દેહવ્યાપાર માટે બદનામ વાડિયામાં સોનાનો સૂરજ ઊગ્યો, ગામની પહેલી દીકરી રવિનાએ ધો-12 પાસ કર્યું, કહ્યું- મોદી સર …..

થરાદ : વિકાસના રોલ મોડલ ગણાતા ગુજરાતનું એક કડવું સત્ય છે બનાસકાંઠાનું વાડિયા ગામ. આ વાડિયા એટલે એ ગામ જ્યાં દીકરીઓને ખુદ પરિવાર દેહવ્યાપારમાં ધકેલે છે. અહીં આખું ગામ દેહવ્યાપાર કરે છે. મહિલાઓ પાસે જીસ્મનો ધંધો કરાવવાની વર્ષોથી ચાલી આવતી કુપ્રથા અહીંયા હજી પણ ચાલુ છે. લોહીના વેપાર માટે બદનામ વાડિયા ગામમાં હવે સોનાનો સૂરજ ઉગ્યો છે. આઝાદીનાં આટલાં વર્ષો બાદ વાડિયાની પહેલી દીકરીએ 12મું ધોરણ પાસ કર્યું છે. રવિના નામની છોકરીએ ધોરણ-12માં 60 ટકા મેળવી ગામને માથે લાગેલી કાળી ટિલ્લી ભૂસવાની શરૂઆત કરી છે.

થરાદ તાલુકાના વાડિયા ગામનું નામ પડે એટલે ઘણા લોકોનું નાકનું ટેરવું ચડી જાય છે. કહેવાતા સનિષ્ઠો જે ગામનું નામ લેતા ડરે છે ત્યાં એક સેવાભાવી શારદાબેને ગામને દુષણમાંથી મુક્ત કરાવવાનું બીડું ઝડપ્યું છે. શારદાબેને વર્ષો પહેલાં વાડિયાની નિરાધાર દીકરી રવીનાને આશરો આપી ભણાવી- ગણાવીને મોટી કરી હતી. દીકરી રવિનાએ પણ આજે 60 ટકા સાથે ધોરણ-12 પાસ કરી સાબિત કર્યું છે કે કાળી અંધારી રાતમાં ખંત અને પુરુષાર્થથી બધું બદલાઇ શકે છે.

રવિનાની માતાએ મરતાં પહેલાં શારદાબેનને કહ્યું- મારી દીકરી તમને સોંપું છું આ અંગે સામાજિક કાર્યકર શારદાબેન સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું, ‘રવિના પહેલા ધોરણથી મારે ત્યાં જ ભણતી હતી. તેની મમ્મી બીમાર રહેતી હતી. તેમને કેન્સર તથા કિડનીની બીમારી હતી. રવીના સાત ધોરણ સુધી મારે ત્યાં જ ભણી. ત્યારે એના મમ્મી ખૂબ સિરિયસ હતા. એમણે મને એમ કહ્યું હતું કે મારી દીકરી તમને સોંપું છું. તમે રાખજો. તમે એને ભણાવજો. બાદમાં એની મમ્મી મૃત્યુ પામી. ગામની બીજી દીકરીઓની જેમ માસૂમ રવીના પણ ભટકી જવાની જ હતી પણ મેં તેની આંગળી પકડી લીધી.

રવીના ત્યારથી મને જ મમ્મી કહે છે. પાલનપુર રહેતા રવીનાના માસીએ તેને પોતાની સાથે લઈ જવાનું કહ્યું. એટલે મે કહ્યું તેને લઈ જાવ તેમાં વાંધો નથી, પરંતુ એને ભણાવવાની છે. ત્યારબાદ રવીનાને પાલનપુરમાં એડમિશન અપાવ્યું. તેને દર મહિને રાશન કીટ, કપડાં, સ્ટેશનરી તથા અન્ય ખર્ચો પણ આપતા હતા. એ બારમાં ધોરણ સુધી ભણી અને હવે થરાદમાં જ કોલેજ કરવાની ઈચ્છા છે. રવીનાને IPS બનવું છે. બીજી દીકરીઓને પણ કહેવું છે કે આપણે લોકો પણ કંઈક બની શકીએ છીએ. ગામમાં પણ એક મેસેજ જાય કે ધંધો કરતાં રૂપિયા મળે તો એ નોકરી કરતાં પણ મળે જ છે તો પછી નોકરી કેમ ન કરીએ?’

