લગ્નના 4-5 મહિના બાદ પણ પતિ નહતો બાંધતો શારીરિક સંબંધ, હકિકતની જાણ થતાં પત્નીના પગ નીચેથી જમીન સરકી ગઈ
બે વર્ષ પહેલાં સોનેરી સપના સાથે સાંસારીક જીવનમાં પગરણ માંડનાર પરિણીતાને લગ્ન બાદ ખબર પડી કે, “પતિ શારિરીક સબંધ બાંધવા માટે સક્ષમ નથી” તેવી જાણ થયા પછી પરિણીતાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. તેમ છતાં, સાંસારીક જીવન જીવવા તૈયાર થયેલી પરિણીતાને સાસરિયાઓ દ્વારા સારી રીતે રાખવાને બદલે અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવતો હતો. દરમિયાન સાસરિયાઓએ આયોજન પૂર્વક પરિણીતાને પિયરમાં મોકલી દીધા બાદ પતિ વિદેશ રવાના થઇ જતાં, પરિણીતાએ સાંસારીક જીવન બરબાદ કરી નાખીને વિદેશી ભાગી ગયેલા પતિ અને વડોદરામાં રહેતા સાસુ, સસરા તથા નણંદ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પુત્ર શારીરિક સબંધ બાંધવા સક્ષમ ન હોવા છતાં, પરિવારે લગ્ન કરાવી દીધા
મહિલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં બિનાબેન (નામ બદલ્યું છે) રહે છે. તેઓના લગ્ન વર્ષ-2020માં સુભાનપુરામાં રહેતા પાર્થ ઉપાધ્યાય સાથે થયા હતા. સોનેરી સપના લઇને ગયેલી બિનાનું લગ્ન જીવન ચાર-પાંચ માસ સુધી સારી રીતે પસાર થયું હતું. પરંતુ, ચાર-પાંચ માસ સુધી પતિ પાર્થ બિના સાથે કોઈ શારિરીક સબંધ બાંધતો ન હતો. જેથી બિનાએ તપાસ કરતા ખબર પડી કે, “પતિ શારિરીક સબંધ બાંધવા માટે સક્ષમ નથી” આ વાત જાણી બિના સ્તબ્ધ થઇ ગઇ હતી. ફરિયાદમાં જણાવ્યું છે કે, પાર્થ શારીરીક સબંધ બાંધવા માટે સક્ષમ નથી., તે અંગે પાર્થના માતા-પિતા તેમજ પરિવારના સભ્યો જાણવા છતાં, બિના સાથે લગ્ન કરાવ્યા હતા.
સાસુ-નણંદ ઘરના કામ-કાજ માટે પરિણીતાને ત્રાસ આપતા
મહિલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે, સાસુ, સસરા અને નણંદ દ્વારા ઘરમાં કામ-કાજને લઈને બિના સાથે ઝઘડા કરવામાં આવતા હતા. સાસુ જણાવતા હતા કે, તને તારી માંએ કંઇ શિખવાડ્યું નથી. બિનાના માતા-પિતાને ફોન કરીને બિનાને લઇ જવાનું જણાવતા હતા. અવાર-નવાર પિયરમાં મોકલી દેવાની ધમકી આપવામાં આવતી હતી. આમ છતાં, બિના પોતાનો સાંસારીક જીવન બગડે નહીં તે માટે ત્રાસ સહન કરી રહી હતી.
પરિણીતા માસિક ધર્મમાં હતી, ત્યારે સાસુ-નણંદે લાફા માર્યા
ફરિયાદમાં જણાવ્યું છે કે, જાન્યુઆરી-2022માં બિના માસિક ધર્મમાં હતી. તે સમયે તે મોડી ઉઠતા તેની સાસુ અને નણંદે લાફા માર્યા હતા. તે સમયે પતિ પાર્થ પણ હાજર હતો. પરંતુ, તે પત્નીના પક્ષે રહેવાના બદલે પોતાની માતા અને બહેનના પક્ષે રહ્યો હતો. તેજ દિવસે સાસુ, સસરા અને નણંદે બિનાને જણાવ્યું કે, પાર્થને કેનેડા જવાનું છે. પિયરમાંથી રૂપિયા 10 લાખ લઇ આવ. બિનાએ પોતાનો સંસાર ન બગડે તેવા આશયથી લગ્ન સમયે પોતાના પિયરમાંથી મળેલા 6 તોલા સોનાના દાગીના બેંકમાં મૂકીને 2.70 લાખ રૂપિયા આપ્યા હતા. તે બાદ થોડા દિવસ સારી રીતે દિવસો પસાર થયા હતા.
પત્નીને પિયરમાં મૂકીને પતિ વિદેશ ભાગી ગયો
દરમિયાન સાસરિયાઓએ આયોજન પૂર્વક બિનાને 15 દિવસ પિયરમાં રહેવા મોકલી હતી અને જણાવ્યું હતું કે, પાર્થ તને લેવા માટે આવશે. પરંતુ, બિના પિયરમાં ગયા બાદ પાર્થે સંપર્ક કરવાનું બંધ કરી દીધું હતું. મેસેજનો પણ બિનાને જવાબ આપતો ન હતો. જેથી બિનાને શંકા જતાં, તે માર્ચ-2022ના રોજ બિના તેના પિતા, ભાઇ અને કાકા સાથે સાસરીમાં ગઇ હતી. તે સમયે સાસુ અને નણંદે ઘરમાં આવવાની ના પાડી દીધી હતી અને જણાવ્યું કે, પાર્થ યુ.એ.ઇ. જતો રહ્યો છે અને ત્યાંથી કેનેડા જતો રહેવાનો છે. હવે અને કાયમ માટે આવવાનો નથી. તું બીજા લગ્ન કરી લે અને જો તું આવીશ તો જીવતી રહેવા નહીં દઇએ તેવી ધમકી આપી હતી. જે તે સમયે બિનાએ ગોરવા પોલીસ મથકમાં પતિ સહિત સાસરિયાઓ વિરૂદ્ધ અરજી પણ આપી હતી.
પરિણીતાએ આખરે ફરિયાદ કરી
પોતાનો સાંસારીક જીવન ટકી રહે તે માટે બિનાએ તમામ પ્રયાસો કરવા છતાં, સાંસરીક જીવન બદબાદ થતાં આખરે બિનાએ મહિલા પોલીસ મથકના દ્વાર ખખડાવ્યા છે અને ત્રણ માસ પહેલાં વિદેશ ભાગી ગયેલા પતિ અને વડોદરા સુભાનપુરામાં રહેતા સાસુ, સસરા અને નણંદ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસ મથકના પી.આઇ. યુ. જે. જોષીએ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.