વડોદરામાં સંબંધો લજવાયા, જમવામાં નશીલી વસ્તુ ભેળવીને 10 દિવસ સુધી મામો જ ભાણીને પીંખતો રહ્યો

વડોદરામાં સંબંધો લજવાયા, જમવામાં નશીલી વસ્તુ ભેળવીને 10 દિવસ સુધી મામો જ ભાણીને પીંખતો રહ્યો

સંબંધને શર્મશાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. પતિ સાથે ઝઘડો થયા બાદ રિસાઈને પોતાના મામાના ઘરે રહેવા ગયેલી ભાણીને ઘેનપદાર્થ યુક્ત જમવાનું આપી રાતે નરાધમ મામાએ ભાણી પર દુષ્કર્મ ગુજારતા ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે. ભાણીએ જ મામાને ઘરેથી પકડીને પોલીસ મથક લાવીને ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

જમવાનું ખાતા જ મહિલા અર્ધબેભાન થઈ જતી હતી
બનાવ અંગેની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગોધરા ખાતે રહેતી 36 વર્ષીય મહિલાના લગ્ન 18 વર્ષ પહેલા થઈ ગયા હતાં.દરમિયાન પોતાના પતિ સાથે ઝઘડો થતા તે સાવલી તાલુકામાં રહેતા પોતાના કૌટુંબિક મામાના ઘરે રહેવા ચાલી ગઈ હતી. કૌટુંબિક મામાના ઘરે શરૂઆતના પાંચ દિવસ સારી રીતે વિત્યા હતાં. દરમિયાન એક દિવસ રાતના સમયે મામા ભાણી માટે જમવાનું લાવ્યાં હતાં.

તે જમવાનું જમતા જ યુવતી અર્ધબેભાન થઈ ગઈ હતી. અને આ રાતે જ મામાએ ભાણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જ્યારે ત્યાર બાદ આશરે 10 દિવસ સુધી ભાણી પોતાના મામાના ઘરે રોકાઈ હતી અને આ દરમિયાન મામા જ્યારે બહારથી જમવાનું લાવે ત્યારે મહિલા તે જમવાનું જમતા જ અર્ધબેભાન થઈ જતી અને મામા તેની સાથે દુષ્કર્મ કરતા હતાં.​​​​​​​

આખરે ફરિયાદ નોંધાવી હતી
​​​​​​​ડઘાઇ ગયેલી મહિલા આખરે પોતાના મામાના ઘરેથી કહ્યાં વગર નીકળી જઈને પતિના મિત્રને મામાએ આચરેલા દુષ્કર્મ અંગે જાણ કરી હતી. પતિના મિત્રએ યુવતીને તેના ઘરે 1 મહિનો સુધી રાખી હતી. જ્યારે જૂન 2022માં મહિલાને એક બહેન મળ્યાં હતાં અને મામાએ આચરેલા દુષ્કર્મની વાત જણાવી હતી.

ત્યારે બહેને તેણીને મહિલા સુરક્ષા સહાયતા સંગઠનની વાત કરતા યુવતી ત્યાં જઈને આપવીતી જણાવતા તેમના થકી આ મામલે ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. મહિલા, પોતાના પતિ અને પતિના મિત્રો સાથે કુટુંબી મામાના ઘરે જઇને તેને ઝડપી પાડયા બાદ ભાદરવા પોલીસ મથક લઈને તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

યુવતી, તેના પતિ અને મિત્રો સાથે ઘરે પહોંચી તો મામાનો ભાગવાનો પ્રયાસ
યુવતી પોતાની પર દુષ્કર્મ આચરનારા મામાને પાઠ ભણાવવા માટે પોતાના પતિ અને મિત્રો સાથે તેના ઘરે પહોચી હતી. કહ્યા વિના જતી રહેલી ભાણીને અચાનક જ ઘરે આવેલી જોઈને હવસખોર મામો ડરી ગયો હતો અને ભાગવા જતા તે જમીન પર પટકાયો હતો.

જેમાં નરાધમના પગે મચકોડ આવી જતા તે ચાલી પણ શકતો ન હતો. દરમિયાન યુવતી અને તેના પતિએ નરાધમ મામાને પકડીને ભાદરવા પોલીસ મથક લઈ આવ્યાં હતાં.જ્યાં યુવતીએ પોલીસ સમક્ષ આખી આપવીતી જણાવી તેના મામા વિરૂધ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)