નાની વયે લગ્ન, પતિ ચરાવતા ઘેટા-બકરા, 5 વર્ષના હતા ત્યારે પિતાનો સાથ છૂટ્યો, આજે વર્ષે કરે છે લાખોનો બિઝનેસ

નાની વયે લગ્ન, પતિ ચરાવતા ઘેટા-બકરા, 5 વર્ષના હતા ત્યારે પિતાનો સાથ છૂટ્યો, આજે વર્ષે કરે છે લાખોનો બિઝનેસ

કચ્છઃ ગુજરાતના કચ્છ જિલ્લાના રહેવાસી પાબિબેન રબારી, 5 વર્ષના હતા ત્યારે પિતાનો સાથ છૂટી ગયો. ચોથા ધોરણ પછી અભ્યાસ બંધ થયો. માતા બીજાના ઘરોમાં વાસણ-કચરાનું કામ કરતી હતી, ખેતરોમાં મજૂરી કરતી હતી. પરિવારમાં કોઈ કમાનાર નહોતું કે કોઈ આવકનો સ્ત્રોત નહોતો. ત્રણ બહેનોમાં મોટી પાબિબેન રમવાની ઉંમરમાં માતાની સાથે કામ પર જવા લાગી. ક્યારેક ખેતરમાં તો ક્યારેક કોઈના ઘરે કચરાપોતાનું કામ. કલાકો સુધી કૂવામાંથઈ પાણી ભર્યા પછી દિવસનો એક રૂપિયો મળતો હતો. માતા-પુત્રી દિવસભર કામ કરીને કરીને થાકી જતા હતા પરંતુ પરિવાર માટે બે ટંકના ભોજનની વ્યવસ્થા કરવી એ પણ પહાડ જેવડું કામ લાગતું હતું.

ટ્રાઈબલ કમ્યુનિટીમાંથી આવતા પાબિબેનની સામે મુશ્કેલીઓનો પહાડ હતો પરંતુ તેમણે સમર્પણ વિના સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો. ખુદને કાબેલ બનાવવાની સાથે સાથે પોતાના ગામની મહિલાઓને સફળ બનાવવાનું અભિયાન શરૂ કર્યુ. આજે તેમની કળાની માંગ ભારત ઉપરાંત દુનિયાના 40 દેશોમાં છે. 200થી વધુ મહિલાઓને તેમણે રોજગારી આપી છે. હજારો મહિલાઓને કામમાં સામેલ કરી છે. ખુદ તેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર 30 લાખ રૂપિયા છે. અભ્યાસ કરવા ઈચ્છતા હતા પણ ઘરની સ્થિતિ આગળ મજબૂર હતા

37 વર્ષીય પાબિબેન કહે છે કે હું અભ્યાસ કરવા માગતી હતી. પરિવારની આર્થિક મુસીબતોને દૂર કરવા માટે કંઈક કરવા માગતી હતી પરંતુ પૈસાની તંગીના કારણે ચોથા ધોરણ પછી ભણી શકી નહીં. આખો સમય માતાની સાથે કામ કરવામાં જ નીકળી જતો હતો. ઘરમાં બે નાની બહેનો હતી, તેમની પણ દેખરેખ રાખવી પડતી હતી. મેં માતાને ઘણીવાર કહ્યું કે મારે ભણવું છે પરંતુ તે પણ મજબૂર હતી, શું કરી શકે? ગરીબી અને ભૂખની આગળ અમારું કંઈ ચાલે તેમ નહોતું.

નાની વયે લગ્ન, પતિ ઘેટા-બકરા ચરાવતા હતા
તેઓ કહે છે કે નાની વયમાં જ છત્તીસગઢમાં મારા લગ્ન થઈ ગયા. ત્યાં પણ એવી જ સ્થિતિ હતી. મુશ્કેલીઓ પીછો છોડવાનું નામ લેતી નહોતી. પતિ ઘેટાબકરા ચરાવવાનું કામ કરતા હતા. અનેકવાર જાનવરો સાથે તેઓ દૂર સુધી નીકળી જતા હતા.

