પત્નીના મોતના 21મા દિવસે પતિએ પણ દુનિયા કહી દીધું અલવિદા, 6 મહિનાનો પુત્ર થયો નોધારો

સુરતઃ સુરતમાં પત્નીના મૃત્યુના 21મા દિવસે પિતાનું છાતીના દુખાવા બાદ રહસ્યમય મોત નીપજતાં 6 મહિનાનો પુત્ર નોધારો બની ગયો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનવાસી અશોક ઘાચી સુરતમાં રસોઈયા તરીકે કેટરર્સમાં કામ કરતો હતો. 4 દિવસ પહેલાં જ વતનમાં પત્નીની અંતિમવિધિ પૂરી કરીને આવેલા અશોકના મોતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

પત્નીના આપઘાત બાદ પતિ આઘાતમાં સરી પડ્યો હતો
ભવરલાલ ઘાચી (મૃતકના મોટા ભાઈ)એ જણાવ્યું હતું કે અશોકના લગ્નને માંડ દોઢ વર્ષ થયું હશે, તેને એક 6 માસનો પુત્ર છે. પત્ની રિન્કુએ 21 દિવસ પહેલાં જ સુરતના કામરેજ માકણા ગામે ઘરમાં આપઘાત કરી ફાની દુનિયાને અલવિદા કરી દીધી હતી. અશોકને પત્નીના આપઘાતનો જોરદાર આંચકો લાગ્યો હતો. આઘાતમાં સરી પડેલા આશોકને માનસિક તણાવમુક્ત રાખવા પરિવાર અને સમાજના યુવાનો સાથે રહેતા હતા.

હોસ્પિટલમાં યુવાનનું મોત થયું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે અચાનક અશોકને છાતીમાં દુખાવો ઊપડતાં બૂમાબૂમ કરી નાખી હતી. એને લઈ પાડોશમાં રહેતા પરિવારે અશોકને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાર બાદ સમાજના લોકોને જાણ કરતાં આખો સમાજ દોડી આવ્યો હતો. જોકે ત્યારે અશોકના શ્વાસ રુંધાય ગયા હતા.

મૃતક પુત્રને માતા-પિતા પાસે મૂકી સુરત આવ્યો હતો
તેમણે જણાવ્યું હતું કે અશોક રાજસ્થાનમાં પત્નીની અંતિમવિધિ પૂરી કરી શુક્રવારે જ સુરત આવ્યો હતો. એકલવાયુ જીવન બની જતાં તેણે માસૂમ પુત્રને વતનમાં ભાઈ-ભાભી અને માતા-પિતા પાસે ઉછેર કરવાના વિચાર સાથે વતનમાં મૂકી સુરત આવ્યો હતો. હાલ કામરેજ પોલીસ અશોકનું પોસ્ટમોર્ટમ કરાવી મોતનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

મૃત્યુનું કારણ અકબંધ
તુષાર ચૌહાણ (પોસ્ટમોર્ટમ કરનાર તબીબ)એ જણાવ્યું હતું કે હોજરીમાંથી કશું પણ મળી આવ્યું નથી. હૃદયની તપાસમાં પણ અટેક આવ્યો હોય એવા કોઈ પ્રાથમિક ચિહનો મળી નથી આવ્યાં, જેથી તમામ પ્રકારનાં સેમ્પલ લઈ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. રિપોર્ટ આવ્યા બાદ જ અશોકના મોતનું કારણ જાણી શકાશે.

error: Content is protected !!