ગરીબ પરિવારનો દીકરો પારકા પૈસાથી UPSC પાસ કરી IAS બન્યો, ઘર ચલાવવા માટે સાઇકલ રિપેરિંગ-પંક્ચરનું પણ કામ કર્યું

રાજકોટની વીજકંપની પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર વરુણકુમાર બરનવાલએ મિડીયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે સાઈકલ રિપેરિંગથી લઈને IAS પાસ કરવાની સફળતા કેવી રીતે મેળવી તે વિશે વાત કરી હતી. IAS વરૂણકુમારે જણાવ્યું કે, ‘1984માં મહારાષ્ટ્રમાં જન્મ થયો, પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હતી. પિતા સાઇકલ રિપેર કરવાની દુકાન ચલાવતા હતા અને પરિવારનું ભરણપોષણ કરતા હતા. પરિવારમાં પાંચ ભાઈ-બહેન હતા. મારા ભણતરની ફી ભરી શકવા પરિવાર સક્ષમ ન હતો, છતાં પિતાએ મજૂરી કરી ભણાવ્યો.

 

21 માર્ચ-2006ના રોજ મેં ધો.10ની પરીક્ષા પૂર્ણ કરી અને તેના ચાર દિવસ બાદ જ એટલે કે 26 માર્ચ-2006ના પિતાનું નિધન થયું. પિતાના અવસાન બાદ પરિવારની જવાબદારી મારા ઉપર આવી પડી હતી. મોટા બહેન શિક્ષક હતા તે પણ મદદરૂપ થતા, પરંતુ ભણવાની ફીના પૈસા ન હતા અને પરિવારનું ગુજરાન ચલાવવું સૌથી પહેલી જરૂરિયાત હતી તેથી મેં અભ્યાસ છોડી દઈ પિતાના વ્યવસાયને જ આગળ ધપાવવાનો નિર્ણય કર્યો અને સાઇકલ રિપેરિંગ અને પંક્ચર સાંધવાનું કામ કરવા લાગ્યો. થોડા દિવસો બાદ ધો.10નું પરિમાણ આવ્યું અને મેં ટોપ કર્યું. પરંતુ આગળ ભણવા માટે પૈસા ન હતા.’

વધુમાં તેમણે કહ્યું કે, ‘એક દિવસ હું દુકાનમાં કામ કરી રહ્યો હતો એ દરમિયાન મારા પિતાની સારવાર કરનાર ડોક્ટર ત્યાંથી પસાર થયા અને મને પરિણામ અને આગળ અભ્યાસનું પૂછ્યું. મેં બધી વાત કરી ડોક્ટરે મારી ફીના પૈસા ભર્યા. આગળ જતા ધો.12માં પણ સ્કૂલ ફીના પૈસા શિક્ષકોએ ભેગા થઇને ભર્યા. પછી મેં સરકારી ઈજનેરી કોલેજમાં એન્જિનિયરિંગ શરૂ કર્યું. સાઇકલ રિપેરિંગ સાથે ટ્યૂશન આપવાના પણ શરૂ કર્યા. ઈજનેરીના અભ્યાસ માટેના પુસ્તકો પણ મિત્રોએ લઇ આપ્યા હતા. MIT પુણેમાંથી હું ઈજનેરીમાં ગોલ્ડ મેડાલિસ્ટ બન્યો.’

IASની પરીક્ષા બાબતે વાત કરતા તેમણે જણાવ્યું કે, ‘મારા એક મિત્રના પિતાએ સરકારી નોકરીનું સૂચન કર્યું ત્યારથી મેં IAS બનવાનું નક્કી કર્યું અને તૈયારીઓમાં લાગ્યો. મલ્ટિનેશનલ કંપનીમાં જોબ પણ મળી પરંતુ આઈએએસ બનવા માટે મેં તે જોબ પણ છોડી દીધી હતી. માર્ચ-2013માં UPSCની પ્રિલિમ્સ પ્રથમ પ્રયત્ને પાસ કરી, ડિસેમ્બર-2013માં યુપીએસસીની મેઈન્સ પણ પાસ કરી અને મે-2014માં હું UPSCના ઈન્ટરવ્યૂમાં પણ પ્રથમ પ્રયાસે કોઈપણ કોચિંગ વિના જ ઉત્તીર્ણ થયો. ઓલ ઇન્ડિયા 26મો રેન્ક મળ્યો અને આખરે હું IAS ઓફિસર બન્યો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં IAS ઓફિસર તરીકેના શપથ લીધા. આજે રાજકોટની વીજકંપની પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છું.’ (નિહિર પટેલ સાથે થયેલી વાતચીતના આધારે)

IAS બન્યા બાદ વરુણકુમાર ડીડીઓથી લઈને જુદી જુદી પોસ્ટિંગ ઉપર ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ સૌથી પહેલા સાબરકાંઠામાં સુપર ન્યુમેરરિ આસિસ્ટન્ટ કલેક્ટર હતા, ત્યારબાદ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર એન્ડ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ સેક્રેટરી રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં તેઓ આસિસ્ટન્ટ કલેક્ટર અને એસડીએમ રહ્યા હતા. ત્યારબાદ ભાવનગરમાં ડીડીઓ તરીકે તેમને પોસ્ટિંગ મળ્યું હતું. છેલ્લે રિજિઓનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, રાજકોટ અને ત્યારબાદ હાલ PGVCLના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત છે.

પીજીવીસીએલના આટલા વર્ષમાં અનેક IAS અધિકારી એમડી તરીકે રહ્યા છે. જેમાંથી કોઈ બ્લેઝર-સૂટ પહેરી આવતા તો કોઈ ફ્રી ડ્રેસ, તો કોઈ ફોર્મલ, પરંતુ વરુણકુમાર બરનવાલ જ્યારથી એમડી તરીકે નિયુક્ત થયા છે ત્યારથી તેઓ પણ વીજકંપનીના કર્મચારીઓ જે યુનિફોર્મ પહેરે છે તેવો જ યુનિફોર્મ પહેરીને પોતે એમડીની ઓફિસમાં બેસીને કામ કરે છે. વીજકર્મીઓ પણ કહે છે કે યુનિફોર્મ પહેરેલા એમડી પહેલી વખત જોવા મળ્યા.‘પિતાના મૃત્યુ પછી ઘર ચલાવવા મેં સાઇકલ રિપેરિંગ-પંક્ચરનું કામ શરૂ કર્યું, મિત્રો-ડોક્ટરે આર્થિક મદદ કરી અને IAS બન્યો’, વાંચો રડાવી દેતી રિયલ કહાની

error: Content is protected !!