અમદાવાદની સગીરાને સોશિયલ મીડિયામાં ડીસાના યુવક સાથે પ્રેમ થયો, ઘરબાર છોડીને પ્રેમી માટે આવી પણ પ્રેમી નિકળ્યો પરિણીત…

અમદાવાદની સગીરાને સોશિયલ મીડિયામાં ડીસાના યુવક સાથે પ્રેમ થયો, ઘરબાર છોડીને પ્રેમી માટે આવી પણ પ્રેમી નિકળ્યો પરિણીત…

અમદાવાદ: સગીરાને સોશિયલ મીડિયા પરનો પ્રેમ ભારે પડ્યો હતો. સગીરા ડીસાના યુવક સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવી હતી. વાતો વાતોમાં બંન્ને ગાઢ પ્રેમમાં પડ્યા હતા. જેમાં યુવકે સગીરાને લગ્નનાં સપના પણ બતાવ્યાં હતા. સગીરા જ્યારે પોતાનું સર્વસ્થ છોડી પોતાના પ્રેમને મળવા ડીસા પહોંચી તો યુવક પરિણીત હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે 181 અભયમની ટીમે મામલો થાળે પાડી સગીરાને પિતાના ઘરે મોકલી હતી.

સોશિયલ મીડિયામાં અમદાવાદની સગીરાને ડીસાના યુવક સાથે પ્રેમ થતાં યુવકે સગીરાને લગ્નના સપના બતાવ્યાં હતા. સગીરા પોતાનું ઘર છોડી ડીસા પહોંચતા યુવક પરિણીત નીકળતા સગીરાને વિશ્વાસઘાત થયા હોવાનું લગતા સગીરાએ 181 અભયમની મદદ લીધી હતી. બાદમાં સગીરાએ પિતા પાસે પરત જવાનું જણાવતા સહી સલામત રીતે તેના પિતાને સોંપવામાં આવી હતી.

અમદાવાદની 17 વર્ષની સગીરાને સોશિયલ મીડિયા પર બનાસકાંઠાના યુવક સાથે ફ્રેન્ડશીપ થઈ હતી. બંને વચ્ચે મેસેજ દ્વારા વાતચીત થતા બંનેને પ્રેમ થઈ ગયો હતો. દરમિયાન શુક્રવારે યુવકે આ સગીરાને એવું કહ્યું હતું કે, ‘તું ડીસા આવ આપણે બંને લગ્ન કરી લઈએ’. આથી સગીરા રાત્રે 10 વાગ્યે ડીસા આવી હતી. જોકે, યુવક ત્યાં આવ્યો નહોતો. બીજી તરફ પોતાની દીકરી ઘરેથી નીકળી હોવાની જાણ થતા તેના પિતાએ બનાસકાંઠા 181 અભયમ ટીમની મદદ લીધી હતી.

કાઉન્સેલર જીનલબેન પરમાર મહિલા પોલીસ શિલ્પાબેન અને મીનાક્ષી બેન તેમજ ચાલક અમૃતભાઈ સાથે ડીસા ગયા હતા. જ્યાં સગીરાનો સંપર્ક કર્યો હતો અને તેની સાથે મુલાકાત કરી હતી. સગીરાને મળવા બોલાવનાર યુવકનો પણ સંપર્ક કરાયો હતો. પરંતુ તેણે ડીસા આવવાનો ઇનકાર કર્યો હતો. આથી 181ની ટીમ યુવકના ઘરે ગઈ હતી. જ્યાં પરિવારની માહિતી લેતા તે પરિણીત હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા સગીરાને કાયદાકીય સલાહ આપી હતી. જોકે, તેણે પિતા પાસે પરત જવાનું જણાવતા સહી સલામત રીતે તેના પિતાને સોંપવામાં આવી હતી.