નાગપુરથી દોઢ વર્ષની બાળકીનુ અપહરણ કરી શખ્સ સોમનાથ લાવ્યો હતો, પોતાને પિતા ગણાવી પોલીસને પણ ચકરાવે ચડાવી

સોમનાથ : સમુદ્ર કિનારેથી બે દિવસ પહેલા દોઢ વર્ષની બાળકીને માર મારી રહેલા મહારાષ્ટ્રના શંકાસ્પદ શખ્સ મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં પરપ્રાંતીય શખ્સે ભિક્ષાવૃત્તિ માટે માસુમ બાળકીનું ગત 22 ઓક્ટોબરના રોજ નાગપુર રેલવે સ્ટેશન નજીકથી અપહરણ કર્યુ હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે. આ માસુમ બાળકી ગુમ થવાના મામલે નાગપુર પોલીસ સ્ટેશનમાં બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળતા પોલીસ દ્વારા બાળકીના માતા પિતાને જાણ કરી અત્રે બોલાવવામાં આવ્યા છે. હાલ માસુમ બાળકીનું પ્રભાસ પાટણ પોલીસ સ્ટાફ દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

પોલીસે શખ્સના સકંજામાંથી બાળકીને છોડાવી
બે દિવસ પૂર્વે તા.13 નવેમ્બરની સાંજે સોમનાથ ચોપાટી પર એક શખ્સ શંકાસ્પદ હાલતમાં દોઢ વર્ષની માસુમ બાળકીને માર મારતો હોવાની પોલીસને જાણ થતા પીઆઈ એન. એમ. આહીર ડીસ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઇ માસુમ બાળકી અને તેને મારનાર શખ્સને પોલીસ મથકે લાવવામાં આવ્યાં હતાં.

શખ્સ બાળકીનો પિતા હોવાનો દાવો કરતો હતો
શખ્સે બાળકીને બેરહેમીથી માર મારેલો હોવાથી ઇજાઓ પહોંચી હતીં. જેથી માસુમની પોલીસે સારવાર કરાવી હતી. બાદમાં તપાસ કરતાં શખ્સ મહારાષ્ટ્રના અમરાવતીમાં રહેતો સુરજ પ્રકાશરાવ ખીરડકર હોવાનું જાણવા મળ્યુ હતું. આ શખ્સ બાળકી પોતાની હોવાનો પોલીસ સમક્ષ દાવો કરી રહ્યો હતો. જોકે, તેના લગ્ન ન થયાનું હોવાનું પોલીસને જાણવા મળતા એક તબક્કે પોલીસ સ્ટાફ ચકરાવે ચડ્યો હતો.

બાળકીનું નાગપુરથી અપહરણ થયાનું સામે આવ્યું
પોલીસને તેની પાસેથી રેલવેની ટિકિટો મળી આવી હતી. જેથી પોલીસે ગુજરાત -મહારાષ્ટ્રનાં પોલીસ સ્ટેશનમાં જાણ કરી સોશિયલ મીડિયામાં મૂકતા આ બાળકી મૂળ અલ્હાબાદ રહેતા અને હાલ ડીલેવરી માટે નાગપુર આવેલા દીપા પ્રેમ ભારથીની પુત્રી હોવાનું અને તે ગુમ થયાની ફરિયાદ નાગપુર પોલીસમાં ગત તા.22 નાં રોજ નોંધાણી થઈ હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી સોમનાથ પોલીસે નાગપુર પોલીસ સાથે સંપર્ક કરી બાળકીની ઓળખ કરી હતી. બાળકી મળી હોવા અંગે તેના માતા-પિતાને જાણ કરવામાં આવતા માસુમ બાળકીનો કબ્જો લેવા માટે તેના પરિવારજનો સોમનાથ આવવા નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે

માસુમ બાળકીના માતા-પિતાની વિગતો જાહેર થતા પોલીસે અટકાયત કરેલા અમરાપુરના શખ્સ સુરજ પ્રકાશરાવની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ભિક્ષાવૃત્તિ કરાવવા માટે માસુમ બાળકીનું નાગપુર રેલવે સ્ટેશન નજીકથી તા.22ના રોજ અપહરણ કર્યાનું આરોપીએ પોલીસને જણાવ્યું હતું. આ અંગેની માહિતી પીઆઈ એન.એમ.આહીરે જણાવી છે.

error: Content is protected !!