હસતો-ખેલતો પરિવાર પળ વારમાં સાફ થઈ ગયો, આખી બે પઢીઓ નોંધારી બની ગઈ

માતરના વારસંગ-બરોડા ગામના ઠાકોર પરીવાર ઈકો ગાડી લઈ બરવાળા જતા સમયે ધોળકા નજીક અકસ્માત થતા 5 લોકોના મોત થયા છે. 9:15એ પોતાના ઘરેથી નીકળેલો પરીવાર પોણા દસ વાગ્યાના અરસામાં ધોળકા ક્રોસ કરી ધોળકા-બગોદરા હાઈવે પર ચઢ્યો હતો. જ્યાં ધોળકાથી થોડેક જ દૂર તેમની ઈકો ગાડી આગળ જતા ડમ્પરમાં ધડાકાભેર અથડાઈ હતી અને આ ઘટનામાં એક જ પરિવારના પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 8 ગંભીર રીતે ઘવાતા ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે, જ્યારે એક સામાન્ય ઈજા થઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વારસંગ-બરોડા ગામે રહેતા બહાદુરભાઈ પોતાના અને ભાઈઓના પરિવાર સાથે બરવાળા મુકામે કુળદેવીના દર્શન કરવા માટે ઈકો ગાડી લઈને નીકળ્યા હતા. ઘટનામાં બહાદુરભાઈના નાનાભાઈ પ્રવિણભાઈ ઘાયલ થયા બાદ તેમને હોશ આવ્યો છે. તેમની સાથેની વાતચીતમાં જણાયુ કે, પરિવારના 14 સભ્યો ઈકો ગાડીમાં સવાર હતા અને ગાડી બહાદુરભાઈના દિકરા મહેન્દ્રભાઈ ચલાવતા હતા. પોણા દસ વાગ્યાના અરસામાં ધોળકા ક્રોસ કરી થોડે આગળ ધોળકા-બગોદરા હાઈવે પર તેઓ પોતાની લેનમાં મધ્યમ સ્પીડમાં હતા, જ્યાં આગળ બીજી લેનમાં જતા ડમ્પરે અચાનક સ્પીડ ઘટાડી ગાડીવાળી લેનમાં ડમ્પર લાવી દીધુ હતુ. જેના કારણે મહેન્દ્રભાઈએ ગાડી પરનો કાબુ ગુમાવ્યો હતો અને તેમની ઈકો ડમ્પરની પાછળ ઘુસી ગઈ હતી.

આ દરમિયાન ઈકોમાં આગળ સવાર 5 લોકોના સ્થળ પર જ મોત થયા હતા. મૃતકોમાં બહાદુરભાઈ લાખાભાઈ ઠાકોર તેમના પત્ની હંસાબેન, ગાડી હાંકનાર તેમનો પુત્ર મહેન્દ્ર અને તેની પત્ની છાયાબેન તેમજ ઈજાગ્રસ્ત પ્રવિણભાઈના પત્ની કૈલાશબેન ઠાકોરનું કમકમાટીભર્યુ મોત થયુ છે. બીજી તરફ પાછળ બેઠેલા પરિવારના અન્ય પાંચ લોકો અને ચાર બાળકોનો બચાવ થયો છે. પાંચેય ધોળકાની ખાનગી હોસ્પિટલમાં જ્યારે 4 બાળકો અમદાવાદ સિવિલમાં દાખલ છે. જ્યારે પ્રવિણભાઈને સામાન્ય ઈજા પહોંચી છે.

એક સાથે પાંચના અંતિમ સંસ્કારથી ગામ ગમગીન
માતરના વારસંગ-બરોડા ગામના ઠાકોર પરિવારના ત્રણ પુરુષ અને બે મહિલા સભ્યોના મૃત્યુના સમાચારથી ગામ શોકાતુર બન્યુ હતુ. એક સાથે આજે પાંચના અંતિમ સંસ્કાર માટે અર્થી ઉઠતા આખુ ગામ હેબકે ચઢ્યુ હતુ અને અંતિમ સંસ્કાર બાદ ગમગીની છવાઈ ગઈ હતી.

બે પેઢીઓએ માતા-પિતાનો આશરો ગુમાવ્યો
આ અકસ્માતમાં રાકેશભાઈનો બચાવ થયો છે. જ્યારે તેમના પિતા બહાદુરભાઈ અને માતા હંસાબેનનું મૃત્યુ થયુ છે. બીજી તરફ બહાદુરભાઈના મોટા પુત્ર મહેન્દ્ર અને તેની પત્ની છાયાબેનનું મોત થયુ છે. જ્યારે મહેન્દ્રભાઈ અને છાયાબેનની દિકરી ગોપી અને દિકરા હિતેનનો બચાવ થયો છે. એટલે એક જ પરીવારની બે પેઢીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઉપરાંત કૈલાસબેનનું મોત થતા તેમના 13 વર્ષિય દિકરાના માથેથી માતૃત્વ છીનવાઈ ગયુ છે.એક જ ઘરમાંથી એક સાથે નીકળી પાંચ-પાંચ અર્થીઓ, કરુણ આક્રંદથી ધ્રુજી ઉઠ્યું આખું ગામ, જુઓ ભાવુક તસવીરો

error: Content is protected !!