આ શિવ મંદિરમાં 600 વર્ષ જૂના ઘીમાં નથી પડી જીવાત કે નથી આવતી દુર્ગંધ, ભગવાનનો છે આ ચમત્કાર

આ શિવ મંદિરમાં 600 વર્ષ જૂના ઘીમાં નથી પડી જીવાત કે નથી આવતી દુર્ગંધ, ભગવાનનો છે આ ચમત્કાર

થોડાક દિવસો માં જ શ્રાવણ માસનો પ્રારંભ થનાર છે. શ્રાવણ માસનો પ્રથમ દિવસ અને યોગાનુયોગ પ્રથમ સોમવાર છે. હિંદુ ધર્મમાં શ્રાવણ માસ ખુબજ ધાર્મિક મહત્વનો ગણાય છે. આ માસમાં શિવનું પૂજન, અર્ચન કરી શિવની આરાધના કરવામાં આવે છે. આજે વાત કરીશું ગુજરાત નહી પરંતુ ભારતનું એક માત્ર એવુ મહાદેવનું મંદિર જ્યાં 600 વર્ષ ઉપરાંતનું જૂનું શુધ્ધ ઘી ક્યારેય પણ બગડતું નથી અને આજે પણ સચવાયેલું છે. આ ઘી કદી પણ દુર્ગંધ નથી મારતું કે જીવાત નથી પડતી જે અહીંયા ખરેખર શિવની સાક્ષી દર્શાવે છે.

ખેડા જિલ્લાના ખેડા-ધોળકા રોડ પર રઢુ ગામ આવેલુ છે. આ ગામમાં અતિપ્રાચિન શ્રી કામનાથ મહાદેવનું મંદિર આવેલું છે.શ્રી કામનાથ મહાદેવ મંદિરનો ઈતિહાસ
આ ગામ નજીક પાંચ નદીનો સંગમ થાય છે. તેની નજીક શ્રી કામનાથ મહાદેવનું પવિત્ર મંદિર આવેલું છે. આ મંદિરમાં વિક્રમ સંવત 1445માં દાદાને જ્યોત સ્વરુપે લવાયા હતા. એ સમયે તો નાની દેરી સ્વરૂપે મંદિર હતું. પરંતુ સમય જતાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વર્ષો પહેલાંની વાત છે આ મહાદેવજીની જ્યોત રઢુના ભક્ત પટેલ જેસીંગભાઇ હીરાભાઇ લાવેલા છે. તેઓને એવો નિયમ હતો કે મહાદેવજીનાં દર્શન કર્યા વિના કોઇ વસ્તુ આરોગવી નહીં. તે સમયે આ ગામે મહાદેવજીનું મંદિર નહોતું.

જેથી તેઓ વાત્રક નદી ઓળંગીને સામે કિનારે પુનાજ ગામે મહાદેવનાં દર્શન કરવા નિયમિત જતા હતા. પુનાજ રઢુથી 8 કી.મી.ના અંતરે આવેલું ગામ છે. રઢુમાં મંદિર ન હોવાથી તેઓ વાત્રક નદી ઓળંગી નદીના સામે કિનારે પુનાજ ગામે મહાદેવનાં દર્શન કરવા નિયમિત જતા. મહાદેવજીનાં દર્શન કર્યા વિના કોઇ વસ્તુ આરોગવી નહીં તેવો તેમનો સંકલ્પ હતો. આમ તો શિવના ઘણાં સ્વરૂપ છે. તેમાં ત્રિવેણી સ્વરુપ એક મંદિરમાં ભાગ્યે જ જોવા મળે છે.

