એકના એક દીકરાએ જીવન ટૂંકાવી લીધું, મોબાઈલમાં ખૂલ્યું આત્મહત્યાનું રાઝ, વાંચીને આંચકો લાગશે

એકના એક દીકરાએ જીવન ટૂંકાવી લીધું, મોબાઈલમાં ખૂલ્યું આત્મહત્યાનું રાઝ, વાંચીને આંચકો લાગશે

એક અરેરાટીભર્યો અને આંચકાજનક બનાવ રાજકોટમાં સામે આવ્યો છે. પિતાએ વેચેલી જમીનના 60 લાખથી વધુ નાણા શેરબજારમાં હારી જતાં પુત્રએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. પુત્રના લગ્ન માટે પિતાએ જમીન વેચી ઘરમાં નાણા રાખ્યા હતાં જે પુત્ર શેરબજારમાં હારી ગયા બાદ તેણે આ પગલું ભરી લેતાં એકનો એક પુત્ર ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે બ્રહ્માણી પાર્ક શેરી નં.1માં રહેતા રોહિત ગોરધનભાઈ રૈયાણી (ઉ.વ.25) નામના પટેલ યુવાને ગઈકાલે રાત્રે પોતાના ઘરે ઉપરના રૂમમાં બારીની એંગલમાં ચાદર બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવારજનો જમવા માટે પુત્રને બોલાવવા ગયા ત્યારે રોહિતને લટકતો નિહાળી હતપ્રભ થઈ ગયા હતા. 108ના ઈએમટી બળદેવભાએ મરણ જાહેર કરી પોલીસને જાણ કરી હતી.

પોલીસને જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્‍સ. હિતેષભાઇ જોગડા સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ મૃતક રોહીત શેરબજારનું કામકાજ કરતો હતો. પિતાએ તેના લગ્ન માટે પોતાના ગામમાં આવેલી જમીન વેંચી હતી. તેના રૂા.80 લાખ આવ્‍યા હતા. તેમાંથી પિતા ગોરધનભાઇએ લોન ચુકતે કર્યા બાદ રૂા.67 લાખ ઘરમાં રાખ્‍યા હતા.

પિતા થોડા દિવસો પહેલા ગુંદા ગામે ગયા હતા. ત્‍યારે રોહીતે 67 લાખ શેરીબજારમાં રોકયા હતા. પિતા અઠવાડીયા પછી ઘરે આવતા પૈસા જોવા ન મળતા પુત્રને પુછતા તેણે કહ્યુ હતુ કે ‘શેરબજારમાં રોકાણ કર્યું છે.’ તેમ જણાવ્‍યુ હતું. બાદ તે થોડા સમયથી ટેન્‍શનમાં રહેતો હતો.

બાદ પોલીસે રોહીતનો મોબાઇલ ચેક કરતા તેમાં ફોન કોલ, વ્‍હોટસએપ ચેટીંગમાં શેરબજારને લગતા મેસેજ જોવા મળ્‍યા હતા અને તેની પાસેથી ચાર જેટલી શેરબજારમાં રોકાણ કરેલી રકમનો હીસાબ જોવા મળ્‍યો હતો. જેમાં યુવાન શેરબજારમાં 67 લાખ ડૂબી ગયા હોવાનું ખુલ્‍યુ હતું.એકના એક પુત્રના આપઘાતથી રૈયાણી પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.