અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવતીને પોલીસકર્મીએ ઊંચકીને ઈમર્જન્સી વોર્ડમાં પહોંચાડી, પોલીસકર્મીને સો સો સલામ
વડોદરા શહેર પોલીસના જવાનો પૂર હોય કે અન્ય કોઈ આફત હોય હંમેશા ખડેપગે પ્રજાની સેવા અને સુરક્ષામાં તત્પર હોય છે. જેનું એક ઉદાહરણ વડોદરા શહેરના જેલ રોડ પર જોવા મળ્યું હતું. જ્યાં અકસ્માતગ્રસ્ત યુવતીને એમ્બ્યુલન્સની રાહ જોયા વિના PCR વાનમાં બેસાડી અને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડવામાં આવી હતી. આ ઘટના રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ધ્યાનમાં આવતા ટ્વીટ કરીને સરાહનીય કામગીરી કરનાર ASI સુરેશ હિંગલાજીયાની કામગીરીને બિરદાવી હતી અને કહ્યું હતું કે, ‘પોલીસ ફોર્સને સો સલામ પણ ઓછી પડે’
પોતાની ફરજ દરમિયાન સાથે કફન લઈને ફરતા પોલીસ જવાનની કહાની તો શહેરીજનો જાણે છે. ASI સુરેશભાઈ હિંગલાજીયા અગાઉ મકરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા જ્યાં તેઓ હાઇવે પેટ્રોલિંગમાં ફરજ બજાવતા સમય જ્યારે કોઈ રાહદારીનું ફેટલ સર્જાય અને મૃત્યુ પામે ત્યારે રસ્તા પર ખુલ્લા પડેલા મૃતદેહને ઢાંકવા માટે કોઈ કાપડ પણ સાથે હોતું નહતું. જેથી ASI સુરેશભાઈ ત્યારથી જ પોતાની ફરજ દરમિયાન એક કફન સાથે લઈને ફરે છે. જેઓની આ માનવસેવા અગાઉ પણ પોલીસ વિભાગે બિરદાવી છે.
અકસ્માતમાં યુવતી ઇજાગ્રસ્ત
ગત રોજ ફરી વડોદરા શહેરના પોલીસ જવાન સુરેશભાઈ હિંગલાજીયાએ માનવતા મહેકાવી છે. સુરેશભાઈ હિંગલાજીયા રાવપુરા SHE ટીમની PCRમાં ફરજ બજાવતા હતા, ત્યારે જેલ રોડ પર વરસાદ બાદ અચાનક વાહનો સ્લીપ થવાની ઘટનાની હારમાળા સર્જાઈ હતી. અનેક વાહનચાલકો રસ્તા પર પડી જતા ઇજા પહોંચી હતી. જેથી 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોકે, એમ્બ્યુલન્સ આવે તે પહેલાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક યુવતીને ASI સુરેશભાઈ PCRમાં બેસાડીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
યુવતીને ઊંચકીને ઇમરજન્સી વોર્ડ સુધી લઇ ગયા
જ્યાં હોસ્પિટલ પર પહોંચ્યા બાદ સ્ટ્રેચરની રાહ જોયા વિના જ તેને ઊંચકીને ઇમરજન્સી વોર્ડ સુધી લઇ ગયા હતા. સમગ્ર ઘટનામાં અકસ્માતગ્રસ્ત યુવતીને ત્વરિત સારવાર મળી હતી. આ ઘટનાનો વીડિયો વાઇરલ થતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ જવાનની કામગીરીને બિરદાવી સો-સો સલામ પાઠવીને બિરદાવ્યા હતા.માનવસેવાનું ઉત્તમ ઉદાહરણઃ ભાગ્યે જ જોવા મળતો નજારો વડોદરામાં જોવા મળ્યો, સરાહનીય કામગીરી બદલ કેટલી લાઈક મળશે આ પોલીસકર્મીને