ખેડૂત પરિવાર ઉપર આભ તૂટી પડ્યું, એક જ પરિવારના 3-3 લોકોના કમકમાટીભર્યા મોત, ખૂબજ કરૂણ બનાવ
એક અરેરાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે.હળવદના સુંદરીભવાની ગામે ગઈકાલે ત્રાટકેલા તોફાની વરસાદમાં વાડીએ ખેડૂત પરિવારના ત્રણ સભ્યો ઉપર દીવાલ પડતા મોત નિપજ્યાં હતા. જેને લઈ નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બીજી તરફ આજે સવારે એક સાથે ત્રણ-ત્રણ અર્થીઓ ઉઠતા સુંદરીભવાની ગામ હીબકે ચડ્યું હતું. આ ગંભીર દુર્ઘટનામાં બે બાળકોએ માતા-પિતાની અને એક બાળકે પિતાની છત્રછાયા ગુમાવતા ગામના સરપંચે રાજ્ય સરકારના નિયમ મુજબ આ ગરીબ ખેડૂત પરિવારને સહાય ચૂકવવા ભાર પૂર્વક જિલ્લા વહીવટી તંત્રના પ્રતિનિધિઓને રજૂઆત કરી હતી.
ત્રણેયના દીવાલ હેઠળ દટાઈ જવાથી મોત
ગઈકાલે સાંજે હળવદના સુંદરીભવાની ગામે વાદળ ફાટવા જેવી સ્થિતિમાં એક સામટો સાડાપાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેથી વરસાદથી બચવા ખેડૂત પરિવારના છેલાભાઈ ગફલભાઈ દેગામા, વાઘજીભાઈ ગફલભાઈ દેગામા અને રાજુબેન વાઘજીભાઇ દેગામા વાડીએ મકાનની દીવાલની ઓથે ઉભા રહી ગયા હતા. જોકે, તેમને કાળ બોલાવતો હોય તેમ દીવાલની ઓથમાં ઉભા રહેતા જ અચાનક દીવાલ ધસી પડતા ત્રણેય લોકો દીવાલ હેઠળ દટાઈ જતા કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા.
બાળકો નોંધારા બન્યાં
આ ઘટના અંગે સુંદરીભવાની ગામના સરપંચ જેન્તીભાઇ શંકરભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં તેમના ગામના ગફલભાઈ સુરાભાઈ દેગામાના પુત્ર છેલાભાઇનું અવસાન થતા તેમની એકની એક પુત્રી માનસી ઉર્ફે ઢબુએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જયારે વાઘજીભાઈ ગફલભાઈ દેગામા અને રાજુબેન વાઘજીભાઇ દેગામાનું મૃત્યુ નિપજતા તેમના પુત્ર યશપાલ ઉ.7 અને ભૂમિ ઉ.5 નોધારા બની ગયા છે તો જતી જિંદગીએ ગફલભાઈને બબ્બે કંધોતર અને પુત્રવધુ ગુમાવવા પડતા ગફલભાઈ અને તેમના પત્નીની માનસિક સ્થિતિ દયનિય બની છે.
સરકારને પરિવારની મદદ કરવા અપીલ
વધુમાં સરપંચ જેન્તીભાઇ શંકરભાઇ પ્રજાપતિએ એક જ પરિવારના ત્રણ-ત્રણ સભ્યો ગુમાવનારા દેગામા પરિવારને રાજ્ય સરકારના નિયમ મુજબ તમામ આર્થિક સહાય ચુકવવામાં આવે તેવી સરકારી અધિકારીઓને હાથ જોડીને વિનંતી કરી નોધારા બનેલા બાળકો માટે પણ સરકારને સહાનુભૂતિ દાખવવા અનુરોધ સાથે રજુઆત કરી છે. આ ગંભીર દુર્ઘટનામાં જિલ્લા વહીવટી તંત્ર માનવતા ચૂક્યું હોય તેવા ઘાટ વચ્ચે ઉચ્ચ અધિકારીઓ કે રાજકારણીઓ ઘટનાના બાર-બાર કલાક બાદ પણ ભોગબનેલા પરિવાર સુધી ન પહોંચતાં આશ્ચર્ય સર્જાયું છે.
નોંધારો બન્યો પરિવાર
સુંદરીભવાની ગામના ખેડૂત પરિવારના ત્રણ સભ્યો ઉપર દીવાલ પડતા મૃત્યુ નિપજતા તેમના પરિવારની આર્થિક હાલત ખરાબ હોવાથી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય અને હળવદ -ધ્રાંગધ્રા ઠાકોર સમાજના યુવા અગ્રણી પપ્પુ ઠાકોરે મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય ચૂકવવાની માગ કરી છે.હસતા ખેલતા પરિવારનો માળો પીંખાયો, એક જ ઘરમાંથી એકસાથે ત્રણ-ત્રણ અર્થી ઉઠતા ગામ હીબકે ચડ્યું, સૌ કોઈ રડી પડ્યા