વૃદ્ધ ચોધાર આંસુએ રડી પડ્યા, ભાઈ, દીકરી-જમાઈએ રાખવાની પાડી દીધી ના, આવા દીકરાઓ શું કામના?

વૃદ્ધ ચોધાર આંસુએ રડી પડ્યા, ભાઈ, દીકરી-જમાઈએ રાખવાની પાડી દીધી ના, આવા દીકરાઓ શું કામના?

સુરતના સચિન વિસ્તારમાં ડ્રગ્સના કેસમાં વોન્ટેડ આરોપીના પિતાનું જીવન સુરતની સચિન પોલીસે ઉગાર્યું છે. છેલ્લા એક મહિનાથી એસઓજીએ પકડેલા ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપીને તપાસ માટે સચિન પોલીસ તેના ઘરે પહોંચી તો તેના પિતા ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં રહેતા હોવાનું જાણવા મળ્યું. એટલી દુર્ગંધ અને કીડા-જીવાતની વચ્ચે પિતા જીવન વ્યતીત કરતા હતા. એ જોઈ સચિન પોલીસના બંને પોલીસકર્મી અત્યંત વિમાસણમાં મુકાયા હતા અને ત્યાર બાદ પોલીસે પોતાની માનવતા મહેકાવી વૃદ્ધને આવી પરિસ્થિતિમાંથી બહાર કાઢી એનજીઓની મદદથી શેલ્ટર હોમ મોકલી આપવાની વ્યવસ્થા કરી હતી.​​​​​​

આરોપીના વૃદ્ધ પિતાની અત્યંત દયનીય સ્થિતિ
સુરત શહેર પોલીસ સુરતને ડ્રગ્સમુક્ત શહેર બનાવવા માટે સે નો ટુ ડ્રગ્સ ચલાવી રહી છે, જે અંતર્ગત ગત 16 ઓક્ટોબરના રોજ સુરતની એસઓજી પોલીસે શહેરમાંથી મોટું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ ગુનામાં પોલીસે સચિનમાં રહેતા પપ્પુ નામના યુવકને વોન્ટેડ જાહેર કર્યો હતો. ત્યારે છેલ્લા એકથી દોઢ મહિનાથી આ પપ્પુને પકડવા પોલીસ પ્રયાસ કરી રહી છે. દરમિયાન સુરત સચિન પોલીસના બે પોલીસકર્મી આ યુવકનું એડ્રેસ શોધી તેના ઘરે તપાસ કરવા માટે ગઈ હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે તે છેલ્લા દોઢ માસથી ડ્રગ્સ કેસમાં ફરાર હોવાથી ઘરે આવ્યો જ નથી. એને લઇ તેના વૃદ્ધ પિતાની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. પિતા અત્યંત દુર્ગંધવાળી અને કીડા-મકોડા જેવા જીવાતોની વચ્ચે જીવન પસાર કરી રહ્યા છે. આ સ્થિતિ જોતાં જ સચિનના બંને પોલીસકર્મી સ્તબ્ધ થઈ ગયા હતા અને આ વૃદ્ધ માટે સારી જિંદગી મળે રહે એ માટેના પ્રયાસો શરૂ કરી દીધા હતા.

ઘરનો દરવાજો બહારથી બંધ હતો ને અસહ્ય દુર્ગંધ આવતી હતી
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઓક્ટોબર માસમાં 509 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાંથી એક પપ્પુને વોન્ટેડ જાહેર કરાયો હતો. પપ્પુ સચિનમાં રહેતો હોવાની ઓળખ થયા બાદ તેની શોધખોળ પોલીસે શરૂ કરી હતી. જેથી તેના ઘરને તપાસ કરવા માટે સચિન પોલીસ સ્ટેશનના એએસઆઇ કિશોર પાટીલ અને હેડ કોન્સ્ટેબલ સહદેવ સિંહને મોકલ્યા હતા .બંને પોલીસકર્મી આરોપીના ઘરે પહોંચ્યા તો ઘરની સ્થિતિ જોઈ તેઓ ચોંકી ઊઠ્યા હતા, કારણ કે પહેલા તો ઘરનો દરવાજો બંધ હતો અને ઘરની અંદર એક વૃદ્ધ સિવાય બીજું કોઈ હતું નહીં. એ ઉપરાંત આખા ઘરમાં કીડા-મકોડા અને અન્ય જીવાતો ફરી રહી હતી, સાથે સાથે અત્યંત અસહ્ય દુર્ગંધ ઘરમાંથી આવી રહી હતી. આ બધાની વચ્ચે વૃદ્ધ પોતાનું જીવન ગુજારી રહ્યા હતા.

