અમદાવાદના ત્રણેય મિત્રો ન્યૂઝીલેન્ડના બીચ ઉપર ફરવા ગયા, બેના મોત, પત્નીની નજર સામે જ પતિ દરિયામાં તણાયો
દરિયાકાંઠે બેદરકારી દાખવવી કેટલી ભારે પડી શકે છે તેનું ઉદાહરણ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે પીહા બીચ પરથી જોવા મળ્યું છે. અહીં બીચ પર થયેલા દુર્ઘટનાનો એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે પીહા બીચ પર દરિયાકિનારે ફરવા માટે ગયેલા અમદાવાદના ત્રણ યુવકોમાંથી બે યુવક અંશુલ શાહ અને સૌરીન પટેલનું દરિયામાં ડૂબી જવાથી મોત થયું છે. અન્ય એક યુવક અપૂર્વ મોદીને તરતા આવડતું હોવાથી તે બચી ગયો હતો.
અંશુલ શાહ અને અપૂર્વ મોદી તેમની પત્નીઓ સાથે અને સૌરીન પટેલ ત્રણેય દરિયા કિનારે ગયા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. આ દુર્ઘટનામાં અંશુલનું પત્નીની સામે જ દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. ત્રણેય ખાસ મિત્રો ફરવા માટે દરિયાકિનારે ગયા હતા અને તેમાં પત્નીની નજરની સામે જ મોત થતા પરિવારજનો ભારે આઘાતમાં છે. આવતીકાલે પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ તેમનો મૃતદેહ પરિવારજનોને સોંપાશે. પરંતુ તેમને લાવવા માટે થઈ અને ખૂબ મોટો ખર્ચ થઈ શકે છે. જેથી હવે પરિવારજનો પણ આર્થિક સંકળામણને લઈ અને મૃતદેહ લાવશે કે કેમ તેનો નિર્ણય આવતીકાલે લેશે.
અંશુલ વર્કિંગ વિઝા ઉપર ન્યૂઝીલેન્ડ ગયો હતો
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ધરણીધર વિસ્તારમાં રહેતો અંશુલ શાહ, સૌરીન પટેલ અને અપૂર્વ મોદી મિત્રો હતા. સૌરીનને અપૂર્વ સ્કૂલ સમયથી ઓળખતો હતો. અંશુલને પણ ઘણા વર્ષોથી તે ઓળખતો હતો. અંશુલ તેની પત્ની સાથે વર્કિંગ વિઝા ઉપર ન્યૂઝીલેન્ડ ગયો હતો. અંશુલ, સૌરિન અને અપુર્વ દરિયાના પાણીમાં ગયા હતા. જ્યારે બંનેની પત્નીઓ બહાર ઉભી હતી. બહુ દૂર ગયા ન હતા અને એક બોલથી રમી રહ્યા હતા. ત્યારે અચાનક એક વિશાળ મોજું ત્રણેય ઉપર આવી ગયું હતું. જેમાં સૌરીને અપુર્વનો હાથ પકડી લીધો હતો. જ્યારે અંશુલ વહી ગયો હતો.
બંને યુવાનોને કિનારે લાવ્યા પરંતુ બચાવી ન શક્યા
સૌરીન અને અપૂર્વ ધીરે ધીરે દરિયા કિનારે આવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ અન્ય મોજું આવતાની સાથે બંને અલગ થઈ ગયા હતા. જોકે, અપૂર્વ બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. કોઈએ 111 પર ફોન કર્યો અને લગભગ 15 મિનિટ પછી કોસ્ટગાર્ડ્સ આવ્યા. ત્યારબાદ બીજી 15 કે 20 મિનિટ પછી દરિયામાં ડૂબેલા બંને યુવાનોને કિનારે લાવ્યા હતા. બંનેને CRP આપવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓનો જીવ બચાવી શક્યા ન હતા.
બંને યુવકોના મૃતદેહના પોસ્ટમોટમની કાર્યવાહી
સૌરીન વર્ષ 2018માં ભણવા માટે ન્યુઝીલેન્ડ ગયો હતો. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતો અને તે ઓકલેન્ડમાં ટનલ પ્રોજેક્ટમાં નોકરી કરતો હતો. ગત ઓગસ્ટ 2022માં જ તેને નોકરી મળી હતી અને તે ખૂબ જ ખુશ હતો. જ્યારે અંશુલ ગેસ સ્ટેશન ઉપર નોકરી કરતો હતો. અપૂર્વ મોદીએ હાજર સામે તેના બે મિત્રોને ગુમાવ્યા છે. મૃત્યુ પામેલા બંને યુવકોના મૃતદેહના પોસ્ટમોટમની કાર્યવાહી આવતીકાલે ન્યૂઝીલેન્ડમાં થશે અને બાદ તેના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.
મૃતદેહ ભારત લાવવા હાઈ કમિશનની મદદ માંગી
જોકે, આવતીકાલે મૃતદેહ સોપાયા બાદ તેના તેને ભારત લાવવાની કાર્યવાહી અંગેનો નિર્ણય લેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. સુત્રો મુજબ મૃતદેહને ભારત લાવવા માટે થઈ અને ખર્ચા સહિતની વ્યવસ્થા માટે હાઈ કમિશનની મદદ માંગવામાં આવી છે અને તેઓને આશા છે કે ભારતીય હાઇ કમિશન તેઓની મદદ કરશે.
