રાજકોટ શહેરમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. શહેરના માધાપર ચોકથી બેડી ચોક નજીકના રસ્તે આવેલ બાલાજી વેફર્સના ગોડાઉનમાં લૂંટ થવા પામી છે. જેમાં લૂંટારુએ ચોકીદારને બંધક બનાવી ગોડાઉનમાંથી 1.95 લાખ રોકડ રકમની લૂંટ ચલાવી હતી. એટલું જ નહીં મળસ્કે ઠંડી લાગતા જેકેટ પણ ચોરી ગયા હતા. હાલ ગાંધીગ્રામ પોલીસ તેમજ ACP સહિતના સ્ટાફે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
ગોડાઉનનો ગેઇટ ખોલી નાખ્યો હતો
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના માધાપર ચોક થી બેડી ચોક જવા તરફ રસ્તામાં વચ્ચે બાલાજી વેફર્સના ગોડાઉનમાં લૂંટની ઘટના સામે આવી છે. ગોડાઉન મલિક અને બાલાજી વેફર્સના ડીલર કલ્પેશભાઈએ જણાવ્યું હતું કે, 3 જેટલા લૂંટારુઓ અમારા ગોડાઉન પર આવ્યા હતા જેમાંથી એક લુટારુએ ડેલો ઠેકી અંદર પ્રવેશ કર્યો હતો અને ગોડાઉનનો ગેઇટ ખોલી નાખ્યો હતો જે બાદ બીજા બે લૂંટારુ અંદર પ્રવેશ કર્યો હતો. અંદર અમારા ગોડાઉનના ચોકીદાર બેઠા હતા જેને લૂંટારુઓએ બંધક બનાવી ગોડાઉનમાં અંદર રાખેલા 1.95 લાખ લૂંટી ફરાર થઇ ગયા છે. બનાવની જાણ ચોકીદાર દ્વારા ગોડાઉન માલિકને જાણ કરવામાં આવતા તેઓ તુરંત ગોડાઉને દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.
દોઢેક વાગ્યા બાદ લૂંટની ઘટના બની
આ મામલે બાલાજી વેફર્સના ડિલર કલ્પેશ ગોરધનભાઈ અમરેલિયાએ જણાવ્યું હતું કે તેઓ વેફર્સ પ્રોડકટ ડિસ્ટિ્રબ્યુશન માટેની ડિલરશિપ સાથે ગોડાઉન માધાપર સર્કલ નજીક ધરાવે છે. ગોડાઉનમાં રાત્રીના સમયે ચોકીદાર રહે છે. બાલાજી વેફર્સ ડિલરના અમરેલિયા બાલાજી સેલ્સ નામના ગોડાઉન પર ગત રાત્રીના દોઢેક વાગ્યા બાદ લૂંટની ઘટના બની હતી. ગોડાઉનમાં રહેલા ચોકીદારને છરી બતાવી હતી. છેલ્લા 11 વર્ષથી વધુ સમયથી ગોડાઉન છે ત્યાં સાંજના સામે રેલનગરમાં રહેતા પુનાભાઈ રામભાઈ આહિર (ઉ.વ.70) નામના વૃદ્ધ સવાર સુધી ચોકીદાર તરીકે નોકરી કરે છે.
લુંટારૂ ત્રિપુટી ગોડાઉનમાં રોકાઈ હતી
અવાજ થતાં ચોકીદાર જાગી ગયા હતા અને તેમણે અવાજ કરતા વૃદ્ધ ચોકીદારને માર માર્યો હતો. એક શખસે છરી બતાવી ધમકી આપી વૃદ્ધને બાનમાં લીધા હતા. અન્ય બે શખસો ઉપલા માળે પહોંચ્યા અને ત્યાં ઓફિસના તાળા તોડી અંદર રહેલી 1.95 લાખની રોકડ રકમ લૂંટી લીધી હતી. અંદાજે એકાદ કલાકથી વધુ સમય લુંટારૂ ત્રિપુટી ગોડાઉનમાં રોકાઈ હતી.
