તડકેશ્વર મહાદેવ મંદિર; ગુજરાતમાં 800 વર્ષ જૂનું શિવાલય,આ મંદિરમાં સૂર્યના કિરણો શિવજીનો અભિષેક કરે છે

તડકેશ્વર મહાદેવ મંદિર; ગુજરાતમાં 800 વર્ષ જૂનું શિવાલય,આ મંદિરમાં સૂર્યના કિરણો શિવજીનો અભિષેક કરે છે

મંદિરની ખાસિયત એ છે કે મંદિર ઉપર કોઇ છત નથી તેમજ સૂર્યના કિરણો શિવલિંગ ઉપર પડે છે. જેના કારણે સૂર્યના કિરણો સતત શિવલિંગને સ્પર્શ કરતા હોવાથી તે તડકેશ્વર મહાદેવના મંદિર તરીકે પ્રસિધ્ધ છે. 1994માં જીર્ણોદ્ધાર કરી 20 ફૂટના ગોળાઈનો ઘુમ્મટ ખુલ્લો બનાવાયો. સ્વયંભૂ પ્રગટેલા શિવલિંગના દર્શનાર્થે લોકોની ભારે ભીડ રહે છે. શ્રાવણમાસ અને મહાશિવરાત્રિએ તો ભક્તો દૂર દૂરથી દાદાના દર્શનાર્થે આવે છે.

વલસાડના પરા વિસ્તાર અબ્રામા ગામે વાંકી નદીના કિનારે તડકેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન શિવાલય આવેલું છે. આશરે 800 વર્ષ પુરાણા આ શિવાલયની પૌરાણિક ગાથા અનોખી અને અલૌકિક છે. વર્ષો પહેલાં અહિંના જંગલમાં ગાયો ચરાવતા નિર્દોષ ગોવાળિયાએ એક ગાયને સ્વયંભૂ દૂધની ધારા વહાવતી જોઈ તો તે વિસ્મય પામ્યો હતો. ગામલોકોને જાણ કરતાં તેઓએ તે જગ્યા પર તપાસ કરતાં એક મોટી પથ્થરની શિલા નજરે પડે હતી. ત્યારબાદ આ શિલા પર એક ભક્ત રોજ આવીને દૂધનો અભિષેક કરી જતો હતો. અહીં પ્રાચીન અલૌકિક તડકેશ્વર મહાદેવ વિરાજમાન છે. ભોળાનાથના આ મંદિર ઉપર શિખરનું નિર્માણ શક્ય નથી, એટલે સૂર્યના કિરણો સીધા જ શિવલિંગનો અભિષેક કરે છે.

1994 માં મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો
1994માં મંદિરનો જીર્ણોદ્ધાર કરી 20 ફૂટના ગોળાકાર આકૃતિમાં ખુલ્લા શિખરનું નિર્માણ કરવામાં આવ્યું. શિવ ભક્ત-ઉપાસક દરેક સમયે અહીં દર્શન કરીને ધર્મલાભ મેળવવા આવતા રહે છે. પાવન શ્રાવણ મહિનામાં અને મહાશિવ રાત્રિએ અહીં વિશાળ મેળો લાગે છે.

સપનામાં શિવજીએ જણાવ્યું હતું
800 વર્ષ જૂના આ અલૌકિક મંદિર અંગે ઉલ્લેખ મળે છે કે એક ગોવાળિયાએ જાણ્યું કે તેની ગાય દરરોજ ટોળાથી અલગ થઈને ગાઢ જંગલમાં જઈને એક જગ્યાએ ઊભી રહીને આપમેળે પોતાના દૂધની ધારા પ્રવાહિત કરે છે. ગોવાળિયાએ અબ્રામા ગામ પાછા ફરીને ગામના લોકોને તેની સફેદ ગાય દ્વારા ગાઢ વનમં એક પાવન સ્થળે જાતે જ દુગ્ધાભિષેકની વાત જણાવી. શિવ ભક્ત ગામના લોકોએ ત્યાં જઈને જોયું તો પવિત્ર સ્થળન ગર્ભમાં એક પાવન શિલા વિરાજમાન હતી.

ગોવાળિયાએ ગામના લોકોને સપનામાં મળેલાં આદેશની વાત જણાવી.
પછી શિવ ભક્ત ગોવાળિયાએ દરરોજ તે જંગલમાં જઈને શિલા અભિષેક-પૂજન શરૂ કરી દીધું. ગોવાળિયાની અતૂટ શ્રદ્ધા જોઈ શિવજી પ્રસન્ન થયાં. શિવજીએ ગોવાળિયાને સપનામાં દર્શન આપ્યાં અને આદેશ કર્યો કે ઘનધોર વનમાં આવીને તમારી સેવાથી હું પ્રસન્ન છું. હવે મને અહીંથી દૂર કોઈ પાવન જગ્યાએ લઈ જઈને સ્થાપિત કરો. ગોવાળિયાએ ગામના લોકોને સપનામાં મળેલાં આદેશની વાત જણાવી.

આ મંદિરનું શિખર ક્યારેય બની શક્યું નહીં
ગોવાળિયાની વાત સાંભળીને બધા શિવ ભક્ત વનમાં આવ્યાં. પાવન સ્થળે ગોવાળિયાની દેખરેખમાં ખોદકામ કર્યું તો આ શિલા સાત ફૂટના શિવલિંગ સ્વરૂપમાં મળી. પછી ગામના લોકોએ પાવન શિલાને વર્તમાન તડકેશ્વર મંદિરમાં વિધિ-વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠિત કરી. સાથે જ ચારેય બાજુ દિવાલ બનાવીને ઉપર છત્ર રાખ્યું. ગામના લોકોએ જોયું કે થોડા જ સમયમાં તે છત્ર જાતે જ સ્વાહા થઈ ગયું.

શિખરનો ભાગ ખુલ્લો રાખ્યો જેથી સૂર્યના કિરણો હંમેશાં શિવલિંગ ઉપર અભિષેક કરે છે
આવું સતત થતું ગયું, ગામના લોકો સતત કોશિશ કરી રહ્યા હતાં. ગોવાળિયાને ભગવાને ફરી સપનામાં આવીને જણાવ્યું કે હું તડકેશ્વર મહાદેવ છું. મારી ઉપર કોઈ છત્ર બનાવશો નહીં. પછી ગામના લોકોએ શિવના આદેશને માની લીધો. શિવલિંગનું મંદિર બનાવ્યું પરંતુ શિખરનો ભાગ ખુલ્લો રાખ્યો જેથી સૂર્યના કિરણો હંમેશાં શિવલિંગ ઉપર અભિષેક કરે છે.