પાલડીના શિશુગૃહના બાળકને યુરોપમાં મળશે નવજીવન, 5 વર્ષના બાળકને માલ્ટાના દંપતિએ લીધું દત્તક, જુઓ દીલખુશ કરી દેતી તસવીરો
પાલડીમાં આવેલા શિશુગૃહમાં શનિવારે ઉત્સવનો માહોલ હતો. જ્યાં 5 વર્ષ 6 મહિનાના અનાથ સાગરને તેના નવા માતા- પિતા દત્તક લેવા માટે આવનાર હતા. યુરોપના માલ્ટા ખાતે રહેતાં દંપતીને તમામ વિધિ પૂર્ણ કરી દત્તક અપાયો હતો. સંચાલકોએ જે બાળકનું નામ સાગર પાડ્યું તે હવે સાગર પાર કરીને નવા માતા-પિતા સાથે રહેશે.
3 નવેમ્બર 2019ના રોજ અજાણી વ્યક્તિ પાલડીના શિશુગૃહની બહાર ઘંટ વગાડીને બાળકને ત્યજી ગઈ હતી. અન્ય અનાથ બાળકો સાથે ઉછરી રહેલા સાગરને દત્તક આપવા માટેની કાનૂની કાર્યવાહી 14 ઓગસ્ટ 2020ના રોજ પૂર્ણ થઇ હતી. આખરે શનિવારે આ બાળકને તેના દત્તક લેનાર પિતા કારમેલો અબદીલા અને માતા ચારલેને અબદીલા મળ્યા છે. દંપતી યુરોપના માલ્ટાના વતની છે, કારમેલા હેવી પ્લાન્ટ મેનેજર છે જ્યારે ચારલેને શિક્ષક છે. તમામ પ્રાથમિક પ્રક્રિયા બાદ આ બાળકને દત્તક આપવાનો નિર્ણય કરાયો છે.
સંસ્થાના 232 બાળક દત્તક અપાયા,12 વિદેશમાં
પાલડીની આ સંસ્થામાં અત્યાર સુધીમાં 6 વર્ષ સુધીના 477 બાળકો સંસ્થામાં આવેલા છે. જે પૈકી 232 જેટલા બાળકોને દત્તક આપવામાં આવ્યા છે. જે પૈકી 12 બાળકો તો અત્યાર સુધીમાં વિદેશમાં દત્તક તરીકે આપવામાં આવ્યા છે. છેલ્લા 15 વર્ષથી કાર્યરત આ સંસ્થામાં દર વર્ષે 35 થી 40 બાળકો આવતાં હોય છે
સામાન્ય રીતે ભારતમાં દત્તકની પ્રક્રિયામાં બાળકને દત્તક લેવાનો પહેલો અધિકાર ભારતીય દંપત્તીનો હોય છે. એક બાળક ઓછામાં ઓછા 10 ભારતીય દંપત્તીને બતાવવામાં આવે છે. જો આ બાળકને દત્તક લેવા માટે ભારતીય દંપત્તી તૈયાર ન થાય તો તેવી સ્થિતિમાં વિદેશી દંપત્તી માટે આ બાળક દત્તક લેવાનો વિકલ્પ ખોલવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે બાળક કોઇ શારીરિક ખોડ કે રોગ સાથે હોય ત્યારે ભારતીય દંપત્તી તેને સ્વીકારવા માટે ખચકાટ અનુભવતા હોય છે.