પાબિબેન કહે છે કે છત્તીસગઢમાં મારા માટે રહેવું શક્ય નહોતું. કેમકે અમારું કોઈ કાયમી ઠેકાણું નહોતું અને હું એ રીતે રહેવા માગતી નહોતી. આથી પતિને સમજાવ્યા પછી અમે ફરી ગુજરાત આવ્યા. અહીં આવીને અમે એક કરિયાણાની દુકાન ખોલી. પતિ દુકાન સંભાળવા લાગ્યા અને હું ત્યાંની ટ્રેડિશનલ સિવણ વણાટનું કામ કરવા લાગી જે મારી માતા પાસેથી શીખ્યું હતું. અહીં સાસરીમાં જનારી યુવતીઓ પોતાની સાથે હાથવણાટની બનેલી બેગ અને કપડા લઈ જતી હતી. હું મોટા ઘરની યુવતીઓ માટે આ કામ કરવા લાગી. તેનાથી મને થોડી આવક થવા લાગી.

પાબિબેન માત્ર ધો. 4 સુધી ભણ્યા છે, પૈસાના અભાવે તેઓ આગળ ભણી શક્યા નહીં.
થોડા મહિના પછી પાબિબેન એક સંસ્થા સાથે જોડાઈ ગયા. જેના માટે તેઓ સિલાઈ-વણાટનું કામ કરતા હતા. તેના બદલામાં તેમને સંસ્થા તરફથી મહેનતાણું મળતું હતું. પાબિબેન કહે છે કે અમને કામ માટે પૈસા તો મળતા હતા પણ ક્રેડિટ મળતી નહોતી. મોટી કંપનીઓ અમારી પાસેથી સસ્તા ભાવે ખરીદીને તેને પોતાના નામથી ઊંચી કિંમતમાં વેચતી હતી. અમે માત્ર મજૂર બનીને રહી જતા હતા.

પતિએ ખુદનું કામ શરૂ કરવાની સલાહ આપી
તેના પછી પાબિબેનના પતિએ સલાહ આપી કે આપણે બીજા લોકોના માટે બનાવવાના સ્થાને ખુદના નામથી માર્કેટિંગ કરવું જોઈએ. આઈડિયા તો સારો હતો, પણ મુશ્કેલી એ હતી કે ન તો બંને શિક્ષિત હતા કે ન તો તેમની પાસે એટલા પૈસા હતા કે કંપની શરૂ કરી શકે.

પાબિબેન કહે છે કે 2016માં હું મારા એક પરિચિત નીલેશ પ્રિયદર્શીને મળી. તેઓ શિક્ષિત અને આ બધી ચીજોના એક્સપર્ટ હતા. કોર્પોરેટ અને રૂરલ બંને સેક્ટરમાં તેમને લાંબો અનુભવ હતો. તેમને મેં મારો આઈડિયા શેર કર્યો. તેમણે અમારી ખૂબ મદદ કરી અને અમને માર્કેટિંગની જાણકારી આપી, સંસાધનો ઉપલબ્ધ કરાવ્યા. થોડા મહિના પછી અમે પાબિબેન ડોટ કોમ નામથી ખુદની કંપની રજિસ્ટર કરી અને માર્કેટિંગ કરવા લાગ્યા.

ધીમે ધીમે વધવા લાગી પ્રોડક્ટની ડિમાંડ
પાબિબેન અને તેમની ટીમ અગાઉ લોકલ માર્કેટમાં વેપાર કરતા હતા. તેના પછી તેમણે અલગ-અલગ એક્ઝિબિશનમાં જવાનું શરૂ કર્યુ. અનેક શહેરોમાં સ્ટોલ લગાવીને માર્કેટિંગ કરવાનું શરૂ કરી દીધું. તેમાં તેમને સારો રિસ્પોન્સ મળ્યો. એક પછી એક તેમના ગ્રાહક વધતા ગયા. ધીમે ધીમે તેમણે પોતાના કામનો વ્યાપ પણ વધાર્યો. ગામની સ્થાનિક મહિલાઓને કામ પર રાખી લીધી. તેનાથી એ મહિલાઓને પણ સારી આવક થવા લાગી.

