ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો:રણબીર કપૂરે લેડીલવ આલિયા ભટ્ટને કિસ કરી, અનસીન ફોટો વાઇરલ
આલિયા ભટ્ટ તથા રણબીર કપૂરના અફેરની ચર્ચા લાંબા સમયથી થાય છે. ચાહકો હવે રાહ જોઈ રહ્યા છે કે આ બંને ક્યારે લગ્ન કરે. હાલમાં જ આલિયા ભટ્ટ તથા રણબીરની એક તસવીર સો.મીડિયામાં વાઇરલ થઈ છે.
રણબીરે આલિયાને કિસ કરી
આલિયા ભટ્ટની સ્ટાઇલિસ્ટ લક્ષ્મી લેહરે સો.મીડિયામાં આલિયાની એક તસવીર શૅર કરી છે. આ તસવીરમાં આલિયા પોતાની વેનિટી વાનમાં ઘણી જ ક્યૂટ લાગે છે. જોકે, ચાહકોને આલિયાની પાછળ આવેલી દીવાલ પર લાગેલી તસવીરોમાં રસ છે, આમાંથી એક તસવીરમાં આલિયા તથા રણબીર કપૂર સાથે જોવા મળે છે. આલિયાએ જેકેટ, શોર્ટ્સ તથા હાઇબુટ્સ પહેર્યાં છે. રણબીર પણ સાથે જ છે. તેણે આલિયાને માથા પર કિસ કરી હતી. બંને સીડી પર બેઠાં હોય છે.
રણથંભોર નેશનલ પાર્કની તસવીર હોવાની ચર્ચા
માનવામાં આવે છે કે આ તસવીર રણથંભોર નેશનલ પાર્કની છે. આ વર્ષની શરૂઆતમાં આલિયા તથા રણબીરે પરિવાર સાથે અહીંયા નવું વર્ષ સેલિબ્રેટ કર્યું હતું. દીપિકા તથા રણવીર પણ તેમની સાથે આવ્યા હતા.
કોરોનાને કારણે આલિયા-રણબીરના લગ્ન ના થયા
રણબીરે ઇન્ટરવ્યૂમાં લેડીલવ આલિયાના વખાણ કર્યાં હતાં અને લૉકડાઉનમાં બંનેએ સાથે રહીને શું કર્યું તે પણ વાત કરી હતી. રણબીરે કહ્યું હતું કે તેની પ્રેમિકા આલિયા ઓવરઅચિવર છે. તેણે ઘણાં બધા ઓનલાઈન કોર્સ કર્યાં હતાં, જેમાં ગિટારથી લઈ સ્ક્રિનરાઈટિંગ સામેલ છે. રણબીરે એમ પણ જણાવ્યું હતું કે તે હંમેશાંથી અન્ડરઅચિવર રહ્યો છે. તેણે લૉકડાઉન દરમિયાન કોઈ ક્લાસ કર્યાં નહોતા. શરૂઆતમાં પારિવારિક સમસ્યા હતી અને પછી તેણે વાંચવામાં તથા પરિવાર સાથે સમય પસાર કર્યો. તે રોજની બેથી ત્રણ ફિલ્મ જોતો હતો. વધુમાં રણબીરે કહ્યું હતું કે જો કોરોના ના આવ્યો હોત તો તેમણે લગ્ન કરી લીધા હોત. હવે તે ટૂંક સમયમાં જ લગ્ન કરી લેશે.ઉલ્લેખનીય છે કે 30 એપ્રિલના રોજ રિશી કપૂરનું નિધન થયું હતું. રણબીર તથા આલિયા લીવ ઈનમાં રહે છે.
પહેલી જ વાર ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે
આલિયા ભટ્ટ તથા રણબીર કપૂર ડિરેક્ટર અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ડિમ્પલ કાપડિયા, નાગાર્જુન, મૌની રોય છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન પણ જોવા મળશે. આ ફિલ્મ છેલ્લાં બે વર્ષથી બને છે પરંતુ હજી સુધી ફિલ્મ પૂરી થઈ શકી નથી.
રણબીરના સંબંધો દીપિકા-કેટરીના સાથે હતા
આલિયા ભટ્ટને ડેટ કરતાં પહેલાં રણબીર દીપિકા તથા કેટરીના સાથે રિલેશનશિપમાં રહી ચૂક્યો છે. તો આલિયાના સંબંધો પહેલાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે હતા.