ગુજરાતનો ‘સોનુ સુદ’: ખજૂરભાઈ ટીમ સાથે ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા લોકોને ઘર બનાવવામાં મદદ કરશે
રાજકોટ:ગુજરાતના સોનુ સુદ તરીકે જાણીતા અને તાઉ-તે વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી જનસેવા માટે રાત દિવસ કામ કરતા નીતિન જાની ઉર્ફે ખજૂર આજે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર ખાતે આવી પહોંચ્યા હતા. ઉપલેટા ખાતે મોજ નદી કાંઠે રહેતા લોકોને મદદ કરવા આગળ આવ્યા હતા. લોકોને ઘર ઉપર નળીયા અને છાપરા બાંધી રહેવા માટે ઘર બનાવી દેવામાં આવશે.
નુકશાની વેઠનાર નદી કાંઠાના પરિવારજનોની મુલાકાત કરી રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં વરસાદના પગલે ઉપલેટા ખાતે મોજ નદી ગાંડીતુર બની હતી જેના કારણે નદી કાંઠે રહેતા લોકોના ઘર બરબાદ થયા હતા અને નુકશાની થવા પામી હતી. ત્યારે આજે સાંજના સમયે ખજૂર તરીકે જાણીતા નીતિન જાની અને તેની ટિમ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર ખાતે પહોંચી મોજ નદીના કિનારે વરસાદના કારણે નુકશાની વેઠનાર નદી કાંઠાના પરિવારજનોની મુલાકાત કરી હતી.
તાત્કાલિક અસરથી રહેવા માટે સુવિધા કરી આપશે નીતિન જાનીએ જણાવ્યું હતું કે, કોઈ પણ કુદરતી આફત આવે ત્યારે પીવાનું પાણીથી લઇ રાશન સુધી અનાજ કીટ મળી રહેતી હોય છે પરંતુ લોકોને રહેવા માટે ઘરના ઘરની સમસ્યા યથાવત રહેતી હોય છે માટે આજે મોજ નદી કાંઠે ટીમ સાથે આવ્યા છીએ.
નિતીન જાની મોજ નદી કાંઠે ટીમ સાથે પહોંચતા લોકોએ કહ્યું- રહેવા માટે ઘર નથી અહીંયા પણ લોકોની એ જ માંગ છે કે રહેવા માટે ઘર નથી તો અમારી ટીમ તાત્કાલિક અસરથી તેમને રહેવા માટે સુવિધા કરી આપશે. જેમાં ઘર ઉપર નળીયા અને છાપરા બાંધી રહેવા માટે ઘર બનાવી દેવામાં આવશે.
લોકોને સાચી સેવા પુરી પાડી ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં આવેલા તાઉ-તે વાવાઝોડા સમયે પણ ખજૂર અને તેમની ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી હતી અને રાતદિવસ મહેનત કરી જનસેવા કરતા હતા અને લોકોને સાચી સેવા પુરી પાડી હતી.