તેના પછી તેમણે માર્કેટિંગ માટે સોશિયલ મીડિયાની મદદ લીધી. ખુદની વેબસાઈટ બનાવી અને દેશભરમાં પોતાની પ્રોડક્ટની ડિલિવરી કરવા લાગ્યા. કોરોનાકાળમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ તેમની પ્રોડક્ટ ઉપલબ્ધ થઈ. અત્યારે તેઓ બેગ, શૉલ, મોબાઈલ કવર, પર્સ સહિત 50થી વધુ વેરાઈટીના પ્રોડક્ટસની માર્કેટિંગ કરે છે. અમેરિકા, જાપાન સહિત 40 દેશોમાં તેમની પ્રોડક્ટ્સની ડિમાંડ છે.

વર્ષ 2016માં વડાપ્રધાન મોદી પાબિબેનની પ્રશંસા કરી ચૂક્યા છે. મહિલા દિવસ નિમિત્તે પાબિબેન તેમને મળ્યા હતા.
દેશના અનેક શહેરોમાં તેમના રિટેલર્સ જોડાયેલા છે. તેમની બનાવેલી પ્રોડક્ટને અનેક બોલિવૂડ અને હોલિવૂડ ફિલ્મોમાં પણ સ્થાન મળ્યું છે. તેમને નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલ પર સન્માન પણ મળ્યું છે. પાબિબેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સન્માનિત કરી ચૂક્યા છે. આ સાથે તેઓ કેબીસીના મંચ પર અમિતાભ બચ્ચનની સાથે નજરે પડ્યા છે.

હવે કારીગર ક્લિનિક મોડેલ પર ફોકસ
પાબિબેનની સાથે કામ કરનારા નીલેશ જણાવે છે કે અત્યારે અમે લોકો કારીગર ક્લિનિક મોડેલ પર કામ કરી રહ્યા છીએ. જેમાં અમે સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપીએ છીએ. સૌપ્રથમ અમે ગામેગામ જઈને કલાકારોને મળીએ છીએ, તેમની કલા અને કામને સમજવાની કોશિશ કરીએ છીએ. તેના પછી જેમ ડોક્ટર ક્લિનિકમાં દર્દીના રોગનું એનેલિસિસ કરે છે, એ જ રીતે અમે લોકો કલાકારોની સમસ્યાઓ સમજીએ છીએ, તેમને પ્રોડક્ટ બનાવવા કે માર્કેટિંગ કરવામાં ક્યાં મુશ્કેલી આવે છે, તેના વિશે જાણકારી મેળવીએ છીએ.

પાબિબેન કેબીસીના મંચ પર અમિતાભ બચ્ચન સાથે નજરે પડ્યા હતા.
તેના પછી અમે એવા કલાકારોને મંચ આપીએ છીએ. જેથી તેઓ ખુદના નામથી પોતાની પ્રોડક્ટ તૈયાર કરી શકે. નીલેશ કહે છે કે અમારી કોશિશ છે કે પાબિબેનની જેમ અન્ય સ્થાનિક કલાકારો પણ તૈયાર કરીએ, તેમને બ્રાંડ તરીકે તબદિલ કરીએ. છેલ્લા બે વર્ષમાં અમે એવા અનેક કલાકારોને ઓળખ અને માર્કેટિંગ માટે પ્લેટફોર્મ આપ્યું છે. કોરોનાકાળમાં આ મહિલાઓએ બનાવેલા સ્પેશિયલ ગિફ્ટ પેકની પણ ખૂબ ડિમાંડ રહી છે.