સયાજી એક્સપ્રેસમાં ચાલતી ટ્રેનમાં દરવાજે ઊભી હતી કચ્છની બીજલ વોરા ત્યારે સંતુલન ગુમાવતા થયું મૃત્યુ,
કચ્છથી મુંબઇ આવી રહેલી ટ્રેનમાં એક કચ્છી મહિલા મુસાફર ચાલતી ટ્રેનના દરવાજે ઊભી હતી ત્યારે સંતુલન ગુમાવતાં નીચે પડીને મોત થયું હતું. આ બનાવથી કચ્છી વિશા ઓસવાળ સમાજમાં ગમગીની વ્યાપી ગઇ છે. કચ્છથી સયાજીનગરી એકસપ્રેસમાં એસ-3 કોચમાં મુસાફરી કરતી 35 વર્ષની બીજલ વીરા બોરીવલી સ્ટેશને ઊતરતાં પહેલાં ટ્રેન ભાયદંર નજીક પહોંચતાં સ્ટેશન કેટલું દૂર છે તે જોવા દરવાજા પાસે ગઈ અને અચાનક ચાલતી ટ્રેનમાંથી પડી જતાં ગંભીર હાલતમાં ભાયંદરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જયાં મંગળવારે સવારે તેનું મોત થયું હતું. વસઈ ગવર્નમેન્ટ રેલવે પોલીસે (જીઆરપી) આ મામલે અકસ્માતે મોત (એડીઆર)નો ગુનો નોંધ્યોછે.
આ બનાવ વિશે મૃતકના પતિ વિશાલ વીરાના બનેવી જયેશ હરિયાએ લક્ષ્મીચંદ વીરાની પત્ની બીજલ વીરા ૨૨ નવેમ્બરે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં વતન કચ્છથી આવી રહી હતી. બીજલની સાથે સયાજીનગરી એકસપ્રેસ ટ્રેનમાં તેના પિતા મૂળચંદભાઇ દેઠિયા, માતા અને બનેવી સહિતનો પરિવાર ટ્રેનના એસ/3 કોચમાં મુસાફરી કરી રહ્યાં હતાં. ટ્રેન તેના નિયત સમયે મુંબઇ નજીક ભાયંદર સ્ટેશનથી સોમવારે બપોરે 1.25 વાગ્યે પસાર થઈ હતી.
બીજલની સાથે પરિવારના તમામ મુસાફરોને નજીકના બોરીવલી સ્ટેશન પર ઊતરવાનું હતું. દરમિયાન બીજલ કોચના વોશ બસીન પાસે મોઢું ધોઈને ચાલતી ટ્રેનના દરવાજે ઊભી હતી. અચાનક તેણે સંતુલન ગુમાવતાં તે ટ્રેનમાંથી પડી ગઈ હતી. તે બે ટ્રેક વચ્ચે પડી હતી. તેને હાથ- પગ અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. થોડા સમયમાં રેલવે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ)ના જવાનોએ સ્ટ્રેચરમાં તેને ભાયંદરની હોસ્પિટલમાં દાખલ કરી હતી.
અચાનક બ્લડ પ્રેશર ઓછું થયું
બીજલની તબિયત સોમવારે થોડી સ્થિર થતાં મંગળવારે સવારે તેના માથાની ઈજાની સારવાર માટે ઓપરશેન કરવાનું હતું, પરંતુ તેનું બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જતાં ડોકટરોના પ્રયાસ છતાં સવારે 7 વાગ્યા આસપાસ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. મંગળવારે સાંજે તેનું પોસ્ટમોર્ટમ પછી નજીકના પરિવારજનોની હાજરીમાં મીરા રોડ ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. વિશાલ વીરા થાણેમાં અનાજની દલાલી કરે છે અને તેને એક 10 વર્ષની દીકરી છે.