ઓછા વ્યાજ દરે હોમ લોન જોઈતી હોય તો, લોન અમાઉન્ટ અને સિબિલ સ્કોર સહિત આ 6 બાબતોનું ધ્યાન રાખવું

ઓછા વ્યાજ દરે હોમ લોન જોઈતી હોય તો, લોન અમાઉન્ટ અને સિબિલ સ્કોર સહિત આ 6 બાબતોનું ધ્યાન રાખવું

ઘણી વખત જોવા મળે છે કે જ્યારે કોઈ વ્યક્તિ હોમ લોન લેવા જાય છે તો તેને બીજાની તુલનામાં વધારે વ્યાજ આપવું પડે છે. હોમ લોનના વ્યાજ દર લોન અમાઉન્ટ અને સિબિલ સ્કોર સહિત ઘણી બાબતો પર આધાર રાખે છે. તે સિવાય બેંક મહિલા કર્જદારને ઓછા વ્યાજે હોમ લોન આપે છે. અહીં અમે તમને એવી 6 બાબતો વિશે જણાવી રહ્યા છીએ, જેને ધ્યાનમાં રાખીને તમે ઓછા વ્યાજ દરે લોન મેળવી શકો છો.

સારો ક્રેડિટ સ્કોર સસ્તી લોન અપાવશે
કોઈ પણ વ્યક્તિનો ક્રેડિટ સ્કોર તેની હોમ લોનની એલિજિબિલિટીને અસર કરે છે. ક્રેડિટ સ્કોર ઘણી ક્રેડિટ પ્રોફાઇલિંગ કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. તેમાં એવું જોવા મળે છે કે તમે પહેલાં લોન લીધી છે અથવા ક્રેડિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કર્યો છે કે નહીં. કોઈપણ વ્યક્તિનો ક્રેડિટ સ્કોર રિપેમેન્ટ હિસ્ટ્રી, ક્રેડિટ ઉપયોગનો ગુણોત્તર, કરન્ટ લોન અને બીલની સમયસર ચૂકવણી પર આધારિત હોય છે. જો તમારી પાસે સારો ક્રેડિટ સ્કોર હશે તો તમને સરળતાથી અને સસ્તા વ્યાજ દરે લોન મળી જશે.

કારણ વગર મોટી રકમની લોન લેવાનું ટાળો
બેંકના વ્યાજ દર પણ તમારી લોનની રકમ પર આધારિત હોય છે. લોનની રકમ જેટલી વધારે વ્યાજ દર એટલો વધારે હોય છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) બેંકમાં હોમ લોનની 3 લિમિટ છે. તેના હેઠળ 30 લાખ રૂપિયા સુધીની લોન પર 6.70, 30થી 75 લાખ રૂપિયા સુધીની લોન પર 6.95 અને 75 લાખથી વધુ રકમની લોન લેવાથી તમારે વાર્ષિક 7.05% પ્રમાણે વ્યાજ ચૂકવવું પડે છે. એટલે કે, તમારી લોનના વ્યાજ દર તમારી લોનની રકમ અનુસાર હોય છે.

ઇન્ટરેસ્ટ પ્લાનનું ધ્યાન રાખો
બેંકો 3 પ્રકારના ઇન્ટરેસ્ટ પ્લાન ઓફર કરે છે. આ 3 પ્લાન ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ, ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ અને ફ્લેક્સી ઇન્ટરેસ્ટ પ્લાન છે. આ તમારા વ્યાજ દરને પણ અસર કરે છે. ફિક્સ્ડ હોમ પ્લાનમાં બેંક ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ ચાર્જ કરે છે. એટલે કે, તમને બેંકના એક નિશ્ચિત રેટ પર હોમ લોન મળે છે. ફ્લોટિંગ હોમ લોન પ્લાનમાં વ્યાજ બેંકના બેઝ રેટ સાથે લિંક્ડ હોય છે. આ કારણોસર બેઝ રેટમાં ફેરફાર થવાને કારણે વ્યાજ દર ઘટે છે અથવા વધે છે

ફ્લેક્સી હોમ લોન પ્લાન ફ્લોટિંગ અને ફિક્સ્ડ પ્લાનથી મળતો આવે છે. આ પ્લાનને હાઇબ્રિડ હોમ લોન પણ કહેવામાં આવે છે. તેમાં સૌથી અગત્યની બાબત એ છે કે ગ્રાહક તેની જરૂરિયાત મુજબ લોનના સમયગાળા વચ્ચે તેના પ્લાનને ફિક્સ અથવા ફ્લોટિંગમાં બદલી શકે છે. તમે તમારી જરૂરિયાત મુજબ ઇન્ટરેસ્ટ પ્લાન પસંદ કરી શકો છો. આ સિવાય તમે ઇન્ટરેસ્ટ પ્લાન પસંદ કરતા પહેલા નિષ્ણાતની સલાહ પણ લઈ શકો છો.

મહિલાને સસ્તી લોન મળે છે
જો કોઈ મહિલા દ્વારા હોમ લોન લેવામાં આવે તો તો તેમને પુરુષો કરતાં સસ્તી હોમ લોન મળે છે. મહિલાઓને 5 બેસિસ પોઇન્ટ સસ્તી હોમ લોન મળે છે, તેથી હોમ લોન લેતી વખતે પ્રથમ અરજદાર મહિલા બનવાનો પ્રયત્ન કરો. આ સિવાય, જો તમે ઇચ્છો તો તમે પરિવારની કોઈ સ્ત્રી સાથે જોઈન્ટ હોમ લોન લઈ શકો છો. તેનાથી પણ તમને ઓછા વ્યાજ પર લોન મળશે.

ઉંમર અને નોકરીની પણ અસર પડે છે
મોટાભાગની બેંક નોકરી કરતા પગારદાર લોકોને જલ્દી અને ઓછા વ્યાજે લોન આપવાનું પસંદ કરે છે. કેમ કે અહીંથી તેમના લોનના પૈસા પાછા આવવાની વધારે સંભાવના રહે છે. તે સિવાય વધારે ઉંમરના લોકોને પણ બેંક લોન આપવાથી બચે છે અથવા વધારે વ્યાજે લોન આપે છે

સંબંધિત બેંક પાસેથી લોન લો
તમારું બેંક અકાઉન્ટ અથવા ફિક્સ્ડ ડિપોઝિટ (FD) હોય એ બેંકમાંથી લોન લેવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. બેંકો તેમના નિયમિત ગ્રાહકોને ઓછા વ્યાજ અને સરળતાથી લોન પૂરી પાડે છે.