આને કહેવાય ગુજરાતી ભેજું! સુરતની એક કંપનીએ Jioના નામે ઘઉંના લોટનું શરૂ કર્યું વેચાણ પણ…..
થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયામાં ઘણી તસવીરો વાયરલ થઈ હતી જેમાં જિયો કંપનીના નામે બજારમાં ઘઉંના લોટનું વેચાણ થઈ રહ્યું છે તેવો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ આ સમગ્ર ઘટની તપાસ કરતાં તેનો છેડો છેક સુરતમાં નીકળ્યો છે. પોલીસે રિલાયન્સ જિયો ટ્રેડમાર્કનો ઉપયોગ કરીને ઘઉંના લોટનું વેચાણ કરવા બદર ચાર લોકોની ધરપકડ કરી છે. આ ચારેય લોકોની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં અનેક ખુલાસો થયા છે.
જિયોના બ્રાન્ડનેમ અને લોગોનો ઉપયોગ કરી સુરતમાં આવેલા સચિન વિસ્તારમાં રાધાક્રિષ્ણ ટ્રેડિંગ કંપની સામે પોલીસ ફરિયાદ કરી હતી. આ ઘટના અંગે સુરત ઝોન-3ના ડેપ્યુટી પોલીસ કમિશનર વિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે, જિયોના ટ્રેડમાર્કનો ઉપયોગ કરી ઘઉંનો લોટ વેચવા માટે રામ ક્રિષ્ણ ટ્રેડલિન્ક નામની કંપની વિરુદ્ધ રિલાયન્સ જિયોએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે અમે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. હાલ અંગે તપાસ ચાલુ છે.
પોલીસ ફરિયાદ પ્રમાણે, રાધાક્રિષ્ણ ટ્રેડિંગ કંપનીએ રિલાયન્સ કંપનીના ટ્રેડમાર્ક એવા ‘Jio’નો લોગો અને ડિઝાઈનનો ઉપયોગ કરી ઘઉંનો લોટ ભરવાની પ્લાસ્ટિક બેગ પર આ લોગો તથા ડિઝાઈન છાપી બજારમાં ધૂમ વેચાણ કર્યું હતું. પરંતુ રિલાયન્સ જિયો બ્રાન્ડથી આવી કોઈ પ્રોડક્ટ વેચતું નથી. આ તમામ લોકોએ પોતાનો આર્થિક લાભ મેળવવા રિલાયન્સના ટ્રેડ માર્કનો ખોટી રીતનો ઉપયોગ કર્યો છે. આ માટે તમામ લોકો વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા તમામની વિરુદ્ધ ફરિયાદ કરવામાં હતી.
પોલીસ સમક્ષ નોંધવવામાં આવેલી ફરિયાદ બાદ 8 જાન્યુઆરીએ એક ચેનલ પર જોવા મળેલી જાહેરાતમાં હેડલાઈન હતી કે, ‘જીયો ડેટા કે બાદ જીયો આટા’. આ જાહેરાત મામલે તપાસ કરવામાં આવતાં સુરતની રાધાકૃષ્ણ ટ્રેડિંગ કંપની Jio સ્ટિકર લગાવેલા થેલામાં પોતાની કંપનીનો લોટ ભરીને વેચતી હતી. રિલાયન્સ કંપની અગાઉ સ્પષ્ટ કરી ચૂકી છે કે, તેનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સાથે કોઈ લેવા-દેવા નથી અને ના તો કંપની ખેડૂતો સાથે કોઈ ડાયરેક્ટ માલ ખરીદે છે.
ફરિયાદમાં આગળ જણાવવામાં આવ્યું હતું કે, રાધેકૃષ્ણા ટ્રેડિંગ કંપની ઘઉંના લોટના થેલા પર જિયોનો લોગો છાપી તેને માર્કેટમાં વેચતા હતા. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની જીયો કે અન્ય કંપની આવી કોઈ જ કંપની સાથે ભાગીદારીમાં સામેલ નથી. આ તમામ લોકો પોતાને આર્થિક લાભ મળે તે માટે જિયોના નામનો દુરુપયોગ કરતા હતા. જેના કારણે આ તમામ સામે ફરિયાદ દાખલ કરવામા આવી હતી. હાલ ટ્રેડમાર્ક એક્ટ 1999 હેઠળ ફરિયાદ નોંધવામા આવી છે અને આ મામલે વધુ તપાસ કરવામા આવી રહી છે.