બેફામ જતી લક્ઝુરિયર્સ SUV કાર પુલ સાથે અથડાતા બે ટૂકડા થઈ ગયા, દેરાણી-જેઠાણી સહિત 3નાં મોત
મધ્ય પ્રદેશ: મધ્ય પ્રદેશના છિંદવાડામાં શુક્રવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રામકોણાથી પરત ફરતી ગાડીની પુલ સાથે પ્રચંડ ટક્કર થઈ હતી, જેના પરિણામે ગાડીના 2 ટૂકડા થઈ ગયા હતા. અકસ્માતમાં 3 મહિલાઓના ઘટનાસ્થળ પર મોત નીપજ્યાં, જ્યારે અન્ય 2 લોકોની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નાગપુર ખસેડવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે સૌંસરનો રહેવાસી સચિન જયસ્વાલ પોતાના પરિવાર સાથે એક લગ્ન પ્રસંગમાં ભાગ લેવા રામકોણા ગયો હતો. શુક્રવારે તે ગાડીમાં પરત આવી રહ્યો હતો.
આ દરમિયાન નાગપુર રોડ નજીક ડ્રીમ હોટલ પાસે બાઇક સવાર તેમની કારની સામે આવ્યો હતો. એને બચાવવાના પ્રયાસમાં સચિન જયસ્વાલે કાબૂ ગુમાવ્યો અને ગાડી પુલ સાથે અથડાઈ ગઈ હતી.
આ દુર્ઘટનામાં સૌંસરની નિવાસી રોશની, માધુરી અને પ્રિયાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. વળીં, કાર ચાલક સચિન જયસ્વાલ અને નીલમ જયસ્વાલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને ગંભીર હાલતમાં નાગપુરની હોસ્પિટલમાં ખસેડાયા છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર રામકોણામાં સાંજે લગ્ન પ્રસંગ હતો, જેમાં સામેલ થવા માટે કારમાં સવાર પરિવારના સભ્યો સોંસર જઈ રહ્યા હતા. ત્યાંથી તૈયાર થયા બાદ સાંજ સુધીમાં એમણે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જવાનું હતું.