મૃત આત્માઓને મુક્તિ મળે તે માટે અહીં શ્રીરામ અને લક્ષ્મણે પણ પિતા રાજા દશરથનું શ્રાદ્ધ કર્યું હતું
ગયા તીર્થ :ભાદરવા મહિનાના સુદ પક્ષની પૂનમ તિથિથી વદ પક્ષની અમાસ સુધી પિતૃપક્ષ ઊજવવામાં આવે છે. વૈદિક પરંપરા અને હિંદુ માન્યતા પ્રમાણે પિતૃઓ માટે શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવું ખૂબ જ પુણ્યકર્મ માનવામાં આવે છે. તેના માટે દેવતાઓએ મનુષ્યોને ધરતી ઉપર પવિત્ર જગ્યા આપી છે. જેનું નામ ગયા છે. અહીં શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે તથા તેમને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. મહાભારતમાં વર્ણન કરવામાં આવેલ ગયામાં ખાસ કરીને ધર્મરાજ યમ, બ્રહ્મા, શિવ તથા વિષ્ણુનો વાસ માનવામાં આવે છે.
વાયુપુરાણ, ગરુડ પુરાણ અને મહાભારત જેવા અનેક ગ્રંથોમાં ગયાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે ગયામાં શ્રાદ્ધકર્મ અને તર્પણ માટે પ્રાચીન સમયમાં પહેલાં વિવિધ નામની 360 વેદી હતી. જ્યાં પિંડદાન કરવામાં આવતું હતું. તેમાંથી હવે 48 જ બાકી રહી છે. વર્તમાનમાં આ જ વેદીઓ ઉપર લોકો પિતૃઓ માટે તર્પણ અને પિંડદાન કરે છે. અહીંની વેદીઓમાં વિષ્ણુપદ મંદિર, ફલ્ગુ નદીના કિનારે અને અક્ષયવટ ઉપર પિંડદાન કરવું જરૂરૂ માનવામાં આવે છે.
આ સિવાય વૈતરણી, પ્રેતશિલા, સીતાકુંડ, નાગકુંડ, પાંડુશિલા, રામશિલા, મંગળાગૌરી, કાગબલિ વગેરે પણ પિંડદાન માટે પ્રમુખ છે. આ વેદીઓમાં પ્રેતશિલા પણ મુખ્ય છે. હિંદુ સંસ્કારોમાં પંચતીર્થ વેદીમાં પ્રેતશિલાની ગણના કરવામાં આવે છે.
વાયુપુરાણમાં પ્રેત પર્વતનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે- ગયા શહેરથી લગભગ 10 કિલોમીટર દૂર પ્રેતશિલા નામનો પર્વત છે. આ ગયા ધામના વાયવ્ય કોણમાં એટલે ઉત્તર-પશ્ચિમ દિશામાં છે. આ પર્વતી ચોટી ઉપર પ્રેતશિલા નામની વેદી છે, પરંતુ સંપૂર્ણ પર્વતીય પ્રદેશને પ્રેતશિલાના નામથી ઓળખવામાં આવે છે. આ પ્રેત પર્વતની ઊંચાઇ લગભગ 975 ફૂટ છે. જે લોકો સક્ષમ છે તેઓ લગભગ 400 દાદરા ચઢીને પ્રેતશિલા નામની વેદી ઉપર પિંડદાન કરવા માટે જઇ શકે છે. જે લોકો ત્યાં જઇ શકતાં નથી તેઓ પર્વતની નીચે તળાવના કિનારે અથવા શિવ મંદિરમાં શ્રાદ્ધ કર્મ કરે છે. પ્રેતશિલા વેદી ઉપર શ્રાદ્ધ કરવાથી કોઇ કારણે અકાળ મૃત્યુના કારણે પ્રેતયોનિમાં ભટકતાં પ્રાણિઓને પણ મુક્તિ મળી જાય છે.