લોકોને ડ્રગ્સ આપી જીવન બરબાદ કરનારના પિતાનું જીવન સુરત પોલીસે બચાવ્યું
ડ્રગ્સ કેસમાં ભાગતોફરતો આરોપી પપ્પુને તેના પિતાની પણ કોઈ જ ચિંતા હતી નહીં. ત્યારે પોલીસ જ ખરા અર્થમાં આ વૃદ્ધના તારણહાર બન્યા હતા. અનેક લોકોને ડ્રગ્સ આપી તેમનું જીવન બરબાદ કરનાર યુવકના પિતાનું જ જીવન ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યું હતું. ત્યારે સુરતની સચિન પોલીસે ડ્રગ્સ આપી જીવ લેનારના પિતાનું જીવન પોલીસે બચાવ્યું હતું. આ અંગે સચિન પોલીસ મથકના પીઆઇ આરઆર દેસાઈએ જણાવ્યું હતું કે ડ્રગ્સ કેસમાં નાસતાફરતા સચિનના આરોપીને પકડવા માટે અમારા પોલીસ મથકના બે કોન્સ્ટેબલને તેના ઘરે મોકલ્યા હતા. ત્યારે આરોપી તો મળી આવ્યો ન હતો, પરંતુ તેના પિતાની હાલત ખૂબ જ ખરાબ હોવાનું બંને પોલીસકર્મીએ જણાવ્યું હતું. અને તેમના માટે આ બંને પોલીસે ખૂબ જ ચિંતા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ તેમણે સંસ્થાનો પ્રયાસ કરીને નર્ક જેવી સ્થિતિમાં રહેતા પિતાને ઉગાર્યા હતા.

 

દીકરી પણ પિતાના વહારે ન આવી
સચિન પોલીસ મથકના એએસઆઇ કિશોર પાટીલ અને હેડ કોન્સ્ટેબલ સહદેવ સિંહ દ્વારા 75 વર્ષીય વૃદ્ધ રામલાલની આવી હાલત જોતાં પુત્ર સિવાય તેનાં સુરતમાં કોઈ સગાંસંબંધી કે વારસદાર છે કે નહીં એ તપાસ કરાઈ હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે તેમની દીકરીના લગ્ન પણ સુરતમાં જ થયા છે, જેથી તેની દીકરીને બોલાવવાનો પ્રયાસ કરાયો ત્યારે સૌપ્રથમ તો તેને ત્યાં આવવાનો પણ ઇનકાર કરી દીધો હતો. આ અંગે એસઆઈ કિશોર પાટીલ સાથે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે તેમની દીકરીને ફોન કરીને આ અંગેની જાણ કરી તો તેમણે ત્યાં આવવાની પહેલા તો સ્પષ્ટ પણ ના જ પાડી દીધી હતી. વૃદ્ધની હાલત જોઈ અમારા રૂંવાડાં ઊભાં થઈ ગયાં હતાં, પરંતુ તેમની દીકરીને તેના પિતાની કોઈ જ પરવાહ જોવા મળતી ન હતી. આખરે અમારે થોડાક ભારે અવાજથી વાત કરીને તેમની દીકરીને તેના પિતાની પાસે આવવા માટે બોલાવી પડી હતી. ત્યારે મોડી રાત્રે દીકરી તેના પિતાના ઘરે આવી હતી, પરંતુ દીકરી અને જમાઈ બંને પિતાને પોતાની સાથે રાખવાનો ઇનકાર કરી દીધો હતો.

સામાજિક સંસ્થાનો પ્રયાસ કરી મદદ લેવાઈ
જેને લઇ આખરે બંને પોલીસકર્મી દ્વારા સામાજિક સંસ્થાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સમાજસેવી ધર્મેશ ગામીને પોલીસકર્મીએ વાત કરતાં તેમણે શેલ્ટર હોમ ચલાવનાર તરુણ મિશ્રાનો સંપર્ક કરાવી આપ્યો હતો. પોલીસે તરુણ મિશ્રાને તમામ બાબતથી અવગત કરાવતાં તેમની આખી ટીમ સચિન ખાતે પહોંચી ગઈ હતી અને આ સ્થિતિમાંથી વૃદ્ધ દાદાને બહાર લાવવા પ્રયાસ કર્યા હતા.

વૃદ્ધ દાદાએ કેટલાય દિવસથી ખાધું પણ ન હતું
સચિનમાં ડ્રગ્સના આરોપીના પિતાની અત્યંત ખરાબ સ્થિતિ હોવાનું જાણ થતાં જ સુરતના પર્વત પાટિયા ખાતે સેન્ટર હોમ ચલાવનાર તરુણ મિશ્રાની ટીમ ત્યાં આવી પહોંચી હતી. તેઓ દાદાની સ્થિતિ જોઈને ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. અત્યંત કપરી અને દયનીય સ્થિતિમાં દાદા પોતાનું જીવન ગુજારી રહ્યા હતા. તરુણ મિશ્રાએ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે અમે દરવાજો ખોલ્યો ત્યારે અંદરથી અસહ્ય દુર્ગંધ મારી રહી હતી. દાદાને વ્યવસ્થિત દેખાતું પણ ન હોવાથી અને તબિયત પણ નાદુરસ્ત રહેતી હોવાથી તેઓ જગ્યા પર જ પેશાબ કરી લેતા હતા. આખા ઘરમાં જીવાત અને કીડા જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પહેલા તેમને હોટલમાંથી જમવાનું આવતું હતું, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી તો જમવાનું પણ ત્યાં કોઈ પહોંચાડતું નથી. જેથી દાદાને અમે મળ્યા ત્યારે તેમણે સીધી પહેલા એ જ વાત કરી કે મને જમવું છે, જેથી અમે તેમને જમાડ્યા હતા.

પાડોશી પણ દાદાની વહારે આવ્યા ન હતા
દાદાની આવી હાલતથી આસપાસ સૌકોઈ પરિચિત હતા, પરંતુ તેના દીકરાના કારનામા અને કરતૂતને કારણે તેમની સાથે કોઈ સંબંધ રાખતું ન હતું. જોકે દીકરાનાં કરતૂતને કારણે પાડોશીઓએ પોતાનો માનવીય અભિગમ પણ દાખવ્યો નહોતો. વૃદ્ધ અનેક દિવસોથી લાચાર અને અતિખરાબ જીવન પસાર કરી રહ્યા હતા છતાં તેમને આવી સ્થિતિ વિશે જાણ કરવા માટે પણ કોઈ આગળ આવતું ન હતું.

દાદાના આંખનું ચેકઅપ પણ કરાવવામાં આવ્યું
વૃદ્ધ રામલાલની સ્થિતિ અંગે તરુણ મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે અમારી ટીમ ત્યાં પહોંચી અને દાદાને સૌપ્રથમ પારિવારિક હૂંફ આપી હતી. છેલ્લા અનેક દિવસોથી તેમણે સ્નાન પણ કર્યું નહોતું, જેથી તેમના શરીરમાંથી પણ ખૂબ જ દુર્ગંધ આવતી હતી, જેથી તેમને પહેલા નવડાવ્યા હતા. તેમના વાળ અને દાઢી જાતે અમારી ટીમે કાપ્યા હતા. તેમની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે દાદાને તો વ્યવસ્થિત જોઈ જ નથી શકતા. જેથી તાત્કાલિક તેમને પહેલા આઇ ચેક-અપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. દાદાનું આંખનું સૌપ્રથમ આઈ ચેક-અપ કરાવવામાં આવ્યું અને જરૂરી ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી. ત્યાર બાદ અમારા પર્વત પાટિયા ખાતે ચાલી રહેલા સેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે. હાલ દાદાની તબિયત ખૂબ જ સારી છે અને હવે તેઓ વ્યવસ્થિત જીવન જીવી રહ્યા છે.