અમદાવાદમાં આ લાઈન રેશનિંગના અનાજ કે પાણીની નહીં પણ દેશી દારૂના અડ્ડા પરની છે, ઘાટલોડિયા PI કહે છે મને ખબર નથી

અમદાવાદ:ગુજરાતમાં દારૂબંધી માત્ર કહેવા પુરતી જ છે. રાજ્યમાં રોજ દારૂ પકડાતો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદ શહેરમા કેટલાય વિસ્તારો એવા છે જ્યાં બેરોકટોક દારૂ વેચાઈ રહ્યો છે. દિવાળીનો તહેવાર નજીકમાં જ છે અને બજારમાં ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ જામી છે. ત્યારે એક એવો પણ વિસ્તાર છે જ્યાં લોકોની દારૂ ખરીદવા માટે લાઈનો લાગે છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારના મુખ્યમાર્ગ પર દારૂ ખરીદવા માટે જબરદસ્ત લાઈનો લાગે છે. જેના કારણે ટ્રાફિક જામ થઈ જાય છે. આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના PI વાય. આર. વાઘેલાને પૂછતાં તેમણે પહેલા તો પોતાની હદ ન હોવાની વાત કહી હતી. બાદમાં કહ્યું મને આ વિશે જાણ નથી.

દારૂ ખરીદવા માટે ઉમટેલી ભીડને કારણે લોકો પરેશાન અમદાવાદના ઘાટલોડિયામાં સિંધવાઈ માતાના મંદિરેથી AEC બ્રિજ નીચેથી ગુરૂકુલ તરફ જતા માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળે છે. સામાન્ય લોકો આ રસ્તેથી પસાર થાય ત્યારે અસહ્ય દુર્ગંધ મારતી હોય છે. પરંતુ ખરેખર આ જગ્યા જાણે બુટલેગર અને દારૂ પીનારા લોકો માટે જાણે નિયમો બહારની હોય તેવું લાગી રહ્યું છે. AEC બ્રિજ નીચેથી ગુરુકુલ તરફ આગળ વધતા જાવ એમ દારૂ ખરીદનારા ટોળા વધતા જાય છે.

પડદો ખુલતાં જ લોકો દારૂ લેવા લાઈન લગાવે છે   સ્ટિંગ ઓપરેશનમા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે આ જગ્યા પર અનેક લોકો ભેગા થાય છે અને દારુનું વેચાણ થતું હોય છે ત્યાં અંદર જવા માટે લાઈન લગાવે છે. વીડિયોમાં દેખાતા દ્રશ્યો પ્રમાણે અહીં લગાવવામાં આવેલો પડદો હટતાંની સાથે જ રીતસર દારુનું વેચાણ શરૂ થાય છે. લોકો રોકડા રૂપિયા આપીને બિંદાસ્ત દારુ ખરીદે છે. લાઈનમાં ઉભેલા લોકો પણ હાથમાં દારૂની પોટલી લઈને ઉભેલા દેખાય છે.

પોલીસ કહે છે કે અમને આ વિશે કશી જ ખબર નથી ગુજરાતમાં દારુબંધી છે છતાંય અત્યંત શરમજનક વાત એ છે કે જ્યાં દારૂ ખરીદવામાં આવે છે. ત્યાંથી 200 મીટર દુર ગર્લ્સ હોસ્ટેલ છે. સ્કૂલ છે અને ધાર્મિક સ્થળ પણ છે. આટલું જ નહીં ઘાટલોડિયા ગામમાં ઠાકોરવાસમાં પણ આ પ્રકારે દારુ વેચાઈ રહ્યો છે. આ વેચાણ કરનારા લોકોને વિક્રમ નામના વ્યક્તિએ પરવાનો આપી દીધો છે. આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે દિવ્યભાસ્કરે વાત કરતાં તેમણે કહ્યું હતું કે મને આ બાબતે કશી જ જાણ નથી અને આ વાત માનવા યોગ્ય નથી.

error: Content is protected !!