વાયુ પુરાણમાં તેનું વર્ણન છે. પ્રેતશિલાના મૂળભાગ એટલે પર્વતની નીચે જ બ્રહ્મ કુંડમાં સ્નાન-તર્પણ પછી શ્રાદ્ધનું વિધાન છે. જેના અંગે કહેવામાં આવ્યું છે કે તેનું પ્રથમ સંસ્કાર બ્રહ્માજી દ્વારા કરવામાં આવ્યું હતું. આચાર્ય નવીન ચંદ્ર મિશ્ર વૈદિકએ જણાવ્યું કે, શ્રાદ્ધ પછી પિંડને બ્રહ્મ કુંડમાં સ્થાન આપીને પ્રેત પર્વત ઉપર જાય છે. ત્યાં શ્રાદ્ધ અને પિંડદાન કરવાથી પિતૃઓને પ્રેત યોનિમાંથી મુક્તિ મળે છે.
અકાળ મૃત્યુને પ્રાપ્ત આત્માઓનું શ્રાદ્ધ અને પિંડદાન થાય છે- વાયુ પુરાણ પ્રમાણે અહીં અકાળ મૃત્યુને પ્રાપ્ત લોકોનું શ્રાદ્ધ અને પિંડદાનનું વિશેષ મહત્ત્વ છે. આ પર્વત ઉપર પિંડદાન કરવાથી અકાળ મૃત્યુને પ્રાપ્ત પૂર્વજો સુધી પિંડ સીધું પહોંચી જાય છે જેથી તેમને કષ્ટદાયી યોનીમાંથી મુક્તિ મળી જાય છે. આ પર્વતને પ્રેતશિલા સિવાય પ્રેત પર્વત, પ્રેતકળા તથા પ્રેતગિરિ પણ કહેવામાં આવે છે. પ્રેતશિલા પહાડીની ચોટી ઉપર એક ચટ્ટાન છે. જેના ઉપર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિઓ બનેલી છે. શ્રદ્ધાળુઓ દ્વારા પહાડની ચોટી ઉપર સ્થિત આ ચટ્ટાનની પરિક્રમા કરીને તેના ઉપર સત્તૂથી બનેલું પિંડ ઉડાડવામાં આવે છે.
પ્રેતશિલા ઉપર સત્તૂથી પિંડદાનની જૂની પરંપરા છે. પ્રેતશિલાના પૂજારી મનોજ ધામીના જણાવ્યાં પ્રમાણે આ ચટ્ટાનની ચારેય બાજુ 5 થી 9 વાર પરિક્રમા કરી સત્તૂ ચઢાવવાથી અકાળ મૃત્યુમાં મરેલાં પૂર્વજ પ્રેત યોનિથી મુક્ત થઇ જાય છે.
આ સ્થાન સાથે શ્રીરામ, લક્ષ્મણ તથા સીતાનું નામ જોડાયેલું છે-
એવું માનવામાં આવે છે કે આ પર્વત ઉપર શ્રીરામ, લક્ષ્મણ તથા સીતા પણ પહોંચીને તેમના પિતા રાજા દશરથનું શ્રાદ્ધ કર્યું હતું. કહેવામાં આવે છે કે પર્વત ઉપર બ્રહ્માના અંગૂઠાથી બનાવવામાં આવેલી બે રેખાઓ આજે પણ જોઇ શકાય છે. પિંડદાનીઓના કર્મકાંડને પૂર્ણ કર્યા બાદ આ વેદી ઉપર પિંડને અર્પણ કરવામાં આવે છે. અહીંના પૂજારી પં. મનીલાલ બારીકના જણાવ્યા પ્રમાણે પ્રેતશિલાનું નામ પ્રેતપર્વત હતું, પરંતુ ભગવાન રામે અહીં આવીને પિંડદાન કર્યું તે પછી આ સ્થાનનું નામ પ્રેતશિલા થયું. આ શિલા ઉપર યમરાજનું મંદિર, શ્રીરામ દરબાર(પરિવાર) દેવાલય સાથે શ્રાદ્ધ કર્મ સંપન્ન કરવા માટે બે રૂમ બનેલાં છે.