મગરાવાના શહીદ જવાનની અંતિમ યાત્રામાં માનવ મહેરામણ ઊમટ્યું; ગાર્ડ ઓફ ઓનર સાથે જવાનનો દેહ પંચમહાભૂતમાં વિલીન
પાલનપુર;મગરાવા ગામના વતની એવા વીર જવાન ભલાભાઇ નારણાભાઇ ચૌધરી દેશની સુરક્ષા માટે શહીદ થતાં સમગ્ર બનાસકાંઠા પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. જ્યારે રવિવારે શહીદ જવાનને દેશભક્તિ અને ગાર્ડ ઓફ ઓર્નર સાથે પોતાના માદરે વતન લાવી અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાં ભારતીય આર્મીમાં ફરજ બજાવતા ભલાભાઇ ચૌધરી શહીદ થયા છે. રવિવારે વહેલી સવારથી જ હજારો લોકો રાજસ્થાન બોર્ડરના નેનાવા ગામેથી મગરાવા સુધી મુખ્ય હાઇવે ઉપર જોવા મળ્યા હતા અને આર્મી જવાનનો મૃતદેહ બીકાનેર આર્મી હોસ્પીટલથી સીધો તેઓના વતન ધાનેરાના મગરાવા ગામે લવાતાં વાતાવરણ રોકકળથી દ્રવી ઊઠ્યું હતું. આ આર્મી જવાનની અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં.
લગભગ 2 કીમી જેટલી લાંબી લાઈનો લાગી હતી. આર્મી જવાન ભલાભાઇને પોતાના વતનમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. જેમાં મગરાવા ગામે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને સમાજના આગેવાનો, અન્ય સમાજના લોકો અને પરિવારજનો સહિત સમસ્ત ગ્રામજનો મોટીસંખ્યામાં જોડાયા હતા.
અંતિમ સંસ્કાર સમયે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઇ ચૌધરી,બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલ, જાલોર સાંસદ દેવજીભાઇ ચૌધરી, ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલ, અખિલ ભારતિય આંજણા મહાસભાના પ્રમુખ વિરજીભાઇ જુડાલ, પૂર્વ મંત્રી હરજીવનભાઇ પટેલ, કેશરભાઇ ચૌધરી,બનાસબેંકના ચેરમેન એમ. એલ.ચૌધરી, માવજીભાઇ દેસાઇ, ભુરાભાઇ પટેલ સહીત ધાનેરા તાલુકાના તમામ આગેવાનો સહીત તમામ સમાજના આગેવાનોએ પણ પાર્થિવદેહને પુષ્પાંજલી અર્પણ કરી હતી.
સેવાભાવી લોકોએ આવનાર તમામ લોકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે ઠેર ઠેર પાણીના ટેન્કરો અને પાણીની બોટલોની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ આર્મી જવાનની અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં.