દુઃખદ ઘટનાઃ જે નર્સે 5 હજારથી વધુ મહિલાઓની ડિલિવરી કરાવી, તેનો સમય આવ્યો તો મળ્યું મોત
38 વર્ષની એક નર્સે પોતાના કેરિયારમાં 5 હજારથી વધુ સફળ ડિલિવરી કરાવી હતી પરંતુ જ્યારે પોતાની ડિલિવરીનો સમય આવ્યો તો તેને આ દુનિયાને અલવિદા કહી દીધું. આ દુઃખદ ઘટના મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાની છે. જ્યોતિ ગવલી નામની આ નર્સે 2 નવેમ્બરે હિંગોલીની સિવિલ હોસ્પિટલમાં પોતાના બીજા બાળકને જન્મ આપ્યો. ડિલિવરી પછી તેને કેટલાંક કોમ્પ્લિકેશન્સ ઊભા થયા. એ બાદ તેને નિમોનિયા થઈ ગયો.
આ કારણે તેને હિંગોલીની સિવિલ હોસ્પિટલમાંથી નાંદેડની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.ત્યાં જઈને પણ તેની તબિયતમાં કોઈ જ સુધારો ન થયો અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી. જો કે ત્યાં પણ તેની સ્થિતિમાં કોઈ જ સુધારો ના થયો અને સતત બગડતી જતી તબિયત બાદ અંતે રવિવારે તે જિંદગી સા મેની લડાઈ હારી ગઈ.
ઘણી જ મળતાવડા સ્વભાવની હતી જ્યોતિ
જ્યોતિ હિંગોલી સિવિલ હોસ્પિટલના ‘ડિલીવરી કાર્ડ’માં તહેનાત હતી. તેના વિશે હોસ્પિટલનો સ્ટાફે જણાવ્યું કે જ્યોતિ ઘણી જ મહેનતી અને હસમુખ સ્વભાવની હતી. જ્યોતિ ગવલીએ 5 હજારથી વધુ મહિલાઓની ડિલીવરી કરાવી હતી. તેના મળતાવડા સ્વભાવને કારણે જ ડિલીવરી કરાવવા આવેલી મહિલાઓ હોસ્પિટલમાંથી રજા લીધા બાદ પણ કેટલીક તેને મળવા આવતી હતી.
હિંગોલીના હોસ્ટિપલમાં તેની સાથે કામ કરતી નર્સોએ જણાવ્યું કે તેમની હોસ્પિટલમાં દરરોજ લગભગ 15 કેસ આવે છે. જ્યોતિનું મોત થયું હોવાની માહિતી તેઓને મંગળવારે એક સ્વાસ્થ્ય અધિકારીએ આપી હતી.
બાળકના જન્મ બાદ મેટરનિટી લીવ પર જવાની હતી
હોસ્પિટલના જણાવ્યા મુજબ પ્રેગ્નેન્સીના છેલ્લા દિવસો સુધી જ્યોતિએ કામ કર્યું. તે બાળકના જન્મ પછી મેટરનિટી લીવ પર જવાની હતી. છેલ્લાં બે વર્ષથી તે હિંગોલીની હોસ્પિટલમાં કામ કરતી હતી. આ પહેલાં ત્રણ વર્ષ સુધી તેને સ્વાસ્થ્ય કેન્દ્રોમાં કામ કર્યું હતું.