પૂરની વચ્ચે કપલે લગ્ન કર્યાં, વરરાજાએ નવી નવેલી દુલ્હનને ઊંચકીને કરાવ્યો ગહપ્રવેશ, જુઓ તસવીરો
સાંગલીઃ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સાંગલી શહેરમાં ભૂસ્ખલન-પૂરના કારણે અનેક લોકો ફસાઈ ગયા છે. પરંતુ અહીં રહેતા રોહિત અને સોનાલીએ પૂરના કારણે લગ્ન બંધ ના રાખ્યા. ત્રણ-ચાર દિવસ પહેલા સાંગલી શહેર પૂરથી અસરગ્રસ્ત હતું. આવી સ્થિતિમાં જાન લઈને જવું અને દુલ્હનની વિદાઈ કરવી મુશ્કેલ હતી.
રોહિતની બિલ્ડિંગ ચારેય તરફ પાણી ભરાયેલું હતું. પરંતુ રોહિતે વિચારી લીધું હતું કે લગ્નની તારીખ આગળ નહીં વધારે. આવી સ્થિતિમાં તેની મદદ માટે સાંગલીનું બોટ ક્લબ સંકલ્પ ફાઉન્ડેશન આગળ આવ્યું. બોટથી જાન ગઈ અને દુલ્હનની વિદાઈ પણ બોટમાં કરવામાં આવી. વરરાજા નવી નવેલી દુલ્હનને ઊંચકીને ગૃહપ્રવેશ કરાવે છે.
તસવીર જોઈને એવું લાગી રહ્યું છે કે લગ્ન માટે કોઈ સ્પેશિયલ ફોટોશૂટ કરાવવામાં આવ્યું છે, પરંતુ એવું નથી. સાંગલી શહેરમાં પૂર આવ્યું છે અને પૂરના કારણે રોહિત અને સોનાલી તેમના લગ્ન મુલતવી રાખવા નહોતા માગતા. બોટથી જાન ગઈ અને બોટથી કન્યાની વિદાઈ પણ થઈ.
વરરાજા રોહિતે જણાવ્યું કે, તેણે લગ્ન માટે ઘરની પાસે જ એક વેડિંગ હોલ બુક કરાવ્યો હતો. પરંતુ પૂરના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. બાદમાં વેડિંગ હોલ કેન્સલ કરાવવો પડ્યો. લગ્નનું મુહુર્ત પણ થઈ ગયું હતું, ગમે તે સંજોગોમાં આ લગ્ન કરવા હતા તેથી અમે તારીખ ફરીથી લંબાવવા નહોતા માગતા. ખાસ મહેમાનોની હાજરીમાં સોનાલીના ઘરે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો.
રોહિત સૂર્યવંશી સાંગલીમાં એક સલૂન ચલાવે છે અને તેનું કહેવું છે કે ઉનાળામાં ધામધૂમથી લગ્નની યોજના બનાવી હતી. જેની બધી તૈયારીઓ થઈ ગઈ હતી. પરંતુ કોરોનાના કારણે તેને લગ્ન મુલતવી રાખવા પડ્યા. જ્યારે નવી તારીખ આવી તો તેને ટાળવા નહોતો માગતો તેથી આ રીતે લગ્ન કરવા પડ્યા.
મહારાષ્ટ્રમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 195 સુધી પહોંચી ગઈ છે. લોકો તેમના જીવનને ફરીથી પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુશ્કેલી એ છે કે, મોસમ વિભાગ દ્વારા 29 અને 30 જુલાઈએ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામા આવી છે. રાયગઢ, પુણે, સતારા, કોલ્હાપુર માટે ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.