મીડિયામાં આવ્યા પછીની અસમંજસ: મોદી સર વાંચશે કે નહીં?
આ સમાચાર મીડિયા આવતાં રવીનાને થોડું દુ:ખ થયું અને શારદાબેનને આ અંગે ફરિયાદ કરી હતી તો તેમણે સમજાવતાં કહ્યું હતું, ‘બેટા, મીડિયામાં આવ્યું તો બધાને ખબર પડી કે આવાં ગામમાં આવી દીકરી પણ ભણે છે.’ શારદાબેનની પુત્રી માનસી પણ મહિલા ઉત્થાન માટે કાર્ય કરી રહી છે. માનસીએ કહ્યું હતું, ‘રવીનાનું રિઝલ્ટ આવ્યા પછી કલેક્ટર અને મોટા નેતાઓ ઘરે મળવા આવ્યા હતા અને ગિફ્ટ આપી હતી. રવીનાનો પ્રશ્ન હતો કે મોદી સર, મારા વિશે વાંચશે કે નહીં વાંચે? એટલે મેં સમજાવી કે વાંચશે.

અમારા ત્યાંના કલેકટરે મને ફોન કરીને કહ્યું કે મારે દીકરીને તમારા ઘરે મળવા આવવું છે. અમારા બધા માટે આ મોટી વાત છે. એ પહેલા મૂંઝવણમાં હતી. પછી અમારા ત્યાં બીજા બાળકો પણ ભણે છે. એમની મતાઓને બતાવીને મેં તેને કહ્યું આ લોકોને કલેક્ટર મળવા આવ્યા? તને જ કેમ મળવા આવ્યા? તારો રસ્તો અને એમનો રસ્તો જુદો છે.’

મને જન્મ આપ્યો બીજી માએ અને ઉછેરી છે બીજી માએ: રવિના
દિવ્ય ભાસ્કરે જ્યારે રવિના સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે એ બીજા બાળકોને ભણાવવામાં વ્યસ્ત હતી. થોડીવાર પછી જ્યારે તેની સાથે વાત થઈ ત્યારે તેણે કહ્યું હતું, ‘IPS બનીને શારદાબેનનું નામ રોશન કરવું છે, કારણ કે 20-25 વર્ષથી એ વાડિયામાં કામ કરે છે. એનું કોઈ ફળ મળ્યું નથી. એ ફળ હું જ આપીશ. મારી વાત કૃષ્ણ ભગવાનને મળતી આવે છે, કારણ કે મને જન્મ આપ્યો બીજી માએ અને ઉછેરી છે બીજી માએ.’

શારદાબેનની વિડંબણા: બાળકોને નર્કમાથી કાઢવા દાતાઓની જરૂર
અત્યારે શારદાબેન પાસે કુલ 20 દીકરીઓ અને 10 દીકરા છે. થરાદમાં તમામ દીકરીઓ શારદાબેનના ઘરે જ રહે છે અને આસપાસમાં આવેલી ત્રણ સ્કૂલોમાં ભણવા જાય છે. રવીનાનું રિઝલ્ટ જોઇને વાડિયા ગામના અન્ય લોકોએ કહ્યું પણ પોતાની દીકરીઓને ભણાવવાની વાત કહી છે. શારાદાબેને આ અંગે કહ્યું હતું, તે તમામે મને તેમની દીકરીની જવાબદારી સોંપી છે. મેં હજી કાલે જ બે ત્રણ જણને ના પાડી, કારણ કે મારૂં ઘર નાનું છે. બીજું એ કે મને આટલો બધો ખર્ચ પોસાતો નથી. મને એક-બે દાતાઓ હેલ્પ કરે છે. હું પોતે ખેડૂત છું. એટલે ઘરેથી અનાજ વગેરે આવે એમાં પૂરું કરીએ છીએ. મારી પાસે વધારે મોટી ગ્રાન્ટ કે ડોનેશન નથી આવી. હવે એવું થાય છે કે ત્રીસ બાળકો થયાં છે. સરકાર અમને કંઈક મદદ કરે તો એમનું ભવિષ્ય ઉજ્ળું થાય.’

error: Content is protected !!