ગુજરાતનો શોકિંગ બનાવઃ 20 વર્ષીય યુવતીનું ગળું દબાવી-ડામ આપી હત્યા, જોનારાઓ ચીસો પાડી ગયા

વડોદરામાં તૃષા સોલંકીની ચકચારી હત્યા બાદ હવે વડોદરાની યુવતી મીરા સોલંકીની તિલકવાડામાં હત્યા કરાયેલી લાશ મળી આવતા સનસનાટી મચી ગઇ છે. વડોદરાના માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતી 20 વર્ષીય યુવતીની નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ સ્ટેશનની હદમાં એક ખેતરમાંથી હત્યા કરેલી હાલતમાં લાશ મળી છે. મીરાએ તેની પિતરાઈ બહેનને વોટ્સએપ પર મેસેજ કરીને જણાવ્યું હતું કે હું સંદીપ સાથે છું. ચિંતા કરશો નહીં. હું રવિવારે સાંજ સુધીમાં ઘરે આવી જઇશ. તાજેતરમાં ધોરણ 12ની પરીક્ષા આપનાર યુવતીની હત્યા કેવી રીતે કરવામાં આવી છે. તે અંગેની માહિતી મેળવવા માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ યુવતીની હત્યા પ્રેમ પ્રકરણમાં કરવામાં આવી હોવાનું મનાઇ રહ્યું છે.

દીકરી ગુમ થતાં પિતાએ ફરિયાદ નોંધાવી
વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી દરબાર ચોકડી પાસે બળીયાદેવ મંદિર સામે આવેલા ખેતરમાં માતા-પિતા સાથે રહેતી મીરા નિલેશભાઈ સોલંકી બે દિવસ પહેલા ઘરેથી નીકળી ગઈ હતી. દરમિયાન મોડી રાત સુધી પરત ન ફરતા પિતા નિલેશભાઈ સોલંકીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં મીરા ગુમ થઈ ગયાની અરજી આપી હતી. બીજી બાજુ નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ મથકની હદમાં આવેલ ખેતરમાંથી મીરાની લાશ મળી આવતા તિલકવાડા પોલીસે લાશની ઓળખ કરવા માટે તપાસ હાથ ધરી હતી.

તિલકવાડામાં યુવતીનો મૃતદેહ મળ્યો
બીજી બાજુ સોશિયલ મીડિયા પર ફરતા થયેલા મીરાની લાશના ફોટા પરિવારજનો અને માંજલપુર વિસ્તારના પૂર્વ કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીને જોવા મળતા તેઓ તિલકવાડા ખાતે દોડી ગયા હતા અને લાશની ઓળખ કરી હતી. લાશની ઓળખ થયા બાદ તેના પોસ્ટમોર્ટમ માટે તિલકવાડા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે સુવિધા યોગ્ય ન હોવાના કારણે અને પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવાનું હોવાથી મીરાનો મૃતદેહ વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જોકે, તિલકવાડા પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

ગળું દબાવી અને ડામ આપીને હત્યા
પોલીસની પ્રાથમિક તપાસમાં મીરાની હત્યા ગળું દબાવીને તેમજ ડામ આપીને કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મીરાની હત્યા કેવી રીતે કરવામાં આવી છે. તે ચોક્કસ કારણ બહાર આવશે. ખેડૂત દીકરી મીરાની હત્યાના બનાવે માંજલપુર વિસ્તારમાં સનસનાટી મચાવી મુકી છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા એક તરફી પ્રેમમાં પાગલ યુવાને તૃષાની વડોદરા નજીક ક્રૂર હત્યા કરી હતી. આ બનાવ હજુ લોકોના માનસ ઉપરથી દૂર થયો નથી. ત્યાં વધુ એક યુવતી પ્રેમ પ્રકરણનો ભોગ બની છે.

મીરાએ ધો-12 ની પરીક્ષા આપી હતી
આ સનસનીખેજ બનાવ અંગે માંજલપુર વિસ્તારના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ જણાવ્યું હતું કે, મીરા સોલંકી પરિવારની એકની એક દીકરી હતી. તેને તાજેતરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12ની પરીક્ષા આપી હતી. બે દિવસ પહેલા તે ઘરેથી નીકળી ગઈ હતી. જેથી પરિવારજનો દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થયાની અરજી પણ આપવામાં આવી હતી.

પ્રેમ પ્રકરણમાં હત્યાની આશંકા
બીજી બાજુ મીરાએ તેની પિતરાઈ બેનને વોટ્સએપ પર મેસેજ કરીને જણાવ્યું હતું કે હું સંદીપ સાથે છું. ચિંતા કરશો નહીં. હું રવિવારે સાંજ સુધીમાં ઘરે આવી જઇશ. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરે જણાવ્યું હતું કે, મીરા સોલંકીની પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાનું લાગી રહ્યું છે અને જુના પાદરા રોડ ઉપર રહેતા સંદીપ મકવાણા નામના યુવાન સાથે મીરા ગઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મીરાની હત્યા કરનાર આરોપીની પોલીસ દ્વારા વહેલી તકે ધરપકડ કરવામાં આવે ને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી છે.

મીરાનો મોબાઇલ ગુમ
તિલકવાડા પોલીસ દ્વારા વડોદરાની મીરા સોલંકીની હત્યાનો ભેદ ઉકેલવા માટે તપાસ શરૂ કરી દીધી છે. મીરાનો મોબાઇલ ફોન મળ્યો ન હોવાથી પોલીસે ગુમ થયેલા ફોનની પણ તપાસ શરૂ કરી છે. આ સાથે વડોદરા માજલપુર પોલીસ દ્વારા પણ મીરા સોલંકી હત્યા કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. માજલપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલ કોલ્ડરૂમ ઉપર પહોંચી ગયા હતા.

સંદીપના પરિવારના 4 સભ્યોની પૂછતાછ
ઓલ્ડ પાદરા રોડ પર રહેતા સંદીપ મકવાણા સાથે મીરા સોલંકી તિલકવાડા તરફ ગઇ હતી. જેથી સંદીપ શંકાના દાયરામાં આવ્યો છે. તિલકવાડા પોલીસે સંદીપના માતા- પિતા સહિત પરિવારના 4 સભ્યોની મોડી રાત સુધી પૂછતાછ કરી હતી.’હું સંદીપ સાથે છું, ચિંતા ના કરશો’, છેલ્લો મેસેજ કર્યાં બાદ વડોદરાની યુવતીની લાશ મળી, હચમચાવી દેતો બનાવ

error: Content is protected !!