દારૂ સાથે PSI ઝડપાયા, PSIને ખાનગી કારમાં દારૂની હેરાફેરી મોંઘી પડી,ઈંગ્લીશ દારૂની પેટીઓ મળતા ગુનો નોંધાયો
વલસાડઃ વલસાડ જિલ્લાની ભિલાડ પોલીસે દમણ અને ભિલાડ ચેકપોસ્ટ ઉપર આવેલી બામણ પૂજા ચેકપોસ્ટ ખાતે શુક્રવારે વાહન ચેકીંગ કરી રહેલી પોલીસે એક કાર અટકાવી ચેક કરતા કારમાંથી વલસાડ પોલીસમાં ફરજ બજાવતા વાયરલેસ PSI પ્રવીણ બાગલેને 5 પેટી દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા હતા. ભિલાડ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણથી ભિલાડ જતા રોડ ઉપર બામણ પૂજા ચેકપોસ્ટ ખાતે વલસાડ પોલીસ શુક્રવારે વાહન ચેકીંગ કરી રહી હતી. જેમાં એક કાર ન. DD-03-N-0005 નંબરની કારમાં 19 હજારનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે આવેલ કલગામમાં વાયરલેસ PSI તરીકે ફરજ બજાવે છે. PSI પ્રવિણ બાગલેને કુલ 3.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. સાથે અન્ય એક ઇસમને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભિલાડ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ પોલીસે કાયદો તમામ માટે સરખો હોવાનું સાબિત કર્યું
કાયદો તોડતા લોકોને કાયદાના પાઠ ભણાવતા પોલીસકર્મીઓ માટે પણ કાયદો સરખોજ હોવાનું ભિલાડ પોલીસે સાબિત કરી આપ્યું છે. ભિલાડ પોલીસ મથકે ઇ. PSI તરીકે ફરજ બજાવતા GV ગોહિલની ટીમે બામણ પૂજા ચેકપોસ્ટ ઉપર ચેકીંગ દરમિયાન સાબિત કરી આપ્યું હતું. પોલીસ વિભાગમાં PSI તરીકે ફરજ બજાવતા પ્રવીણ બાગલે સામે કડક કાર્યવાહી હાથ ધરી લોકોમાં કાયદો સમાનતાનું ઉમદા ઉદાહરણ પુરૂપાડ્યું છે.
પ્રવીણ બાગલેના પિતા 1970માં નવસારીમાં બાળકોને બચાવવા જતા શહીદ થયેલા
ભિલાડ પોલીસે દારૂ સાથે ઝડપાયેલા PSI પ્રવીણ બાગલેને પિતા દશરથ દગડું બાગલે 1970માં નવસારીમાં આવેલી રેલ દરમિયાન શાળામાંથી બાળકોને બચાવવા જતા શહીદ થયા હતા. તેમની તસવીર વલસાડ અને નવસારી જિલ્લાના તમામ પોલીસ મથકોમાં રાખવામાં આવી છે. પ્રવિણની માતા અન્નપૂર્ણાબેન મહિલા કોસ્ટબલ તરીકે પોલીસ વિભાગમાં ફરજ બજાવી સન્માન સાથે નિવૃત થાય હતા. તેમનો દીકરો દમણથી મહારાષ્ટ્ર દારૂની ફેરીમારતા ઝડપાતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. મહારાષ્ટ્ર કરતા દમણમાં દારૂ સસ્તો મળતો હોવાથી દમણથી દારૂનો જથ્થો મહારાષ્ટ્રના વિસ્તારોમાં સપ્લાય કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.