આ કામનાથ મહાદેવમાં શિવના ત્રિવેણી સ્વરુપના અલૌકિક દર્શન થાય છે. જેમાં શિવલિંગ સ્વરૂપ, મૂર્તિ સ્વરૂપ અને જ્યોત સ્વરૂપે દાદાની હયાતી છે. અહીંયા સાક્ષાત શિવજી જાણે બિરાજમાન હોય તેવી અનુભૂતિ ભક્તોને થાય છે અને આથી જ શ્રાવણ માસ સહિત સામાન્ય દિવસોમાં પણ અહીંયા શિવ ભક્તોનો અવિરત ઘસારો રહે છે. સૌરાષ્ટ્ર, મુંબઈ, અમદાવાદ, વડોદરા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત રાજ્ય અને દેશના અલગ અલગ સ્થળોએથી દાદાના દર્શનાર્થે આવે છે.

એકવાર વાત્રક નદીમાં ભયંકર પૂર આવ્યું. જેથી ભક્ત જેસીંગભાઈ દર્શન કરવા જઇ શક્યા નહોતા. નદીના પાણી લગભગ સાત આઠ દિવસ સુધી રહ્યાં હતાં. ત્યાં સુધી તેઓ આઠ દિવસ ઉપવાસ પર રહ્યા. અંતિમ દિવસે રાત્રિના સમયે જેસીંગભાઈને સ્વપ્ન આવ્યું અને પુનાજના મહાદેવજીએ કહ્યું કે, ‘તું મને અહીંયાથી તારે ગામે ઘીનો દીવો પ્રગટાવી તારી સાથે મને લઇ જા.’

બીજા દિવસે સવારે બધાને વાત કરી અને ગામના માણસો સાથે ત્યાં ગયા અને ત્યાંથી દાદાનો દીવો પ્રગટાવી રઢુ આવવા નીકળ્યા. આ દિવસ શ્રાવણ વદ-12 હતો, તે દીવો વરસાદ અને પવનની અંદર પણ દાદાની દયાથી રઢુ સુધી અખંડ આવ્યો. પછી નાની દેરી બનાવી તેમાં તે દીવાની સ્થાપના સંવત 1445માં કરવામાં આવી અને ત્યારબાદ ફરીથી મોટું મંદિર બનાવી તેમાં મહાદેવજીની પ્રાણપ્રતિષ્ઠા અને અખંડ જ્યોત જે જેસીંગભાઇએ કરી ત્યારથી એ જ સ્થિતિમાં છે. આજ સુધી દીવા માટે ઘી વેચાતું લાવવું પડતું નથી.

કઈ રીતે સાચવામાં આવે છે ઘી ને
મંદિરના ત્રણ ઓરડાઓમાં આશરે હજારો કિલોથી વધુનું ઘી અહીંયા સચવાયેલુ જોવા મળે છે. આજે ઘીની આશરે 1100થી 1200 માટીના મોટા કદના કાળા ગોળીઓમાં આ શુદ્ધ ઘી સચવાયેલુ જોઈ શકાય છે.મંદિરના ભક્તો કહે છે કે, દૈનિક 8થી 10 કિલો ઘીનો વપરાશ રહે છે, પરંતુ ભાવિક ભક્તોની ભાવના અને બાધા માનતાઓથી પ્રવાહ ચાલુ રહે છે અને અહીંયા ઘી અખૂટ રીતે ભરાયેલા રહે છે. આ તમામ વચ્ચે અહીંયા ઘી કદી પણ બગડતું નથી કે કદી તેમાં જીવાત પડતી નથી. કે ક્યારે પણ દુર્ગંધ મારતું નથી. આશરે 630 વર્ષ જૂના શુદ્ધ ઘી અહીંયા સચવાયેલા આજે પણ જોવા મળી રહ્યા છે.

શુદ્ધ ઘીનો ઉપયોગ
આ શુદ્ધ ઘીનો ઉપયોગ ફક્તને ફક્ત દિવા માટે જ કરવામાં આવે છે. આ ઉપરાંત મંદિરમાં હોમાત્મક યજ્ઞમાં જ તેનો ઉપયોગ થાય છે. આ સિવાય અન્ય કોઈ પણ ઉપયોગ કરવામાં આવતો નથી. સાથે સાથે આ ઘીને ગામની બહાર પણ લઈ જવામાં આવતું નથી, પરંતુ ગામના મંદિરોમાં દિવા માટે આ ઘીનો ઉપયોગ લેવામાં આવે છે. જો અન્ય ઉપયોગમાં આ ઘી લેવામાં આવે તો તે વ્યક્તિ દુઃખી દુઃખી થઈ જાય છે.

