાવવાવાળો કોઈ નેતાનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. તેની સામે કડક કાર્યવાહી જરૂરી છે. જો આરોપી સામે સખત કાર્યવાહી નહીં થાય તો હું આપઘાત કરી લઈશ.

પોલીસે ફરાર આરોપીને શોધવા તપાસ હાથ ધરી
વડોદરાના માંજલપુર સ્મશાન રોડ પર શનિવારે રાત્રે થયેલા હિટ એન્ડ રન કેસમાં અકસ્માત કરનાર જીપને પોલીસે અલવાનાકા પાસેથી કબજે કરી હતી. દેવુલ ફૂલબાજેએ અકસ્માત કરીને જીપને અલવાનાકા ખાતે ડિવાઈડર પર ચઢાવી દીધી હતી, જ્યાંથી તે ફરાર થઈ ગયો હતો. પોલીસં ફરાર દેવુલને શોધવા તપાસ હાથ ધરી છે.

બાળકને ગંભીર ઈજા થવાને કારણે સારવાર દરમિયાન મોત થયું હતું
માંજલપુર પોલીસના જણાવ્યા અનુસાર, ધાર્વી પરેશભાઈ પટેલ(ઉં.વ.18, રહે-ગજાનંદ હાઈટસ,માંજલપુર) પોતાના ભાઈઓ કવિશભાઈ રાજેશભાઈ પટેલ (ઉં.વ.7,રહે-મૂળ-વણિયાદ ગામ, ડભોઈ, વડોદરા) અને કિયાન બિપિનભાઈ પટેલ (ઉં.વ.7,રહે-સુબોધનગર, માંજલપુર)ને ટ્યૂશનથી લઈને શનિવારે સાંજે સાડાછ વાગે મોપેડ પર માંજલપુર મંગલેશ્વર મંદિર સ્મશાન રોડ પરથી પાછી ઘરે જઈ રહી હતી. દરમિયાન સ્મશાન ચોકડી પાસે કાળા કલરની જીપના ચાલકે મોપેડને ટક્કર મારી સન સિટી તરફ ભાગી ગયો હતોસ જેમાં મોપેડ પરથી ત્રણેય નીચે પડી ગયાં હતાં. એમાં ધાર્વી પટેલને જમણા હાથે-પગે અને સાથળ પર ઈજા પહોચી હતી. કિયાન પટેલને મોઢા અને કપાળના ભાગે તેમજ પગે ઈજા પહોચી હતી, જ્યારે કવિશ પટેલનું ગંભીર ઈજા થવાને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

નજરે જોનારી વ્યક્તિએ જીપચાલકને ઓળખી બતાવ્યો
માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એમ.છાસિયાએ વધુમાં જણાવ્યું હતું કે નજરે જોનારી વ્યક્તિએ જીપચાલકને ઓળખી બતાવ્યો છે. તેના જણાવ્યા અનુસાર, આ જીપનો ચાલક દેવુલ ઘનશ્યામ ફૂલબાજે હોવાનું બહાર આવ્યું છે, જ્યારે આ ગાડી દેવુલ ફૂલબાજેની જ છે કે પછી અન્યની એ અંગે પોલીસ આરટીઓમાં જઈ તપાસ હાથ ધરશે. બીજી તરફ પોલીસને આ જીપ અલવાનાકા ખાતે ડિવાઈડર પર ચઢેલી હાલતમાં મળી હતી, પરંતુ આસપાસ પૂછપરછ કરતાં અલવાનાકા પાસે દેવુલ ફૂલબાજેએ અન્ય કોઈને અકસ્માત કર્યો હોય તેવી કોઈ માહિતી મળી નથી. દેવુલે આ અકસ્માત કર્યા બાદ ફરાર થઈ ગયો છે.

દેવુલ ફૂલબાજેની વારસિયા પોલીસે અટકાયત કરી હતી
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, એપ્રિલ મહિનામાં દેવુલ ફૂલબાજે નંબર વગરની કાળા કલરની જીપ રાત્રિ કર્ફ્યૂ દરમિયાન મિત્ર સાથે બહાર નીકળતાં વારસીયા પોલીસે ગધેડા માર્કેટ પાસેથી તેની અટકાયત કરી હતી અને દેવુલ તેમજ તેના મિત્ર વિરુદ્ધ કર્ફ્યૂ ભંગનો ગુનો પણ દાખલ કરીને જીપને ડિટેઈન કરી હતી. દેવુલ અને તેના મિત્ર રોહન ચૌધરી પાસેથી માસ્ક ન પહેરવા માટે પોલીસે દંડ પણ ઉઘરાવ્યો હતો.

error: Content is protected !!