ચોકીદાર રિલાયન્સની ઓફિસે પહોંચ્યા
લૂંટારૂ ત્રિપુટી નાસી જતા મોબાઈલ ફોન નહીં રાખતા વૃદ્ધ ચોકીદાર પુનાભાઈ બાજુમાં રિલાયન્સની ઓફિસે પહોંચ્યા હતા. જયાં હાજર કર્મચારી પાસે તેમના પુત્રને ફોન કરાવ્યો હતો. પુનાભાઈના પુત્રએ ફરિયાદી કલ્પેશભાઈના નાના ભાઈને ફોન કર્યેા હતો. લૂંટની જાણ થતાં કલ્પેશભાઈ અને તેના બન્ને ભાઈઓ કે જે સંયુકત પરિવારમાં રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે મધૂવન સોસાયટીમાં રહે છે. ત્રણેય તાત્કાલિક ગોડાઉન પર પહોંચ્યા હતા.
વેપારી કલ્પેશભાઈ અમરેલિયાના કહેવા મુજબ ડિલરશિપના માલ સપ્લાય કર્યાની રકમ હતી. રોજિંદા વેપારની રકમ રોજ સાંજે પોતે ઘરે જ લઈ જતાં હોય અથવાતો ચૂકવણુ કે ધંધાકીય કામમાં રકમ જતી રહેતી હોય છે. ગઈકાલે પોતે વાડીએ બહાર હતા જેથી ગોડાઉન પર જઈ શકાયું નહતું. ચોકીદાર પૂનાભાઈ પણ વર્ષોથી ગોડાઉન પર નોકરી કરે છે અને વિશ્વાસુ છે. રકમ ઓફિસમાં રાખી હતી. પહેલી વખત રકમ લેતા ચૂકાઈ હતી અને 1.95 લાખની રકમની લૂંટ થઈ હતી.
લૂંટારુઓ ચાલીને આવ્યા હતા
ગોડાઉનમાં લૂંટ ચલાવવા આવેલા ત્રણ શખ્સો બહારના ભાગે પ્લોટમાં 15 મિનિટ જેવો સમય બેઠા રહ્યા હતા. બાદમાં એક શખ્સ દીવાલ કૂદી અંદર ઘૂસ્યો હતો અને અન્ય બે ઈસમો ડેલો ખુલતા અંદર પ્રવેશ્યા હતા. ત્રણેય શખસો ચાલીને આવ્યા હતા તેવું ગોડાઉનના CCTVમાં દૃશ્યમાન થઈ રહ્યું છે.
લૂંટારૂઓ સ્પષ્ટ ગુજરાતી બોલતા હતા
લૂંટની સમગ્ર ઘટના ગોડાઉનમાં રહેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. એકાદ કલાકથી વધુ સમયના આ ઘટનાક્રમ પરથી અને લૂંટારૂઓ સ્પષ્ટ ગુજરાતી બોલતા હતા જેથી સ્થાનિક કે કોઈ નજીકના વિસ્તારના કે જાણભેદુ હોઈ શકે તેની પણ પોલીસને આશંકા છે. લૂંટારુઓ ગોડાઉનના સીસીટીવીમાં તો પગપાળા આવતા હોવાનું દેખાયું છે. આમ છતાં આગળના અન્ય સીસીટીવી પણ પોલીસ ચકાસી રહી છે લૂંટ કે આવા બનાવ ભેદવામાં પોલીસ માટે CCTV જ આશીર્વાદરૂપ બને છે આ લૂંટમાં પણ પોલીસનો પહેલો મદાર, આધાર કેમેરા બન્યા છે. લૂંટની ઘટનાના ફટેજ વાયરલ ન થાય તે માટે કોઈને ન આપવા પણ પોલીસે ગોડાઉન માલિકને સૂચિત કર્યા છે.
જેકેટ પણ લેતાં ગયા
ગોડાઉનમાં 1.95 લાખની રોકડની લૂંટ કરનાર ત્રિપુટીએ જીન્સપેન્ટ, શર્ટ પહેર્યા હતા. એકે શાલ ઓઢી હતી. અન્યએક ઈસમે પોતાનું મોં છૂપાવવા ઓળખ ન થાય તે માટે પોતે જ પહેરેલો શર્ટ જ ચહેરા પર બૂકાની બનાવી દીધો હતો. ઠંડી લાગતા શર્ટમાં રહેલા એક શખસે ગોડાઉનમાં કામ કરતા એક કર્મચારીનું અંદર રહેલું જેકેટ પહેરી લીધું હતું અને જેકેટ પણ લેતાં ગયા હતા.આ મામલે રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ તેમજ ACP અને DCP કક્ષાના અધિકારીએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને ચોકીદારની પણ પુછપરછ શરૂ કરી હતી. તેમજ બનાવમાં કોઈ જાણભેદુ સામેલ છે કે કેમ સહિતની દિશામાં તપાસ હાથ ધરી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.