સાત દીકરીઓએ પિતાની અર્થીને કાંધ આપી, રડતી આંખે વ્હાલા પિતાના કર્યા અંતિમ સંસ્કાર
એક ખૂબ જ ભાવુક બનાવ સામે આવ્યો છે, જેમા દીકરીઓએ દિકરાની ખોટ પૂરી કરી છે. આ બનાવ રાજકોટ બન્યો હતો, શહેરના ગાંધીગ્રામમાં રહેતા અમૃતલાલ ભગવાનજી તેરૈયા (ઉં.વ.75)નું આજે અવસાન થયું હતું. તેમને દીકરો ન હોવાથી દીકરીઓએ કાંઘ આપી દીકરાની ફરજ નિભાવી હતી. તેમજ દીકરીઓએ જ સ્મશાન જઈ પિતાની અંતિમવિધી કરી હતી.
માતાનું અવસાન થતા દીકરીઓ પિતાની સારસંભાળ રાખતી
રાજકોટના ગાંધીગ્રામમાં રહેતા અમૃતલાલ ભગવાનજી તેરૈયાને સંતાનમાં સાત પુત્રી છે. આજે અમૃતલાલનું અવસાન થતા દીકરાની જગ્યાએ દીકરીઓએ કાંધ આપી હતી. તેમજ સ્મશાનમાં પણ દીકરીઓએ જઈ પિતાની અતિમવિધિ કરી હતી. સાતેય દીકરીઓ સતત તેમના પિતાનું ધ્યાન રાખતી હતી. અમૃતલાલની પત્નીનું ઘણા વર્ષો પહેલા અવસાન થયું હતું.
સાતેય દીકરીઓ હાલ સાસરે છે
આથી દીકરીઓ પિતાની સારસંભાળ રાખતી હતી. દિકરીઓએ તેમના પિતાને ક્યારેય દીકરાની ખોટ પડવા દીઘી નહોતી. સાત દીકરીઓમાં ક્રિષ્નાબેન, રીટાબેન, રેખાબેન, હેતલબેન, અર્ચનાબેન, ભાવનાબેન અને સેજલબેનનો સમાવેશ થાય છે. આજે પિતાના અવસાનથી સાતેય દીકરીઓએ કાંધ આપી દીકરા તરીકેની ફરજ નીભાવી હતી. આ દૃશ્યો જોઈ ભલભલાની આંખોમાંથી આંસુ વહી ગયા હતા. સાતેય દીકરીઓ હાલ સાસરે છે.દીકરાની ખોટ દીકરીઓએ પૂરી કરી, સાતેય દીકરીઓએ ભારે હૈયે પિતાના કર્યા અંતિમ સંસ્કાર, દૃશ્યો જોઈ ભલભલાની આંખો રડી પડી