દિકરાની અંતિમ યાત્રામાં જ માતા ઢળી પડી અને મોતને ભેટી; બંનેને આજુબાજુમાં અગ્નિદાહ……

વાપી : ટાંકીફળિયામાં રહેતા યુવકનું લાંબા સમયની માંદગી બાદ મોત થતા તેની અંતિમ યાત્રા નીકળી હતી. જોકે આ યાત્રામાં નીકળેલી તેની માતાને અચાનક ચક્કર આવી જતા તે નીચે પડી ગઇ હતી. જેને હોસ્પિટલમાં લઇ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો. માતા-પુત્રને નામધા ખાતે સ્મશાનમાં આજુબાજુમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

વાપી ટાંકીફળિયા સ્થિત ભીખી માતા મંદિરની બાજુમાં રહેતા સુભાષભાઇ છનીયાભાઇ હળપતિ ઉ.વ.50 ડ્રાઇવિંગ કરી ઘર ગુજરાન ચલાવતા હતા. ઘણાં સમયથી બીમાર હોવાથી શુક્રવારે રાત્રે ઘરે જ તેમનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. શનિવારે સવારે સુભાષની અંતિમ યાત્રા ઘરેથી નીકળી હતી. ઘરથી 500 મીટર દૂર જ યાત્રામાં નીકળેલી માતા શાંતિબેન ઉ.વ.70 ને અચાનક ચક્કર આવતા તેઓ નીચે ઢળી પડ્યા હતા. જેથી તાત્કાલિક સારવાર માટે તેઓ ચલા સ્થિત પારેખ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબે તેઓને મૃત જાહેર કર્યો હતો.

માતા અને પુત્ર બંને એક પછી એક મોતને ભેંટતા ટાંકીફળિયા વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો. બંનેને નામધા ખાતે આવેલ સ્મશાન ગૃહમાં આજુબાજુમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલા જ મૃતક સુભાષના નાના ભાઇનું પણ મોત થયું હતું.વાપીમાં દીકરાની અંતિમ યાત્રામાં જ માતા ઢળી પડી અને મોતને ભેટી; બંનેને આજુબાજુમાં અગ્નિદાહ કર્યા

error: Content is protected !!