ઓકલેન્ડમાં 48 કલાકમાં પાંચ લોકો ડૂબી જવાથી મોત
ઉલ્લેખનીય છે કે, પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતુ કે, પીહા બીચ પર ઇમર્જન્સી ક્રૂને સાંજે 6 વાગ્યા પછી બોલાવવામાં આવ્યા હતા. લાઇફગાર્ડ્સ દ્વારા કિનારે લાવવામાં આવતાં બે લોકો પ્રતિભાવવિહીન હતા. તાત્કાલિક તબીબી સારવાર આપવા છતાં તેમને પુનર્જીવિત કરવામાં અસમર્થ હતા. સૌરીન પટેલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતો જે ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડ આવ્યો હતો, જ્યારે અંશુલ શાહ, ગેસ સ્ટેશન પર કેશિયર તરીકે કામ કરતો હતો અને નવેમ્બરમાં ન્યુઝીલેન્ડ આવ્યો હતો. નોંધનીય છે કે ઓકલેન્ડ શહેર વિસ્તારમાં 48 કલાકની અંદર પાંચ લોકો ડૂબી જવાના અહેવાલ છે.
હેલિકોપ્ટર બચાવ માટે પહોંચ્યાં હતાં
સ્થાનિક મીડિયા અનુસાર, હેલિકોપ્ટર બચાવ કામગીરીમાં મદદ કરવા માટે પહોંચ્યાં હતાં. એક સ્થાનિકે મીડિયા રિપોર્ટમાં કહ્યું કે, હેલિકોપ્ટર આવ્યું અને એક વ્યક્તિને બચાવવાની કામગીરી શરૂ કરી, એટલામાં એક મહિલા પોલીસકર્મી બીજા વ્યક્તિને બચાવવા હેલિકોપ્ટરમાંથી કૂદે છે. તેમણે તે વ્યક્તિને કેવી રીતે જોયો તે અમને ખબર નથી.
‘લોકોને સીમાની અંદર સ્વિમિંગ કરવા અપીલ’
સર્ફ લાઇફ સેવર્સે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, “બે લોકો એકસાથે પાણીમાં પ્રવેશ્યા હોવાનું માનવામાં આવે છે અને લાયન રોકની ઉત્તરે મળી આવ્યા હતા. તેમણે આગળ જણાવ્યું કે, અમે લોકોને નક્કી કરેલી સીમાની અંદર સ્વિમિંગ કરવા અપીલ કરીએ છીએ, જેથી આવી ઘટના ન બને.”
‘બંને વ્યક્તિ પેટ્રોલિંગ એરિયાની બહાર સ્વિમિંગ કરતા હતા’
ઓકલેન્ડના લાઇફગાર્ડ ફેરોન ટર્નરે જણાવ્યું હતું કે, “સ્વિમર્સને સાંજે 6 વાગ્યે પછી તરવા જવા પર એલર્ટ આપવામાં આવેલું છે. અમે પાણીમાંથી એકનું રેસ્ક્યુ કર્યું અને તરત જ બીજા વ્યક્તિને જોયો. બંને વ્યક્તિ પેટ્રોલિંગ એરિયાની બહાર સ્વિમિંગ કરતા હતા. અમે બંનેને બચાવવાના પ્રયત્નો કર્યા પરંતુ અંતે મૃત જાહેર કરવામાં આવ્યા.”
સપ્તાહના અંત સુધી પાંચનાં મોત થયાં
સપ્તાહના અંતમાં ઓકલેન્ડની આસપાસના દરિયામાં પાંચ લોકોનાં મોત થયાં છે. સમગ્ર ન્યુઝીલેન્ડમાં ડૂબવાથી મૃત્યુ પામનારની કુલ સંખ્યા 10 પર પહોંચી છે. શનિવારે સવારે 11.30 આસપાસ તાકાપુનામાં પાણી દુર્ઘટનામાં એકનું મોત થયું હતું, જ્યારે શુક્રવારે રાત્રે ઉત્તરના અલગ-અલગ દરિયા કિનારામાં બે લોકોનાં મોત થયાં હતાં.
‘દરિયો સુરક્ષિત નથી અને તમારો મિત્ર પણ નથી’
સર્ફ લાઇફ સેવિંગ નોર્ધન રિજનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મેટ વિલિયમ્સ કહે છે, “લોકોએ બીચ પર સતર્ક રહેવું ખૂબ જરૂરી છે. આ અઠવાડિયે સમગ્ર ઓકલેન્ડ અને કોરોમંડલ દરિયાકિનારા પર દુર્ઘટનાઓનો દોર રહ્યો છે. અને અમે એક ટ્રેન્ડ જોઈ રહ્યા છીએ.” આવી દુર્ઘટના લાઈફગાર્ડ પેટ્રોલિંગ એરિયા અને પેટ્રોલિંગ કલાકોની બહાર બની રહી છે. દરિયો સુરક્ષિત નથી અને તમારો મિત્ર પણ નથી. આથી મહેરબાની કરીને ભયજનક સપાટી સુધી સ્વિમિંગ કરવા ન જાઓ.