આ રીતે તૂટ્યો મોરબીનો ઝૂલતો પુલ:140થી વધુ લોકોનાં મોત, મચ્છુનો પટ મરણચીસોથી ગુંજ્યો, એનિમેશનથી સમજો 3 સેકન્ડમાં કેવી રીતે બની આ દુર્ઘટના

આ રીતે તૂટ્યો મોરબીનો ઝૂલતો પુલ:140થી વધુ લોકોનાં મોત, મચ્છુનો પટ મરણચીસોથી ગુંજ્યો, એનિમેશનથી સમજો 3 સેકન્ડમાં કેવી રીતે બની આ દુર્ઘટના

એ ત્રણ સેકન્ડ અને મચ્છુનો પટ મરણચીસોથી ગુંજી ઉઠ્યો. રવિવાની એ સાંજ મોરબી માટે ગોઝારી સાબિત થઈ અને સેંકડો લોકોને ભરખી ગઈ. કંઈક કડાકા જેવો સામાન્ય અવાજ આવ્યો અને ખિલખિલાટ અને કિલકારીઓ વચ્ચે અચાનક જ ચીસાચીસ થઈ ગઈ. કોઈ કંઈ સમજે એ પહેલાં તો 500થી વધુ લોકોને મોત દેખાયું અને ટપોટપ નદીમાં પડવા લાગ્યા.આ ઝૂલતો પુલ શા માટે તૂટી ગયો?આ પુલ તૂટવાનું મુખ્ય કારણ ઓવરલોડ છે. 100 લોકોની કેપેસિટી હોય અને 500થી વધુ લોકો ચઢી જાય તો શું થાય?

નગરપાલિકાનો ઓરેવા ટ્રસ્ટ પર આક્ષેપ
ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ કહ્યું કે, ખાનગી કંપનીએ પુલનું રિનોવેશન કર્યા બાદ તંત્રના વેરિફિકેશન અને મજબુતાઈના સર્ટિફિકેટ વગર જ પુલ ચાલુ કરી દીધો હતો. પુલ કેટલો મજુબત છે? તેની ગુણવત્તા ચકાસ્યા વગર આવું કરી શકાય નહીં. હાલ તંત્ર દ્વારા પુલના રિનોવેશન, મજબૂતાઈ વિશેના તમામ રેકર્ડ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જો પુલના કામમાં બેદરકારી બહાર આવશે તો તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

મોરબી હૉસ્પિટલમાં લાશોના ઢગલા
મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની ઘટનાએ સાંજથી જ મોરબીમાં હાહાકાર મચાવી દીધો હતો. એક પછી એક વારાફરતી એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલે લવાયા હતા. મૃતકો, ઈજાગ્રસ્તો અને તેમના પરિવારજનોથી આખી હોસ્પિટલ ઉભરાઈ ગઈ હતી. આને કારણે જાણે આખું મોરબી શહેર સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવી ગયું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. ત્યારે બીજીતરફ શહેર આખામાં ડરામણો સન્નાટો ફેલાઈ ગયો હતો.

8 લોકોને બચાવ્યા, વધારે ન બચાવી શક્યો: પ્રત્યક્ષદર્શી
પરપ્રાંતિય શ્રમિક સુભાષભાઈએ જણાવ્યું હતું કે, પુલ પર 1100 જેટલા લોકો હતા. લોકોના વધુ ધસારાના કારણે એકાએક પુલ તૂટતાં તેમણે નજરોનજર જોયો હતો. બાદમાં તેઓ તુરંત જ અન્ય સાથીદારો સાથે દોડી ગયા હતા અને આઠ જેટલા લોકોને બચાવ્યા હતા. અમે વધારે લોકોને ન બચાવી શક્યા. મોટા લોકો તો પુલની દોરીએથી નદી બહાર નીકળી ગયા હતા, પણ નાના બાળકો નદીમાંથી બહાર નીકળી શક્યા ન હતા.

નવા વર્ષે જ આ પુલ ખુલ્લો મૂકાયો હતો
મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઓરેવા ગ્રુપના MD દ્વારા જ ઝૂલતા પુલને ખુલ્લો મુકાયો હતો. આ પુલ રિનોવેશન માટે બંઘ કરવામાં આવ્યો હતો. રૂપિયા 2 કરોડના ખર્ચે આ પુલનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. રિનોવેશનને કારણે 7 મહિના માટે ઝૂલતો પુલ બંધ રહ્યો હતો. પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટ પાસે છે.

વર્ષ 1879માં પુલનુ ખાતમુહૂર્ત કરાયું હતું
આ બ્રિજ એક સમયે આખા સૌરાષ્ટ્રની શાન ગણાતો. આ પુલનું બાંધકામ યુરોપિયન શૈલીનું હતું. મહારાજા વાઘજી ઠાકરે તેનું નિર્માણ કરાવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે. મોરબીનો આ ઝૂલતો પૂલ 140 વર્ષથી પણ વધારો જૂનો છે. 20મી ફેબ્રુઆરી 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.