ઉડાન ભર્યાને થોડી જ વારમાં પેસેન્જર પ્લેનનો સંપર્ક તૂટ્યો, ક્રેશ થયું હોવાની આશંકા, વિમાનમાં 28 યાત્રિકો સવાર હતા
રશિયાના પૂર્વ વિસ્તારમાં એક પેસેન્જર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉડાન ભર્યાને થોડા સમયમાં જ વિમાનનો એરટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ સાથે સંપર્ક તૂટી ગયો હતો. વિમાનમાં 28 પેસેજન્જર્સ સવાર હતા. મળતી માહિતી મુજબ એન્ટોનોવ An-26 પ્લેન ઉત્તરી કામચટકામાં પેટ્રોપાવલોવસ્ક-કામચેટસ્કીથી પલાનાની ઉડાન પર હતું, પરંતુ રસ્તામાં જ તેનો સંપર્ક તૂટી ગયો. ડબલ એન્જિન ટર્બોકોર્પ વિમાન 1982 મોડલનું હતું.
રશિયન સમાચાર એજન્સી ઈન્ટરફેક્સ અને રિયા નોવોસ્તીએ ઈમરજન્સી મંત્રાલયના હવાલાથી આ સમાચાર આપ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ક્રુ મેમ્બરના 6 સભ્યો સહિત વિમાનમાં કુલ 28 યાત્રી સવાર હતા. જેમાં એકથી બે બાળકો પણ હોય શકે છે. જો કે વિમાનની સાથે શું થયું તેને લઈને અલગ અલગ માહિતીઓ સામે આવી રહી છે. તાસ એજન્સીના એક સૂત્રના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે શક્ય છે કે વિમાન લગભગ દરિયામાં ક્રેશ થઈ ગયું હશે. જ્યારે ઈન્ટરફેક્ટથી તેને પલાના ટાઉનથી નજીક એક કોલ માઈનની પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બે હેલિકોપ્ટર અને બચાવ કર્મીઓ ટીમ સાથે તલાશી શરૂ કરવામાં આવી છે. રશિયામાં વિમાન દુર્ઘટનાનો ઈતિહાસ ઘણો જ લાંબો રહ્યો છે. જો કે હાલના વર્ષોમાં રશિયાની એર ટ્રાફિક સેફ્ટીનો રેકોર્ડ થોડો સુધર્યો છે.
છેલ્લે 2019માં મોટી દુર્ઘટના ઘટી હતી
રશિયામાં મોટી હવાઈ દુર્ઘટના 2019ના મે માસમાં ઘટી હતી. તે સમયે એરોફ્લોટ એરલાઈન્સના એક સુખોઈ સુપરજેટે મોસ્કો એરપોર્ટના રનવે પર ક્રેશ લેન્ડિંગ કર્યું હતું, જેને પગલે આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં 41 લોકોના મોત નિપજ્યા હતા.