વાછડાદાદા રણમાં પાણીમાં બાઇક ફસાતા બે લોકો આખો દિવસ રઝળ્યા, બેભાન થઇ જતાં ટ્રેક્ટર લઇને દોડી ગયેલા સેવાભાવીઓએ બચાવ્યા

કચ્છઃ કાળજુ કંપાવી નાખે અને હૈયુ હચમચાવી નાખે એવી ઘટના કચ્છના નાના રણમાં ઘટવા પામી છે. જેમાં ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામના દલવાડી સમાજના બે બાઈક સવાર વીર વચ્છરાજ દાદાના મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. આગળ જતા રણમાં પાણી આવી જતા રસ્તો બંધ હતો. અને પાણીમાં બાઇક નાખતા બાઇક પણ બંધ થઇ ગયુ હતુ. વેરાન રણમાં પીવાનું પાણી પણ ખતમ થઈ જતા બંન્ને બેભાન થઇ ગયા હતાં જેની જાણ સેવાભાવી લોકોને થતાં બંન્નેને બચાવ્યા હતા.

આ બંને જણા સવારના 10 વાગ્યાથી આ કપરી પરીસ્થિતિમાં પાણી વગર તરફડીયા મારી રહ્યા હતા. એવા સમયે રણમાંથી ઉડતા સમાચાર આવ્યા હતા કે, રણમા કોઇ ફસાયું છે. કે તરત જ નિમકનગર ગામના અશ્વિનભાઈ કુડેચા પોતાનું ટ્રેક્ટર લઇ તેમના મિત્રો સુનિલભાઇ ઝીંઝરીયા, સુખદેવભાઇ ત્રેટીયા અને ભીમજીભાઇ સાથે રણમાં ખોવાયેલા વ્યક્તિઓને શોધવા નીકળી પડ્યા હતા. વેરાન રણમાં રાત્રીના ઘોર અંધારામાં મોબાઈલની લાઈટથી કુડાથી 20 કિલોમીટર દૂર રણમાં બે લોકો બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા. તરત જ એમને પીવાનું પાણી અને નાસ્તો કરાવી રણમાં જ થોડો આરામ કર્યો હતો. અને ટ્રેક્ટરમાં એમના ઘરે લઈ આવ્યા હતા. ઘરે આવ્યા બાદ એકદમ સ્વસ્થ અવસ્થામાં એમને નવું જીવતદાન મળ્યાનો અહેસાસ થયો હતો અને ઘરેથી વિદાય આપી માનવ સેવાનું એક ઉદાહરણ પુરૂં પાડ્યું હતુ.

આ અંગે રણમાં બેભાન બનેલા કંકાવટીના અંબારામભાઇ દલવાડીએ આંખોમાં ઝણઝણીયા સાથે જણાવ્યું કે, અમે લોકો બે બાઇક લઇને કંકાવટીથી માનતા પુરી કરવા ઝીંઝુવાડા રણમાં આવેલા વાછડાદાદાના મંદિરે મોટરસાયકલ લઇને ગયા હતા. એવામાં વાછડાદાદાનું મંદિર આઠથી દશ કિ.મી.દૂર હતુને રણમાં પાણી આવી જતા અને હિંમત કરીને પાણીમાં બાઇક ચલાવ્યું હતુ. થોડીવારમાં જ બાઇક બંધ થઇ જતાં અમે ખુબ મથામણ કરવા છતાં બાઇક ચાલુ થઇ શક્યું નહોતું અને અન્ય બાઇકવાળા દ્વારા ગામમાં સમાચાર મોકલાવ્યા હતા.

સવારે 10 વાગ્યે બંધ બાઇકને દોરીને અમે થાકેલી હાલતમાં અંદાજે 10 કિ.મી.જેટલું ચાલ્યા હતા. રણમાં ક્યાંય પાણી ન હોવાથી અમેં મીઠું પકવવાના કૂંવાનું એકદમ ખારૂ પાણી પીવા મજબૂર બન્યાં હતા. પછી વેરાન રણમાં ભુખ અને તરસથી થાકેલા અમે બેભાન થઇને ઢળી પડતા અમને મોતના સાક્ષાત દર્શન થયા હતા. એવામાં દૂરથી ટ્રેક્ટર લઇને આવતા લોકોને જોઇને અમને અર્ધ બેભાન હાલતમાં આ લોકો દેવદૂત બનીને આવ્યા હોવાનું લાગ્યું એ લોકોએ અમને રણમાં બેભાન હાલતમાં પાણી અને નાસ્તો કરવાની સાથે અમને અમારા વતન પહોંચાડવાની સાથે રણમાં બંધ પડેલું મોટરસાયકલ પણ ટ્રેક્ટરમાં લાવી અમારા ઘેર પહોંચાડ્યું હતુ. આ સેવાભાવી યુવાનોની બદોલત અમને સાક્ષાત નવુ જીવન મળ્યાનો અહેસાસ થયો છે. જે અમે આજીવન નહીં ભુલી શકીએ. ખરેખર વેરાન રણમાં બે નિર્દોષ લોકોની જીંદગી બચાવનારા કંકાવટીના યુવાનોને દિલથી સલામ.

error: Content is protected !!