પત્ની માતાની સંભાળ માટે પિયર જતી તો પતિ શંકા કરતો, પતિએ પત્નીને 30 કિલોની સાંકળથી બાંધીને ત્રણ મહિના કેદમાં રાખી
રાજસ્થાનના ઉદયપુરના પ્રતાપગઢથી હૃદય કંપાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પતિએ પોતાના પુત્ર સાથે મળીને 3 મહિના સુધી પત્નીને 30 કિલો વજનની લોખંડની સાંકળથી બાંધીને રાખી હતી. કારણ એ હતું કે પતિને તેના પર ગેરકાયદે સંબંધ હોવાની શંકા હતી.
પતિએ પત્નીને સાંકળથી બાંધીને કેદ કરી હતી.
પોલીસને આ બાબતની જાણ થતાં તેઓ પીડિતાના ઘરે પહોંચ્યા અને તેને સાંકળો સાથે જ લઇને પોલીસ સ્ટેશન લાવ્યા હતા. પતિની ક્રૂરતા અહીં પણ અટકતી નહોતી. પોલીસે આરોપી પતિને ફોન કરીને તાળાની ચાવી લઈને બોલાવવામાં આવ્યો, ત્યારે તેણે તેમને ત્યાં પણ 15 મિનિટ રાહ જોવડાવી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે તેની માતા એકલી છે અને તે તેની મદદ માટે જતી હતી તથા પતિને શંકા હતી કે તેના ગેરકાયદે સંબંધ છે. આ જ વાત પર પતિએ તેને સાંકળથી બાંધીને કેદ કરી હતી. એટલું જ નહીં, ત્રણ મહિના સુધી તેની સાથે એટલી મારપીટ કરવામાં આવી કે તેના પગ પણ સોજી ગયા હતા અને તે યોગ્ય રીતે ચાલી પણ શકતી નથી. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે આરોપી પતિ અને પુત્ર સહિત 5ની ધરપકડ કરી હતી.
ત્રણ મહિના સુધી ગુજાર્યો ત્રાસ
પોલીસ સ્ટેશનના અધિકારી રવીન્દ્રસિંહે જણાવ્યું હતું કે ગામલોકો પાસેથી જાણકારી મળી હતી કે ભેરુલાલ મીણાએ તેની પત્નીને લોખંડની સાંકળથી પોતાના કેલુપોશ ઘર નજીક કાચી ઓરડીમાં લગભગ ત્રણ મહિના સુધી બાંધીની રાખી છે. આ સાથે ભૈરુલાલ તેને માનસિક અને શારીરિક ત્રાસ પણ આપી રહ્યો છે. બાતમી મળતાં પોલીસ ટીમ પીડિતના ઘરે પહોંચી ત્યારે એક ઓરડીમાં એક મહિલા લોખંડની સાંકળમાં બંધાયેલી કેદ મળી હતી.
પોલીસે આરોપી પતિ અને પુત્ર સહિત 5ની ધરપકડ કરી
પોલીસે આ ઘટના અંગે મહિલા પાસેથી માહિતી લીધી ત્યારે તેણે જણાવ્યું કે તે તેની માતાની મદદ માટે હિંગળાજ ગામમાં જતી હતી. આ બાબતે તેના પર તેનો પતિ અને પુત્ર તેના અન્ય વ્યક્તિની સાથે ગેરકાયદે સંબંધ હોવાની શંકા કરતા હતા. પિયર જતાં પતિ પિયરમાં આવીને માર મારતો હતો. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેના પતિએ તેને 3 મહિનાથી 30 કિલો વજનની લોખંડની સાંકળથી બાંધીને રાખી હતી. પોલીસે આ કેસને ગંભીરતાથી લેતાં તરત જ કાર્યવાહી કરીને પીડિતાના પતિ અને પુત્રની ધરપકડ કરીને અન્ય આરોપીઓની પણ શોધખોળ કરી રહી છે.
પિયરમાં આવીને પણ પતિ કરતો હતો મારપીટ
જીવાએ જણાવ્યું હતું કે હિંગળાજમાં માતા સીતાબાઈ એકલી રહે છે. જીવાબાઈની એક બહેન છે, જેના લગ્ન થઈ ગયા છે. આવી સ્થિતિમાં તે વૃદ્ધ માતાની સંભાળ લેવા માટે અને જમીનની વાવણી માટે ત્યાં જતી હતી. પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતાં તે પિયરમાં આવીને પણ મારપીટ કરતો હતો. જીવાબાઇને બે પુત્રો છે, જેમના લગ્ન થઈ ગયા છે. આ કેસમાં કોન્સ્ટેબલ નેમિચંદે કેસ નોંધાવતાં જણાવ્યું હતું કે મહિલાને ત્રણ મહિનાથી બંધક બનાવી હતી, પરંતુ પરસ્પર દુશ્મનાવટને ડરને કારણે કોઈએ પોલીસને જાણ કરી નહોતી.
પોલીસ મથકે લાવ્યા બાદ પોલીસે ચાવી માટે પણ 15 મિનિટ રાહ જોઈ
લોખંડની સાંકળ પર તાળું લગાવીને અજમલ પુત્ર પ્યારા મીણા લમ્બાડારાનો રહેવાસી તે ચાવી પોતાની સાથે લઈને ચાલ્યો ગયો હતો. તે 25 કિલોમીટર દૂર રહે છે. મંગળવારે બપોરે 3:30 વાગે પોલીસ મહિલાના ઘરે પહોંચી હતી. આ દરમિયાન આરોપી અજમલને ફોન કરીને ચાવી લઈને પોલીસ મથકે આવવા માટે સૂચના આપી હતી. સાંજે 4 વાગે સુધી પોલીસ મહિલાને લઈને પોલીસ મથકે આવી. 4:15 વાગે અજમલ જ્યારે પોલીસ મથકે આવ્યો ત્યારે મહિલાને બાંધેલી સાંકળ પરનું તાળું ખોલવામાં આવ્યું હતું. સાંકળથી બાંધેલી હોવાને કારણે જીવાના પગમાં સોજા પણ આવી ગયા હતા. મહિલાએ આ બાબતે સામેલ તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.