સલમાન ખાનને એરપોર્ટ પર રોકનારા ASI મુશ્કેલીમાં મૂકાયા, CISFએ મોબાઈલ જપ્ત કર્યો હતો

સલમાન ખાનને એરપોર્ટ પર રોકનારા ASI મુશ્કેલીમાં મૂકાયા, CISFએ મોબાઈલ જપ્ત કર્યો હતો

મુંબઈઃ થોડાં દિવસ પહેલાં જ મુંબઈ એરપોર્ટ પર CISF (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ)ના જવાને બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને અટકાવ્યો હતો. જોકે, હવે માનવામાં આવે છે કે તે જવાન મુશ્કેલીમાં મૂકાયો છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન રશિયા ફિલ્મ ‘ટાઇગર 3’ના શૂટિંગ અર્થે જતો હતો.

શું થયું?
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, CISFએ સલમાનને એરપોર્ટ પર અટકાવનારા ASI (આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર) સોમનાથ મહંતીનો ફોન જપ્ત કરી લીધો છે. સૂત્રોના મતે, સોમનાથ મહંતીએ સલમાન ખાનને એરપોર્ટ પર અટકાવ્યો પછી મીડિયા સાથે આ અંગે વાતચીત કરી હતી. આ પ્રોટોકોલનો ભંગ છે. તે અન્ય કોઈ મીડિયા સાથે વાત ના કરે તે માટે જ ફોન જપ્ત કરી લેવામાં આવ્યો છે. સોમનાથ મોહંતી ઓરિસ્સાના નયાગઢ જિલ્લાના રહેવાસી છે.

સલમાનનું ID પ્રૂફ માગ્યું હતું
સો.મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે સલમાન ખાન એરપોર્ટ આવે છે. તે જેવો કારમાંથી નીચે આવે છે, ચાહકોની ભીડ જમા થઈ જાય છે. સલમાન ખાન થોડીવાર ઊભા રહીને ફોટોગ્રાફર્સને પોઝ પણ આપે છે. ત્યારબાદ તે એરપોર્ટની અંદર જાય છે. જોકે, અહીંયા CISFના જવાને દરવાજા આગળ સલમાનનું આઇડેન્ડિટી કાર્ડ ચેક કરવા માગ્યું હતું. આટલું જ નહીં તે ફોટોગ્રાફર્સને પણ દૂર જવાનું કહે છે.

સો.મીડિયામાં CISF જવાનની પ્રશંસા થઈ
આ વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સે CISFના જવાનની પ્રશંસા કરી હતી. એક યુઝર્સે કહ્યું હતું કે તે સલમાન ખાનનો ચાહક નથી, પરંતુ તેને સૌથી સારી વાત એ લાગી જ્યારે CISF સબ ઇન્સ્પેક્ટરે સલમાનને અટરાવ્યો. જવાનને સેલ્યુટ, તેણે પોતાની ડ્યૂટી બજવી. અન્ય એક ચાહકે કહ્યું હતું કે સેલ્યુટ CISF અધિકારીને. તો અન્ય એકે કમેન્ટ કરી હતી કે CISF જવાને વેરિફિકેશન વગર સલમાનને અંદર જવા દીધો નહીં. આપણાં જવાનને બહુ જ બધો પ્રેમ.

કેટલાંકે જવાનના ગુડ લુક્સના વખાણ કર્યાં
કેટલાંક યુઝર્સે CISFના જવાનના ગુડ લુકિંગના વખાણ કર્યાં હતાં. કેટલાંકે કહ્યું હતું કે CISF ઇન્સ્પેક્ટર બહુ જ હેન્ડસમ દેખાય છે. તો કેટલાંક CISF જવાનને બોલિવૂડ સ્ટાર જેટલો જ હેન્ડસમ હોવાનું કહ્યું હતું.

રશિયામાં શૂટિંગ શરૂ કર્યું
સલમાને રશિયામાં ‘ટાઇગર 3’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. સેટ પરની કેટલીક તસવીરો પણ લીક થઈ હતી. સો.મીડિયામાં લીક થયેલી તસવીરમાં સલમાન ખાન બ્રાઉન રંગની દાઢી તથા તે જ રંગના લાંબા વાળમાં જોવા મળ્યો હતો. સલમાનની સાથે ભત્રીજો નિર્વાન (સોહેલ ખાનનો દીકરો) પણ જોવા મળ્યો હતો. આ તસવીરોમાં કેટરીના કૈફ જોવા મળતી નહોતી.