વડોદરામાં બે અનાથ દીકરીઓના ધામધૂમથી લગ્ન થયા, કલેક્ટરથી લઈને મંત્રી સુધીના લોકો આશીર્વાદ આપવા આવ્યા, જાણો કેમ?

એક ખૂબ જ સારા અને આંખોને ઠંડક મળે એવા સમાચાર વડોદરાથી આવ્યા છે. અહીં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત નારી સંરક્ષણ ગૃહના આંગણે બે વર્ષ બાદ શરણાઇના સૂર રેલાયા હતા. બાળપણ પસાર કરનારી વંદના અને શિતલે પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં અને પિયર સમા નારી સંરક્ષણ ગૃહના આંગણેથી અશ્રુભીની આંખે સાસરીએ જવા માટે પોતાના ભરથાર સાથે વિદાય લીધી હતી. વિદાયની વસમી વેળાએ લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત લોકો પોતાના આસું રોકી શક્યા ન હતા.

જે દીકરી અનાથ હોય તેના લાલનપાલનની જવાબદારી સર્વ સમાજની છે અને એ આપણી પ્રાચીન પરંપરા છે. એટલે નારી સંરક્ષણ ગૃહને ત્યાં આવેલા આ અવસરમાં તેમના પડખે સમાજના અનેક લોકો ઉભા રહ્યા હતા અને વંદના અને શિતલના લગ્ન ધામધૂમથી કરાવ્યા હતાં. અનેક શ્રેષ્ઠીઓ દ્વારા બંને દીકરીઓને પોતાની યથાશક્તિ કન્યાદાન કર્યું હતું.

નારી સંરક્ષણ ગૃહમાં બંને દીકરીઓનું બાળપણ વિત્યું
પ્રભુતામાં પગલાં પાડનાર શિતલ અને વંદનાના ભૂતકાળમાં ડોકીયું કરીએ તો શીતલ અતુલભાઇ પવારના માતાનું મૃત્યુ થયા બાદ પિતા ક્યાંક ચાલ્યા ગયા હતા અને તે બાદ તેમના કોઇ સંબંધી તેમને અહીં મૂકી ગયા હતા. કુદરતે આપેલી આ કપરી સ્થિતિમાં રાજ્ય સરકારે તેમનું લાલનપાલન કર્યું. તેમનું બાળપણ અહીં હસતા ખેલતા સારી રીતે પસાર થયું હતું અને આજે તેણે સાંસારીક જીવનમાં પગરણ માડ્યા હતા.

સંસ્કારોનું સિંચન થયું
એવી જ કહાની વંદનાની પણ છે. તે આઠ વર્ષની હતી ત્યારે તેમને અહીં લાવવામાં આવી હતી. પોલીસ દ્વારા અનેક તપાસ કરવામાં આવી પણ, તેમના વાલી મળી આવ્યા નહીં. માતા અને પિતા, બંનેની ભૂમિકા નારી સંરક્ષણ ગૃહે સારી રીતે નિભાવી હતી. આ બન્નેને અભ્યાસ સાથે આદર્શ નારી બને તેવા સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું હતું. ઉંમરલાયક થતાં આજે તેણે પણ સાસારીક જીવનની શરૂઆત કરી હતી.

માતા-પિતા જેમ જ સારો મુરતિયો શોધે તે રીતે યુવાનની પસંદગી
નારી સંરક્ષણ ગૃહમાં રહીને લગ્નના ઉબરે પહોચેલી વંદનાના ઉમરેઠ ગામના વિવેક સાથે અને શિતલના લગ્ન વડોદરા શહેરના શુભમ સાથે શાસ્ત્રોક્ત વિધી સાથે કરવામાં આવ્યા હતા. નોંધનિય છે કે, તેમની વિધિ રસપ્રદ છે. નારી સંરક્ષણ ગૃહમાં લગ્નોત્સુક યુવકોના બાયોડેટા આવેલા હોય છે. ન હોય તો મંગાવવામાં આવે છે. સામાન્ય રીતે દીકરી 18 વર્ષની થયા બાદ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. જે રીતે એક માતા-પિતા પોતાની દીકરી માટે સારો મુરતિયો શોધે તે રીતે યુવાનની પસંદગી કરવામાં આવે છે.

