ત્રણ-ત્રણ વર્ષ પાકિસ્તાની જેલમાં રહ્યા બાદ ગીર સોમનાથના માછીમારો માદરે વતન પરત ફર્યા, પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા

ગીર સોમનાથ : પાકિસ્તાન દ્વારા પોતાની જેલમાં બંધ 20 ભારતીય માછીમારોને મુક્ત કરાતા તમામ માછીમારો વાઘા બોર્ડરથી ભારત પરત ફર્યા હતા. જેઓ આજે માદરે વતન વેરાવળ આવી પહોંચ્યા હતા. બે-ત્રણ વર્ષ સુધી પરિવારથી દૂર રહેલા માછીમારોને જોતા જ તેના પરિવારજનો તેઓનો ભેંટી પડ્યા હતા અને ચોધાર આંસુએ રડી પડ્યા હતા. માછીમારોએ લાંબો સમય જેલમાં રહ્યા બાદ માદરે વતન પરત ફર્યાનો આનંદ વ્યકત કર્યો હતો. તો સાથે પાકિસ્તાની જેલમાં બંધ પોતાના સાથીઓને વહેલીતકે મુક્ત કરાવવાની માગ પણ કરી હતી.

20 માછીમારો વેરાવળ પરત ફર્યા
પાકિસ્તાની જેલમાં બંધ ભારતીય માછીમારો પૈકીના 20 માછીમારોને પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામા આવ્યા હતા. આ તમામ માછીમારોની વાઘા-અટારી બોર્ડર પર ભારતને સોંપણી કરવામા આવી હતી. ભારત પરત ફર્યા બાદ ફિશરિઝ વિભાગના માધ્યમથી આ તમામ માછીમારો આજે માદરે વતન વેરાવળ પરત પહોંચ્યા હતા. જે 20 માછીમારો પરત ફર્યા છે તેમાં 19 ગીર સોમનાથના અને 1 પોરબંદરનો રહેવાસી છે. નવાબંદરનો એક માછીમાર ચાર વર્ષથી પાકિસ્તાની જેલમાં બંધ હતો. જ્યારે બાકીના માછીમાર બે થી ચાર વર્ષ સુધી પાકિસ્તાની જેલમાં બંધ હતા.

માછીમાર અને તેના પરિવારજનોની આંખોમાંથી અશ્રુનો દરિયો વહ્યો
પાકિસ્તાની મરીન દ્વારા ગીર સોમનાથના માછીમારોનું અપહરણ કરાયા બાદ કોઈ બે વર્ષથી તો કોઈ ત્રણ વર્ષથી પાકિસ્તાની જેલમાં બંધ હતું. તમામના પરિવારજનો પોતાના પરિજન પાકિસ્તાનની જેલમાંથી પરત આવે તેની રાહ જોઈ રહ્યા હતા. આજે 20 માછીમારો વેરાવળ પરત ફરતા જ તેના પરિવારજનો પોતાના સ્વજનને ભેંટી ચોધાર આંસુએ રડી પડ્યા હતા. જેના કારણે સ્થળ પર લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અને સૌકોઈની આંખો ભીની થઈ હતી.

વતન પરત ફર્યાનો આનંદ, સાથીદારો જેલમાં બંધ હોવાનું દુઃખ
ગીર સોમનાથના 19 અને પોરબંદર જિલ્લાનો 1 માછીમાર પાકિસ્તાની જેલમાં યાતના ભોગવી માદરે વતન પરત ફરતા તેમના અને તેમના પરિવારજનોમાં આનંદ જોવા મળતો હતો. પરંતુ, જે માછીમારો પરત ફર્યા છે તેઓને દુઃખ એ વાતનું છે કે, હજી પણ તેના 580 જેટલા સાથીઓ પાકિસ્તાની જેલમાં સબડી રહ્યા છે. તેઓને વહેલીતકે મુક્ત કરાવી પરત લાવવાની માગ કરી હતી.

પાકિસ્તાની જેલમાં અનેકની માછીમારોની હાલત નાજુક- રવિ વાઢેર
પાકિસ્તાન જેલમાં મુક્ત થયા બાદ વેરાવળ પરત ફરેલા યુવા માછીમાર રવી ગોવિંદ વાઢેરના કહેવા મુજબ હજુ પણ 580 માછીમારો પાકિસ્તાની જેલમાં યાતના ભોગવી રહ્યા છે. જે પૈકીના ઘણાંની હાલત નાજુક છે. જે તમામ માછીમારોનો પણ વહેલીતકે છુટકારો થાય તે માટે સરકારે પ્રયાસો કરવા જોઈએ.

error: Content is protected !!