વડોદરા માં પિતાએ જ 12 વર્ષની દીકરીને દેહવ્યાપારના ધંધામાં ધકેલી,આવી રીતે ભાંડો ફૂટ્યો

વડોદરા:વાઘોડિયા રોડ પર આવેલા સનરાઇઝ કોમ્પલેક્ષમાં ચાલતા કુટણખાના પર ગુરૂવારે મોડી સાંજે પીસીબીની ટીમે રેડ પાડી હતી. જેમાં 3 ગ્રાહક અને 7 મહિલાઓ પૈકીની સગીર બાળા મળી આવી હતી. જેથી પોલીસે કિશોરીની પૂછપરછ કરતા તેની ઉમર માત્ર 12 વર્ષની હોવાનું સામે આવ્યું હતું અને પિતાએ જ 12 વર્ષની દીકરીને દેહવ્યાપારના ધંધામાં ધકેલી હોવાનું બહાર આવ્યું છે અને વોટ્સએપ મેસેજ કરીને પિતા કમાણીના રૂપિયા દીકરી પાસે માગતો હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે. પોલીસે મામલાની ગંભીરતાને જોતા કિશોરીના પિતા સામે ગુનો નોંધીને તેની પણ ધરપકડ કરી હતી.

7 મહિલા પૈકી એક 12 વર્ષની કિશોરી હતી
વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે આવેલા સનરાઇઝ કોમ્પલેક્ષમાં મોટાપાયે ચાલી રહેલા કુટણખાના પર પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં 7 મહિલા અને 3 ગ્રાહકોની અટકાયત કરવામાં આવી હતી. જોકે 7 મહિલા પૈકીની એક 12 વર્ષની કિશોરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ. જેથી પોલીસે કિશોરી દેહવ્યાપારના ધંધામાં કંઇ રીતે આવી તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

પિતાએ જ દીકરીને દેહવ્યાપારના ધંધમાં ધકેલી
પીસીબીના પીઆઇ જે.જે પટેલે જણાવ્યું હતુ કે, અમારી ટીમે ગુરૂવારે સાંજે સનરાઇઝ કોમ્પલેક્ષમાં ચાલી રહેલા કુટણખાના પર રેડ પાડી હતી. જેમાં 7 મહિલાઓ પૈકીની એક સગીર બાળા પણ આ દેહવ્યાપારના ધંધામાં ધકેલાઇ હોવાનુ સામે આવ્યું હતુ. સગીર બાળાને તેના પિતાએ જ દેહવ્યાપારના ધંધમાં ધકેલી હોવાની વિગતો જાણવા મળી હતી. અગાઉ તેના પિતાએ 1 મહિના જેટલો સમય ભરૂચ રોકાવી દેહવ્યાપારના ધંધમાં ધકેલી હતી. ત્યારબાદ થોડા દિવસો પહેલા પાયલ સોનીના સંપર્કમાં આવતા 2થી 3 દિવસ પહેલા જ તેને સોંપી દેહવ્યાપાર માટે તેને વડોદરા મોકલી હતી.

વોટ્સએપ ચેટમાં ઘટસ્ફોટ થયો
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન વોટ્સએપ ચેટ દ્વારા ખાતરી કરાઇ હતી. જેમાં સગીર બાળાને વોટ્સએપ ચેટ મેસેજ કરી ધંધાની કમાણીના રૂપિયા તેનો પિતા માગતો હોવાના મેસેજ જોવા મળ્યાં હતા. સગીરા બાળાનો પિતા મૂળ મહુવાનો રહેવાસી છે. અગાઉ તે અમદાવાદ ખાતે મજૂરી કામ કરતો હતોય હાલમાં સુરત ખાતે કામ કરતો હોવાનુ જાણવા મળતા તેની વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે તથા સગીર બાળા દ્વારા થતી કમાણીની તમામ રકમ તેનો પિતા મેળવી લેતો અને વાપરી નાખતો હોવાનુ પણ સપાટી પર આવ્યું છે.

ગ્રાહકોને ઓનલાઇન આકર્ષવામાં આવતા હતા
કુટણખાનામાં જવા માટે ગ્રાહકોનું સિલેક્શન ઓનલાઇન કરાવવામાં આવતું હતું. PCBએ યુવતીઓ ક્યાંથી લાવવામાં આવી છે, ક્યારથી કુટણખાનું ચાલતું હતું, કુટણખાનામાં ગ્રાહકોને કેવી રીતે ઓનલાઇન આકર્ષવામાં આવતા હતા. આ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. હાલ તમામને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે. વાઘોડિયા રોડ ઉપરથી કુટણખાનુ ઝડપાતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!