સંસ્થામાં રહી ગ્લાસ મેકિંગનું કામ કરી હું આત્મનિર્ભર બની
લગ્ન પ્રસંગે શીતલે જણાવ્યું કે, હું નાનેથી મોટી અહીં આ સંસ્થામાં થઇ, પારિવારિક હૂંફ મળી. સંસ્થામાં સર્વગ્રાહી તાલીમ મળી. પગભર થવા વિવિધ વ્યાવસાયિક તાલીમ મળી, તેથી પગભર થવાની મારી ઇચ્છા પૂર્ણ થઇ છે. સંસ્થામાં રહી ગ્લાસ મેકિંગનું કામ કરી હું આત્મનિર્ભર બની. આ પરિવારની હું કાળજી લઇ શકું તેવી મારી મનોકામના છે તે પણ આજે પૂર્ણ થવા જઇ રહી છે. સાસરીએ જતાં પહેલા પરિવારજનોને પોતાના કરવા, કઇ રીતે વર્તવુ, વાતચીત કરવી અને હળીમળી જવાની શીખ અને તાલીમ પણ આ સંસ્થામાંથી મળી છે. શીતલના પતિ શુભમ અરુણભાઇ પવાર વડોદરાના ન્યુ વીઆઇપી રોડ ખાતે રહે છે અને તે ખાનગી કંપનીમાં કાર્યરત છે. તેના માતા બ્યુટી પાર્લર અને પિતા ડેરી પાર્લર ચલાવે છે.

મને અહીં પરિવારિક હૂંફ મળી
વંદનાના લગ્ન પ્રસંગે વંદનાએ જણાવ્યું કે, સંસ્થામાં દીકરીની જેમ સાચવવામાં આવ્યા છે. પરિવારજનની માફક રહ્યા છીએ, પરિવારિક હૂંફ મળી. અમે માંગ્યું તે મળ્યુ છે. પગભર થવાની તાલીમ મળી. વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા શીખવવામાં આવ્યું છે. વંદનાના ભરથાર વિવેક રોહિતભાઇ વ્યાસ ઉમરેઠ ખાતે રહે છે. તે ખાનગી કંપનીમાં કાર્યરત છે.

આજે ધામધૂમથી લગ્ન યોજાયા
શિતલ અને વંદનાની તા. 22 ફેબ્રુઆરીના રોજ લગ્નની તારીખ નિયત થતાં નારી સંરક્ષણ ગૃહના આગણે ઢોલ ઢબુકવાના શરૂ થઇ ગયા હતા. સાંજીના ગીતો, પીઠી, ગોત્રજ, માણેકસ્તંભ રોપણ સહિતની ધાર્મિક વિધિઓ શરૂ થઇ ગઇ હતી અને આજે તેઓના ધામધૂમથી લગ્ન યોજાયા હતા. આ લગ્ન પ્રસંગમાં અગાઉ લગ્ન કરીને ગયેલી યુવતીઓ પોતાના પરિવાર સાથે આવી હતી. વડોદરાના નિઝામપુરા સ્થિત નારી સંરક્ષણ ગૃહની દીકરીઓ શીતલ અને વંદનાનો આજે લગ્નનો પ્રસંગ યોજાયો હતો.

અમે એક રુમમાં સાથે જ રહીએ
આ પ્રસંગે શીતલ અને વંદનાની સખી કોમલ વાઘેલાએ જણાવ્યું હતું કે, અમે એક રુમમાં સાથે જ રહીએ, સાથે મોટા થયા, સાથે ભણ્યા, હસ્યા, રમ્યા અને સ્વનિર્ભર થવાની જુદી-જુદી તાલીમ લીધી. અમે સંસ્થામાં એક સાથે ત્રીસ યુવતીઓ બહેનની માફક એક પરિવારજનની જેમ રહીએ છીએ. શીતલ, વંદના અને મેં સંસ્થામાં રહી ગ્લાસ મેકિંગની કામગીરી કરી, માસિક જે આવક થતી તે બધી ખાતામાં જમા થતી અને આજે તે બચત સ્વરુપે એ બંને સાસરે વળે છે ત્યારે તેના ભવિષ્ય માટે ઉપયોગી બનશે.

નવદંપતિને સુખી સાંસારીક જીવનના આશિર્વાદ આપ્યા
આ ઉપરાંત આ લગ્ન પ્રસંગમા બાળ કલ્યાણ મંત્રી મનિષાબેન વકીલ, જિલ્લા કલેક્ટર, સાસંદ રંજનબહેન ભટ્ટ, પોલીસ કમિશનર ડો. શમશેરસિગ સહિત રાજકીય અગ્રણીઓ, સામાજના શ્રેષ્ઠીઓ સહિત આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને નવદંપતિને સુખી સાસારીક જીવનના આશિર્વાદ આપ્યાં હતા.વડોદરામાં બે અનાથ દીકરીઓના રંગેચંગે લગ્ન સંપન્ન થયા, વંદના અને શિતલને અશ્રુભીની આંખે વિદાય આપી, આખું વડોદરા થયુ ભાવુક, જુઓ તસવીરો

error: Content is protected !!