લગ્નના બે વર્ષમાં જ પતિનું નિધન, ગર્ભવતી યુવતી દુ:ખના ડુંગર વચ્ચે પોલીસ કોન્સ્ટેબલ બની

ધરમપુર:નિમિષા પટેલ ધરમપુરના નાનકડાં એવા ખટાણાં ગામમાં પિતા વિનુભાઇ પટેલ મજુરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વિનુભાઇને સંતાનમાં એક પુત્રી નિમિષા અને નાનો પુત્ર હતો. પિતાએ મજુરી કામ કરીને બંને સંતાનને પોતાની યથાશક્તિ મુજબ ભણાવવાનો પ્રયાસ કર્યો.

ગામડાંની અન્ય બાળકીની જેમ નિમિષા પણ સ્વભાવે એકદમ શાંત અને શરમાળ પ્રકૃતિની હતી. જોકે, નિમિષા પહેલેથી જ ભણવામાં ખૂબ જ હોશિંયાર હતી. આથી બારમાં ધોરણમાં સારા ટકા સાથે ઉતીર્ણ થયા બાદ શિક્ષકની નોકરી આસાનીથી મળી રહેશે એ આશયથી પીટીસી કોલેજમાં પ્રવેશ મેળવીને 2 વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યો.

નિમિષા પટેલ આજે કપરાડા તાલુકાના નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલની ફરજ બજાવે છે. કેવા સંજોગમાં તે કોન્સ્ટેબલ બની એ જાણ‌વા જેવું છે. મજૂરી કરતા પિતાની પુત્રી નિમિષાએ પીટીસીનો અભ્યાસ કર્યો હતો. 22 વર્ષની વયે બેન્કમાં નોકરી કરતા અજય સાથે તેના લગ્ન થયાં હતાં. લગ્નના બે વર્ષ બાદ નિમિષા સગર્ભા હતી ત્યારે જ બીમારીના કારણે પતિનું અવસાન થયું હતું.

પતિના મૃત્યું બાદ સાસરીવાળાએ મહેણાટોણા મારીને ત્રાસ આપવાનું શરૂ કરતા નિમિષા પિતાના ઘરે પરત આવી હતી. અહીં પુત્રના ઉછેરની સાથે કોલેજનો અભ્યાસ પૂરો કરીને પોલીસમાં ભરતી થવાનો નિર્ધાર કર્યો. કોલેજના છેલ્લા વર્ષમાં તે સારા પર્સન્ટેજ સાથે પાસ પણ થઇ ગઇ.

ગુજરાત સરકારમાં પોલીસ વિભાગમાં ભરતીની જાહેરાત આવતા તેમા એપ્લાય કર્યુ. લેખિત પરીક્ષા મેરિટ સાથે પાસ કર્યા બાદ ફિઝિકલી ટેસ્ટમાં પણ સારો દેખાવ કરીને તે પોલીસ વિભાગમાં પસંદગી પામી. નિમિષા કહે છેકે ઈરાદા મક્કમ હોય તો અવરોધો ટકી શકતા નથી.

error: Content is protected !!