આને કહેવાય વતનપ્રેમઃ વર્ષે 25 લાખની નોકરી છોડી માતૃભૂમિનું ઋણ ચૂકવવા પૂનમચંદ પટેલ ભારત પરત આવ્યા

બહુચરાજી: ચાંદણકી ગામના પૂનમચંદ પટેલ અન્ય ગુજરાતીઓની જેમ 20 વર્ષ પહેલાં બે પૈસા કમાવવા માટે ઉડીને અમેરિકા ગયા હતા. પરંતુ છેલ્લા ચાર વર્ષથી વતનમાં આવી ગયા છે. જે માટીમાં રમીને મોટા થયા તેનું ઋણ ચૂકવવા વર્ષે 25 લાખ રૂપિયાની નોકરી છોડીને. તેઓ કહે છે, અમેરિકામાં 20 વર્ષ નોકરી કરી આજે પુત્ર સોફ્ટવેર એન્જિનિયર અને પુત્રવધૂ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. પરિવાર માટે જરૂર હતી ત્યાં સુધી નોકરી કરી, પુત્ર વેલસેટ થઈ ગયો એટલે હવે વતન આવી ગયો છું.

ગામ માટે શું કરવા માંગો છો તેમ પૂછતાં એનઆરઆઇ પૂનમચંદ પટેલે કહ્યું કે, વાર-તહેવાર સિવાય દિવાળીના 15 દિવસ દેશ-વિદેશમાં રહેતાં તમામ પરિવારો ગામમાં આવે છે અને એક જ રસોડે જમે છે. ખાસ કરીને નવી પેઢી ગામને ભૂલી ન જાય તે માટે શહેરો જેવી સુવિધા અહીં ઊભી કરવી છે. તેની રૂપરેખા આપતાં પૂનમચંદ પટેલ કહે છે, ગામના મુખ્ય તળાવને ડેવલપ કરી નજીકમાં સ્વિમિંગ પુલ બનાવીશું, જેથી ગામના યુવાનો સ્વિમિંગ પુલમાં તળાવ જેવી મજા માણી શકે.

નયનરમ્ય ગાર્ડન, સ્પોર્ટસ ગ્રાઉન્ડનું આયોજન છે. નજીકમાં બજાણિયા સમાજના 18થી ઓછી વયના 15-20 બાળકો રહે છે. તેઓ ક્રિકેટ, વોલીબોલ જેવી રમતો રમી શકે તેમજ ભૂલકાંઓ માટે હિંચકા, લપસણી વગેરે મુકીશું. સૌથી મોટું કામ વોટરબેંકનું છે. ચોમાસામાં વહેતું વરસાદી પાણી સીમ અને ગામ તળાવમાં એકઠું કરી બોરવેલ દ્વારા જમીનમાં ઉતારવા, ગામને વાઇફાઇ વિલેજ, દરેક પરિવારને ઘેરબેઠાં મિનરલ વોટર મળી રહે તેવી વ્યવસ્થાનું પ્લાનિંગ છે. એક રીતે જોવા જઈએ તો જે સુવિધા અમે અમેરિકામાં જોઈ અને ભોગવી છે તેવી સગવડ અમારા ગામના લોકોને પણ મળે તેવું આયોજન છે.

ગામમાં રહેતાં તમામ 60-70 લોકો વૃદ્ધ અને એક જ રસોડે જમે છે
ગુજરાતી સાથે ફાંકડું અંગ્રેજી બોલતાં પૂનમચંદ પટેલ (58) કહે છે, આમ તો અમારું ગામ વેલ ડેવલપ્ડ છે. સ્વચ્છતા, 24 કલાક વીજળી અને પાણીની સગવડ છે. પાકા રસ્તા, સ્ટ્રીટલાઇટ, 28 સીસીટીવી કેમેરા અને આરઓ પ્લાન્ટ પણ છે. અમારા ગામની વિશેષતા એ પણ છે કે ગામમાં રહેતાં 65 થી 70 તમામ લોકો વૃદ્ધ છે અને તેઓ એક જ રસોડે જમે છે. પરંતુ વિકાસનો કોઈ અંત નથી હોતો.

દેશ-વિદેશથી લોકો ખાસ અમારું ગામ જોવા આવે તેવું બનાવવાનો સંકલ્પ છે. મહિલા અનામત હોઈ મારાં મમ્મી રૂપાળીબા (78) હમણાં જ બિનહરીફ સરપંચ બન્યાં છે. ગામના વિકાસ માટે હું મારા તમામ અનુભવ કામે લગાડીશ. ગામને બાવળમુક્ત કરવાનું કામ શરૂ પણ કરી દીધું છે.

error: Content is protected !!