ગામમાં ભેંસ અથવા ગાયનું વિયાણ થાય ત્યારે તેનું પહેલું વલોણું કરી મંદિરમાં ઘી માટે ગ્રામજનો આપી જાય છે
આ ગામમાં નિયમ છે કે જે ઘેર ભેંસ અથવા ગાયનું વિયાણ થાય તેનું પહેલું વલોણું કરી તેનું ઘી મહાદેવજીના દીવા માટે પૂરી જાય છે. જે ઘીનો ફક્ત દીવા સિવાય અન્ય કોઈ ઉપયોગ થતો નથી. રોજ આઠથી દસ કિલો ઘીનો વપરાશ રહે છે.

શ્રાવણ માસની શ્રદ્ધાભેર ઉજાણી કરવામાં આવે છે
શ્રાવણ માસમાં પુરેપુરો માસ મંદિરમાં અખંડ ઘીનો યજ્ઞ કરવામાં આવે છે. જેમાં ‘ઓમ નમઃ શિવાય’ના કાળા તલ સાથેની આહૂતી આપવામાં આવે છે. સંવત 2056થી આ પરંપરા ચાલુ છે. ભાવિક ભક્તો આ સમયે દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. સાથે સાથે આ દિવસોમાં ભજન કિર્તન સહિત દર સોમવારે આકર્ષક ફુલવાડીનો શણગાર પણ કરવામાં આવે છે. શ્રાવણ વદી 12ના દિવસે દાદા સાક્ષાત ગામમાં પધાર્યા હોવાથી અહીંયા આ દિવસે પારંપરિક લોકમેળો યોજાય છે. સાથે સાથે ભજન મંડળીઓ સાથે શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે આ પરંપરા પર ગ્રહણ લાદ્યુ છે.

ગુજરાત સહિત દેશના ખુણે ખૂણેથી શિવ ભક્તો આ પવિત્ર સ્થળની મુલાકાત
ગુજરાતના બીજા ગાંધી પૂ.રવિશંકર મહારાજની જન્મભૂમિ રઢુમાં તેમના નામ ઉપરથી અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે. જેમાં નિશુલ્ક પણે ભોજન આપવામાં આવી રહ્યું છે. જોકે, હાલ કોરોનાના કારણે આ અન્નક્ષેત્ર બંધ છે. આ તમામ પ્રવૃત્તિઓ શ્રદ્ધાળુના સાથ સહકારથી કરવામાં આવી રહી છે. ગુજરાત સહિત દેશના ખુણે ખૂણેથી શિવ ભક્તો આ પવિત્ર સ્થળની મુલાકાત લઈ શિવના અલૌકિક દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે.

ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે
અહીંયા ત્રીજી પેઢીથી દાદાની સેવા-પૂજા કરતાં હરીશપુરી ગોસ્વામી દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અહીંયા દેશ અને પરદેશમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. સાથે સાથે ઘીની માનતાં રાખે છે. ખાસ કરીને જે લોકો નિઃસંતાન હોય તેવા લોકો અને પરદેશ વિઝા મેળવવા શ્રદ્ધાળુઓ શ્રદ્ધાભેર માનતાં રાખતાં હોય છે અને દાદાના આર્શીવાદથી માનતા પરી પૂર્ણ પણ થાય છે. શ્રાવણ માસમાં દર સોમવારે શિવ મહિમના સ્ત્રોતમનો પાઠ કરવામાં આવે છે. સાથે સાથે આ માસ દરમિયાન પોણા કલાકની સંધ્યા આરતી પણ યોજવામાં આવે છે. આ સમયે મશાલ પણ પ્રગટાવવામાં આવે છે અને ભક્તિભાવ પૂર્વક શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવે છે.