લીંબડીની યુવતીએ લગ્નની પીઠીની વિધિ પહેલા રાજકોટ આવી પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા આપી, સફળતા મળતા ખુશી બેવડાઇ

લીંબડી : જિંદગીમાં જેમને પોતાનો ધ્યેય પ્રાપ્ત કરવો જ છે તેઓ તેનો રસ્તો પણ જાતે જ શોધી લેતા હોય છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવતા અન્યો માટે પ્રેરણા બન્યો છે. આ વાત છે લીંબડી શહેરના વિષ્ણુનગર સોસાયટીમાં રહેતી પૂજા મકવાણાની. પૂજાના આજે લગ્ન છે, પણ ગઇકાલે તેની પીઠીની વિધી હતી. જોકે છેલ્લાં ઘણાં સમયથી પોલીસમાં જોડાવવાનું સપનું જોતી પૂજાએ લગ્નની વિધિઓની સાથોસાથ પોતાના સપનાને સાકાર કરવા પણ કોઇ કસર છોડી નહોતી. ગઇકાલે તે લીમડીથી રાજકોટ શારીરિક પરીક્ષા આપવા આવી હતી. પીઠીની વિધિ પહેલાં જ પૂજા નિયત સમયે રાજકોટ પહોંચી હતી અને પરીક્ષા આપી હતી. એટલું જ નહીં તેમાં સફળતા પણ મેળવતા ખુશી બેવડાઇ હતી.

 

પરિવારે આશીર્વાદ સાથે રાજકોટ મોકલી
મૂળ લીંબડી રહેતી પૂજા મકવાણા આજે અનેક કોડ ભરેલી યુવતીઓ માટે પ્રેરણારૂપ બની છે. ઘણાં સમયથી પોલીસમાં ભરતી થવાનાં સપના જોતી પૂજાની ગઈકાલે શારીરિક પરીક્ષા હતી. પરંતુ આજે લગ્ન હોય ગઈકાલે જ પીઠી સહિતની વિધિનું અગાઉથી જ આયોજન થઈ ગયું હતું. તેમ છતાં પૂજાના સપનાને સાકાર કરવા પરિવારે પણ પીઠી લગાવતાં પહેલાં આશીર્વાદ સાથે રાજકોટ મોકલી હતી અને શારીરિક પરીક્ષા આપી હતી જેમાં તે સફળતાપૂર્વક પાસ થતા ખુશી બેવડાઇ હતી.

પહેલેથી જ મારું સપનું પોલીસમાં ભરતી થવાનું છેઃ પૂજા
આ અંગે વાત કરતાં પૂજાએ જણાવ્યું હતું કે, પહેલેથી જ મારું સપનું પોલીસમાં ભરતી થવાનું છે. લોકરક્ષક દળની પરીક્ષાની તારીખ પહેલાં જ મારા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી. પરંતુ પરિવારે પરીક્ષા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું જેને લીધે રવિવારે ગણેશ સ્થાપના વિધી કરી હતી. સોમવારે પીઠી અને રાત્રે રાસ ગરબાનું આયોજન કરાયું હતું. મારા માટે લગ્નની વિધિ પણ મહત્વની છે, આથી રવિવારે ગણેશ સ્થાપન વિધિ કર્યા પછી સોમવારે વહેલી સવારે લીંબડીથી રાજકોટ માટે નીકળી ગઈ હતી અને પીઠીની વિધિ માટે નિયત સમયે લીંબડી પણ આવી ગઈ હતી. ઘરે આવ્યા પછી તરત જ પરીક્ષામાં પાસ થયાન સમાચાર ભાવિ પતિને આપતાં તેઓ પણ ખુશ થયા હતા અને લેખિત પરીક્ષા માટે પોતે પૂરો સહકાર આપશે તેવી ખાતરી પણ આપી હતી.

પૂજાએ MBAનો અભ્યાસ કર્યો છે
પૂજાએ પોતે MBAનો અભ્યાસ કર્યો છે. તે છેલ્લા 6 વર્ષથી આશા વર્કર તરીકે ફરજ બજાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે. લોકરક્ષક દળની પરીક્ષામાં શારીરિક પરીક્ષા પછી લેખિત પરિક્ષા અતિ મહત્વની હોય છે. જે અંગે પૂજાએ જણાવ્યું હતું કે, અગાઉ હું લેખિત પરીક્ષા થોડા માર્કથી ચૂકી ગઈ હતી. પરંતુ આ વખતે તેમાં કોઈ કચાસ રહેવા નહીં દઉં. મારા માતા-પિતા સાથે મને સાસરિયાનો સહકાર પણ મળ્યો છે. આથી વિશ્વાસ છે આ વખતે લેખિત પરિક્ષા પણ ક્લિયર થઈ જ જશે.

6 મહિનાથી તૈયારી કરે છેઃ પિતા
પિતા બળદેવભાઇ મકવાણાએ હર્ષના આંસુ સાથે જણાવ્યું હતું કે, મારી દીકરીના લગ્ન છે, પીઠી વિધિ પહેલા તે પરીક્ષા દેવા ગઇ હતી અને મેં આશીર્વાદ આપ્યા હતા કે બેટા પાસ થઇને આવજે. અમારા પરિવારનું નામ રોશન કરશે. પૂજા છેલ્લા 6 મહિનાથી પોલીસ ભરતી માટે તૈયારી કરે છે.

error: Content is protected !!